Instagram: ઓટોમેટેડ સિસ્ટમનો દુરુપયોગ કરી ક્રિએટર્સનું ડિજિટલ અપહરણ; મામલાની તપાસ માટે SIT ની માંગ
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ (Instagram) નો ઉપયોગ કરતા ભારતીય કન્ટેન્ટ ક્રિએટર્સ માટે એક ચોંકાવનારા અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ઇન્સ્ટાગ્રામ પર સક્રિય એક સંગઠિત સાયબર ખંડણી નેટવર્ક વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં એક જનહિત અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, એક આખું સાયબર ક્રિમિનલ નેટવર્ક ઇન્સ્ટાગ્રામની કોપીરાઇટ પોલિસીની ખામીઓનો દુરુપયોગ કરીને નિર્દોષ ક્રિએટર્સને નિશાન બનાવી રહ્યું છે. હાઈકોર્ટમાં દાખલ આ અરજીમાં આ આંતરરાષ્ટ્રીય કૌભાંડની ઊંડી તપાસ માટે એક વિશેષ તપાસ ટીમ (SIT) ના ગઠનની માંગ કરવામાં આવી છે.
આ હાઈ-પ્રોફાઈલ અરજી જાણીતા કન્ટેન્ટ ક્રિએટર નીતિન જોશી દ્વારા ફાઈલ કરવામાં આવી છે. તેમનો આક્ષેપ છે કે આ નેટવર્ક લોકપ્રિય ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ પર નકલી અને બનાવટી કોપીરાઇટ ઉલ્લંઘનની ફરિયાદો કરે છે. જેના કારણે ક્રિએટર્સના એકાઉન્ટ્સ કાયમ માટે બંધ કે સસ્પેન્ડ થઈ જાય છે. ત્યારબાદ, આ એકાઉન્ટ્સને ફરી ચાલુ કરવા અથવા કોપીરાઇટ સ્ટ્રાઇક પાછી ખેંચવા માટે ક્રિએટર્સ પાસેથી લાખો રૂપિયાની ખંડણી (Extortion Money) માંગવામાં આવે છે.

કેવી રીતે કામ કરે છે આ કૌભાંડ? ઓટોમેટેડ સિસ્ટમનો દુરુપયોગ
અરજીકર્તાના જણાવ્યા અનુસાર, આ આખું સાયબર ફ્રોડ ખૂબ જ વ્યવસ્થિત અને ટેકનિકલ રીતે ચલાવવામાં આવી રહ્યું છે. આ નેટવર્ક હજારો ફેક અથવા ‘બોટ એકાઉન્ટ્સ’ (Bot Accounts) નો ઉપયોગ કરે છે. જ્યારે તેઓ કોઈ ચોક્કસ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને નિશાન બનાવવા માંગે છે, ત્યારે આ બોટ્સ દ્વારા તે એકાઉન્ટની પોસ્ટ્સ પર સામૂહિક રીતે કોપીરાઇટ ઉલ્લંઘનની ખોટી ફરિયાદો સબમિટ કરવામાં આવે છે.
આ સામૂહિક ફરિયાદોને કારણે ઇન્સ્ટાગ્રામની ‘ઓટોમેટેડ એન્ફોર્સમેન્ટ પ્રોસેસ’ (AI આધારિત સુરક્ષા પ્રણાલી) સક્રિય થઈ જાય છે. આ સિસ્ટમ કોઈપણ માનવીય વેરિફિકેશન કે ક્રિએટરને આગોતરી નોટિસ આપ્યા વિના જ તે એકાઉન્ટને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કે ડિસેબલ કરી દે છે. વર્ષોની મહેનતથી ઉભા કરેલા ફોલોઅર્સ અને એકાઉન્ટ એક ઝાટકે ગાયબ થઈ જતાં ક્રિએટર્સ ભારે માનસિક દબાણમાં આવી જાય છે.
સ્ટ્રાઇક પાછી ખેંચવાના નામે મોટી રકમની માંગણી
અરજીમાં આગળ જણાવવામાં આવ્યું છે કે, એકવાર ક્રિએટરનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બંધ થઈ જાય એટલે આ નેટવર્કના સભ્યો અન્ય ગુપ્ત માધ્યમો (જેમ કે ટેલિગ્રામ અથવા ડાર્ક વેબ ઇમેઇલ) દ્વારા ક્રિએટરનો સંપર્ક કરે છે. તેઓ દાવો કરે છે કે આ સ્ટ્રાઇક તેમણે જ કરાવી છે અને જો ક્રિએટર મોટી રકમ ચૂકવવા તૈયાર થાય, તો જ તેઓ ઇન્સ્ટાગ્રામ પરથી પોતાની ફરિયાદ પાછી ખેંચશે.
અરજીકર્તાના વકીલે કોર્ટને જણાવ્યું કે આ એક તદ્દન નવા પ્રકારનો ઉભરી રહેલો સાયબર ક્રાઇમ છે. જેમાં મેટા (Meta Platforms) જેવી વૈશ્વિક ટેકનોલોજી કંપનીના કાનૂની મિકેનિઝમને જ ગુનેગારો દ્વારા હથિયાર બનાવીને ડિજિટલ અપહરણ અને ખંડણી વસૂલવા માટે વાપરવામાં આવી રહ્યું છે.
અરજીકર્તાએ આપ્યો પોતાનો જ દાખલો: કૌભાંડનો પર્દાફાશ કરતાં જ વિડીયો બ્લોક થયો
નીતિન જોશીએ કોર્ટ સમક્ષ પોતાનો કડવો અનુભવ શેર કરતાં જણાવ્યું કે, તેમણે ઇન્સ્ટાગ્રામ પર ચાલી રહેલા આ કાળા કારોબારનો પર્દાફાશ કરવા માટે “ઇન્સ્ટાગ્રામનું સૌથી મોટું કોપીરાઇટ સ્કેમ” શીર્ષક સાથે એક વિડીયો પબ્લિશ કર્યો હતો. આ વિડીયો ઓનલાઈન આવતાની સાથે જ દેશભરના સેંકડો નાના-મોટા ક્રિએટર્સે તેમની સાથે આવી જ નકલી ફરિયાદો અને ખંડણીના મેસેજના પુરાવા શેર કર્યા હતા.

ચોંકાવનારી વાત એ છે કે, આ જાગૃતિ વિડીયો અપલોડ થયાના થોડા જ સમયમાં, આ જ ખંડણીખોર ગેંગે નીતિનના એ વિડીયો પર જ ફેક કોપીરાઇટ ક્લેમ ઠોકી દીધો. જેના કારણે મેટા કંપનીએ તે વિડીયોને વૈશ્વિક સ્તરે બ્લોક કરી દીધો હતો. આ ઘટના જ સાબિત કરે છે કે મેટાનું રિપોર્ટિંગ મેકેનિઝમ કેટલું નબળું છે અને ગુનેગારો તેનો કેટલો બેફામ દુરુપયોગ કરી રહ્યા છે.
કોર્ટની કાર્યવાહી: આગામી સુનાવણી ૨૮ જુલાઈએ
આ ગંભીર ડિજિટલ ગુનાની તપાસ માટે અરજીકર્તાએ હાઈકોર્ટ પાસે SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ) ની માંગ કરી છે, જેમાં સાયબર એક્સપર્ટ્સ સામેલ હોય. અગાઉ આ મહત્વપૂર્ણ કેસની સુનાવણી ૧૫ જુલાઈએ થવાની હતી. પરંતુ, બેંચના એક ન્યાયાધીશે અંગત કારણોસર આ કેસની સુનાવણીમાંથી પોતાને દૂર (Recuse) કરી લીધા હતા. હવે દિલ્હી હાઈકોર્ટની નવી બેંચ દ્વારા આગામી ૨૮ જુલાઈએ આ મામલે વિગતવાર સુનાવણી હાથ ધરવામાં આવશે. આ કેસના ચુકાદા પર ભારતના લાખો સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સનું ભવિષ્ય ટકેલું છે.
