Brain Health: સ્ક્રોલિંગનો ભ્રમ: તમે આરામ કરો છો કે મગજને થકવો છો? જાણો મોડી રાતના સ્ક્રીન ટાઈમની અસરો
આજની આધુનિક અને દોડધામભરી જિંદગીમાં માણસ કદાચ જ ક્યારેય સાચા અર્થમાં શાંત બેસી શકે છે. એક જમાનો હતો જ્યારે લાંબી મુસાફરી માત્ર બારીની બહાર કુદરતી દ્રશ્યો જોતા જોતા કટી જતી હતી. કોઈપણ લાઈનમાં ઉભા રહીને રાહ જોતી વખતે લોકો આસપાસના વાતાવરણને અનુભવતા હતા અને રાત્રે સૂતા પહેલા મગજ આપમેળે જ શાંત (Slow Down) થઈ જતું હતું.

પરંતુ, હવે ચિત્ર બદલાયું છે. જીવનની દરેક ખાલી ક્ષણ હવે કોઈને કોઈ સ્ક્રીનથી ભરાઈ ચૂકી છે. ક્યારેક મોબાઈલ નોટિફિકેશન, ક્યારેક શોર્ટ વીડિયો કે રીલ્સ, ક્યારેક પોડકાસ્ટ તો ક્યારેક ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્સ. પરિણામ એ આવ્યું છે કે આપણા મગજને જે કુદરતી અને ઊંડો આરામ મળવો જોઈએ, તે હવે બિલકુલ મળતો નથી.
શું આ ડિજિટલ આદતથી આપણા પર માઠી અસર થઈ રહી છે?
ન્યુરોલોજિસ્ટ્સ (જ્ઞાનતંતુના નિષ્ણાતો) નું કહેવું છે કે સતત મળતું આ બેકગ્રાઉન્ડ સ્ટિમ્યુલેશન (બાહ્ય ઉત્તેજના) માનવીય મગજની કામ કરવાની મૂળભૂત પદ્ધતિને બદલી રહ્યું છે. બહારથી જોતાં ભલે કોઈ વ્યક્તિ સોફા કે બેડ પર આરામ કરતી દેખાય, પરંતુ જો તેના હાથમાં મોબાઈલ હોય તો તેનું મગજ અંદરથી સતત સક્રિય (Active) રહે છે. આ જ કારણ છે કે આજકાલ લોકો કોઈપણ પ્રકારની ભારે શારીરિક મહેનત કર્યા વિના પણ દિવસના અંતે અતિશય માનસિક થાક અનુભવે છે.
શું આપણું બ્રેન હંમેશા સક્રિય રહેવા માટે બનેલું છે?
હોસમેટ હોસ્પિટલના જાણીતા ન્યુરોલોજિસ્ટ ડો. પ્રભુએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા (TOI) ને જણાવ્યું કે,
“માનવ મગજ ક્યારેય પણ આ પ્રકારે ૨૪ કલાક સતત સક્રિય રહેવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું નથી. ભૂતકાળમાં દિવસ દરમિયાન એવા નાના-નાના અસંખ્ય પળો મળતા હતા, જ્યારે મગજ આપમેળે જ વિચારશૂન્ય કે શાંત થઈ જતું હતું જેને આપણે ‘મેન્ટલ બ્રેક’ કહી શકીએ. પરંતુ હવે સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાના કારણે આ ખાલી જગ્યાઓ ડિજિટલ કન્ટેન્ટથી ભરાઈ ગઈ છે. સતત કનેક્ટેડ રહેવાનું દબાણ મગજને ક્યારેય સ્વિચ ઓફ થવા દેતું નથી.”
સતત એલર્ટ મોડમાં રહેવાની ભયાનક અસરો
નિષ્ણાતો ચેતવણી આપતા જણાવે છે કે આ સમસ્યાની સૌથી મોટી વિડંબના એ છે કે તેનો થાક તરત જ અનુભવાતો નથી. લોકોને એવો ભ્રમ થાય છે કે બેડ પર પડી રહીને મોબાઈલ સ્ક્રોલ કરવો કે મોડી રાત સુધી વીડિયો જોવા તે એક પ્રકારનો આરામ છે. પરંતુ વાસ્તવમાં, મગજ તે સમયે પણ નવી માહિતી, રંગો અને અવાજોને પ્રોસેસ કરવા માટે સખત મહેનત કરતું હોય છે.

આના કારણે આપણું નર્વસ સિસ્ટમ (ચેતાતંત્ર) હંમેશા એક હળવી સતર્કતા અથવા કટોકટીની અવસ્થામાં (Mild Alert State) રહે છે. ધીમે-ધીમે આ આદત નીચે મુજબની ગંભીર સમસ્યાઓમાં પરિણમે છે:
ક્રોનિક મેન્ટલ ફટિગ: લાંબાગાળાનો માનસિક થાક જે ઊંઘવાથી પણ દૂર થતો નથી.
એટેન્શન ડેફિસિટ: કોઈપણ કામમાં લાંબો સમય ધ્યાન ન પરોવી શકવું કે એકાગ્રતાનો અભાવ.
ઇમોશનલ બર્નઆઉટ: નાની નાની વાતોમાં ચીડિયાપણું આવવું અથવા લાગણીશૂન્ય થઈ જવું.
વૈશ્વિક સંશોધન સંસ્થા ‘નેશનલ ઇન્સ્ટિટ્યુટ્સ ઓફ હેલ્થ’ (NIH) ના સંશોધનમાં પણ સાબિત થયું છે કે જરૂરિયાત કરતાં વધુ સ્ક્રીન ટાઈમ અને ખાસ કરીને મોડી રાત્રે ડિજિટલ ઉપકરણોનો ઉપયોગ ઊંઘની ગુણવત્તા (Quality of Sleep), હોર્મોનલ સંતુલન અને નિર્ણય લેવાની ક્ષમતાને ગંભીર નુકસાન પહોંચાડે છે. રાત્રિના સમયે સ્ક્રીનમાંથી નીકળતી બ્લુ લાઈટ મગજને છેતરે છે કે હજુ દિવસ છે, જેથી ઊંઘ માટે જરૂરી મેલાટોનિન હોર્મોન ઉત્પન્ન થતો નથી અને મગજ ફરજિયાત એલર્ટ મોડમાં રહે છે. આનાથી બચવા માટે રોજ થોડો સમય ‘ડિજિટલ ડિટોક્સ’ એટલે કે સ્ક્રીન વગર શાંત બેસવાની આદત કેળવવી અનિવાર્ય બની ગઈ છે.
