હવે એક સ્કેન પર થશે ઉકેલ: કર્ણાટકમાં ભેળસેળયુક્ત ખોરાક અને નકલી દવાઓ માટે QR કોડ ફરિયાદ પ્રોટોકોલ
નાગરિકોની સુવિધા અને આરોગ્ય સુરક્ષાને વધુ મજબૂત કરવા માટે કર્ણાટક સરકારના ખાદ્ય સુરક્ષા અને ઔષધ પ્રશાસન વિભાગ (Food Safety and Drug Administration Department) દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. વિભાગે ફરિયાદોના ઝડપી અને પારદર્શક નિવારણ માટે QR કોડ આધારિત ડિજિટલ ફરિયાદ વ્યવસ્થા શરૂ કરી છે.
આ આધુનિક વ્યવસ્થા ‘સેન્ટર ફોર ઈ-ગવર્નન્સ’ (Center for E-Governance) ના વિશેષ સહયોગથી તૈયાર કરવામાં આવી છે. આ નવી સિસ્ટમ દ્વારા હવે સામાન્ય નાગરિકો અને ગ્રાહકો પોતાના સ્માર્ટફોન વડે સ્કેન કરીને ખાદ્ય પદાર્થોની ગુણવત્તા તેમજ દવાઓને લગતી કોઈપણ સમસ્યા અંગે સરળતાથી ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકશે. ફરિયાદ નોંધાયા બાદ તેની તપાસ, રીયલ-ટાઇમ મોનિટરિંગ અને ઉકેલ લાવવાની સમગ્ર પ્રક્રિયા પણ ડિજિટલ માધ્યમથી જ પૂર્ણ કરવામાં આવશે.

દવાઓ સંબંધિત કઈ ફરિયાદો નોંધાવી શકાશે?
દવાઓની ખરીદી અને ફાર્મસી સેવાઓ સાથે જોડાયેલી વિવિધ સમસ્યાઓ માટે આ QR સિસ્ટમ અત્યંત ઉપયોગી સાબિત થશે. નાગરિકો નીચે મુજબની બાબતો અંગે પોતાની રજૂઆત કરી શકે છે:
અધિક કિંમતની વસૂલાત: નિયત MRP કરતાં વધુ કિંમતે દવાઓ વેચવી કે ઓવરચાર્જિંગ કરવું.
એક્સપાયરી ડેટ વાળી દવાઓ: સમયસીમા સમાપ્ત થઈ ગઈ હોય તેવી દવાનું વેચાણ કરવું.
દવાની આડઅસર (Side Effects): ચોક્કસ દવાની ગંભીર પ્રતિકૂળ અસરો અંગેની સુચના.
ફાર્મસી સેવાઓની ક્ષતિઓ: મેડિકલ સ્ટોર અને ફાર્માસિસ્ટ દ્વારા અપાતી ખામીયુક્ત સેવાઓ.
નિયમનકારી ઉલ્લંઘન: ઔષધ નિયમન કાયદાઓનું પાલન ન થતું હોય તેવા અન્ય કિસ્સાઓ.
ખાદ્ય સુરક્ષા અને હોટલો સંબંધિત મળનારી સુવિધાઓ
ખાદ્ય પદાર્થોની ગુણવત્તા સુધારવા માટે હોટલ, રેસ્ટોરન્ટ, સ્ટ્રીટ ફૂડના લારી-ગલ્લાં અને અન્ય ખાદ્ય ઉત્પાદન એકમો સામે પણ આ પ્લેટફોર્મ પરથી સીધી ફરિયાદ કરી શકાશે:
અસ્વચ્છતા અને ખરાબ સફાઈ: ખાણી-પીણીની જગ્યાઓ પર ગંદકી અથવા અસુરક્ષિત વાતાવરણ હોવું.
કૃત્રિમ રંગોનો અતિરેક: ખોરાકમાં નુકસાનકારક અને ગેરકાયદેસર કેમિકલ અથવા કૃત્રિમ રંગોનો ઉપયોગ કરવો.
હલકી ગુણવત્તાનો ખોરાક: વાસી, બગડેલો કે ભેળસેળયુક્ત ખોરાક પીરસવો.

આ ડિજિટલ સુવિધા શરૂ કરવાનો મુખ્ય હેતુ
સરકારી વિભાગના જણાવ્યા અનુસાર, QR કોડ આધારિત આ વ્યવસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રશાસનમાં પારદર્શિતા લાવવાનો અને ફરિયાદો પર નિર્ધારિત સમયમર્યાદામાં કડક કાર્યવાહી કરવાનો છે. આ સિસ્ટમ દ્વારા ઉચ્ચ અધિકારીઓ માટે ફરિયાદોનું ટ્રેકિંગ અને મોનિટરિંગ કરવું ખૂબ જ સરળ બની જશે.
આ ઉપરાંત, ઔષધ ક્ષેત્રના વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સ માટે ડિજિટાઈઝેશનને પ્રોત્સાહન આપતાં, D.Pharma ના વિદ્યાર્થીઓ માટે ઈ-માર્ક્સ કાર્ડ (E-Marks Card) અને D.Pharmacy ધારકો માટે ઈ-સર્ટીફિકેટ (E-Certificate) જેવી સુવિધાઓ પણ ઓનલાઈન પોર્ટલ પર ખુલ્લી મુકવામાં આવી છે.
રાષ્ટ્રીય સ્તરે ખાદ્ય સુરક્ષા અને ભેળસેળની ફરિયાદ ક્યાં કરવી?
જો તમે સમગ્ર દેશમાં કોઈપણ જગ્યાએ ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કે અસુરક્ષિત ખોરાક અંગે ફરિયાદ કરવા માંગતા હોવ, તો ભારતીય ખાદ્ય સુરક્ષા અને ધોરણો પ્રાધિકરણ (FSSAI) ના રાષ્ટ્રીય પોર્ટલ અને હેલ્પલાઈનનો ઉપયોગ કરી શકો છો:
ઓનલાઈન પોર્ટલ: રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા પોર્ટલ ‘ફૂડ સેફ્ટી કનેક્ટ’ (Food Safety Connect) પર જઈને ફરિયાદ નોંધાવી શકાય છે.
ટોલ-ફ્રી નંબર: 1800112100 પર કોલ કરીને સીધી માહિતી આપી શકાય છે.
વોટ્સએપ સુવિધા: પોતાના મોબાઈલથી 9868686868 વોટ્સએપ નંબર પર સંપર્ક કરીને પણ ફરિયાદ દર્જ કરી શકાય છે.
