Stock Market: ટ્રમ્પની નવી નીતિ અને ક્રૂડ ઓઇલના ભડકાથી ભારતીય બજાર ધડામ, નિફ્ટી ૨૪,૦૦૦ ની નીચે
ભારતીય શેરબજારમાં સતત ત્રીજા કારોબારી દિવસે ભારે વેચવાલીનો વાવાઝોડું જોવા મળ્યો છે. નબળા વૈશ્વિક સંકેતો, ક્રૂડ ઓઇલના વધતા ભાવ, ડોલર સામે રૂપિયાનું ધોવાણ અને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટેરિફ અંગે કરાયેલી નવી જાહેરાતોને કારણે રોકાણકારોનો વિશ્વાસ ડગમગી ગયો છે. આ ચોતરફી વેચવાલીના કારણે સેન્સેક્સ માત્ર ત્રણ જ દિવસમાં આશરે ૧,૫૦૦ પોઈન્ટ જેટલો ગાબડો પાડીને ૭૮,૨૫૦ થી ઘટીને ૭૬,૭૫૫ ના સ્તરે પહોંચી ગયો છે. બીજી તરફ, નિફ્ટી પણ ૨૪,૦૦૦ ની સાયકોલોજિકલ સપાટી તોડીને ૨૩,૯૯૬ પર બંધ થયો છે.

સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં મોટું ધોવાણ
બુધવારના કારોબારના અંતે શેરબજારના બંને મુખ્ય ઈન્ડેક્સમાં ભારે કડાકો નોંધાયો હતો:
સેન્સેક્સ: ૭૧૫.૦૬ પોઈન્ટના ઘટાડા સાથે ૭૬,૭૫૫.૦૫ ની સપાટીએ બંધ રહ્યો.
નિફ્ટી: ૧૯૧.૪૫ પોઈન્ટ તૂટીને ૨૩,૯૯૬.૨૫ ની નીચે આવી ગયો.
બજારમાં મંડીનું દબાણ એટલું તીવ્ર હતું કે લિસ્ટેડ શેરોમાંથી ૨,૬૦૦ થી વધુ શેરો લાલ નિશાનમાં (ઘટાડા સાથે) બંધ થયા હતા, જ્યારે માત્ર ૧,૪૦૦ જેટલા શેરોમાં જ આંશિક સુધારો જોવા મળ્યો હતો.
આ સેક્ટર્સમાં સૌથી વધુ વેચવાલી નોંધાઈ
બુધવારના ટ્રેડિંગ સેશનમાં લગભગ તમામ મહત્વના સેક્ટર્સમાં રોકાણકારોએ નફો બુક કરવાનું કે માલ વેચવાનું મુનાસિબ માન્યું હતું:
મીડિયા અને રિયલ્ટી: નિફ્ટી મીડિયા ઈન્ડેક્સ આશરે ૨.૭% અને રિયલ્ટી ઈન્ડેક્સ ૨.૬% તૂટ્યો હતો.
બેંકિંગ અને આઈટી: પીએસયુ બેંક ૧.૮%, પ્રાઈવેટ બેંક ૧.૪% અને IT ઈન્ડેક્સ ૧.૫% સુધી નીચે પટકાયા હતા.
મિડકેપ અને સ્મોલકેપ: મોટા શેરોની સાથે-સાથે મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ કડક વેચવાલી જોવા મળી હતી. જોકે, માત્ર FMCG અને ઓટો સેક્ટરમાં સામાન્ય સુધારો જોવા મળ્યો હતો.

કયા શેરોએ બજારનું ગણિત બગાડ્યું?
બજારને નીચે ધકેલવામાં મુખ્ય ફાળો ઈન્ટરગ્લોબ એવિએશન (IndiGo), જીઓ ફાઈનાન્શિયલ, ઈન્ફોસિસ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) અને ડો. રેડ્ડીઝ લેબ જેવા દિગ્ગજ શેરોનો રહ્યો હતો. સામે પક્ષે બજાજ ઓટો, નેસ્લે ઈન્ડિયા, ટાટા કન્ઝ્યુમર, પાવર ગ્રીડ અને ONGC જેવા થોડા શેરોમાં ગ્રીન નિશાન જોવા મળતા બજારને નજીવો ટેકો મળ્યો હતો.
શેરબજારમાં કડાકાના ૪ મુખ્ય કારણો
બજાર નિષ્ણાતોના મતે શેરબજારમાં અચાનક આવેલા આ કડાકા પાછળ ચાર મુખ્ય પરિબળો જવાબદાર છે:
૧. ક્રૂડ ઓઇલમાં ભડકો: આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રિગેડ બ્રેન્ટ ક્રૂડ ઓઇલનો ભાવ પ્રતિ બેરલ ૯૫ ડોલર ની નજીક પહોંચી ગયો છે. ભારત જેવા તેલ આયાતકાર દેશ માટે આ મોંઘવારી અને વેપાર ખાધ વધારનારો સંકેત છે.
૨. રૂપિયાનું ધોવાણ: અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો નબળો પડીને ૯૬.૩૬ ની નીચલી સપાટીએ પહોંચી ગયો છે, જેનાથી વિદેશી રોકાણકારો (FIIs) ભારતીય બજારમાંથી નાણાં પાછા ખેંચી રહ્યા છે.
૩. ટ્રમ્પની નવી ટેરિફ નીતિ: અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભવિષ્યમાં આયાતી જેનરિક દવાઓ પર ભારે ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. આ સમાચારથી સન ફાર્મા, સિપ્લા અને ડો. રેડ્ડીઝ જેવા ભારતીય ફાર્મા શેરોમાં ભારે કડાકો બોલાઈ ગયો છે.
૪. ભૂ-રાજકીય તણાવ: વૈશ્વિક સ્તરે વધતા તણાવ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની સતત વેચવાલીથી બજારનું સેન્ટિમેન્ટ ખરાબ થયું છે.
નિષ્ણાતોના મતે, જ્યાં સુધી ક્રૂડ ઓઇલના ભાવ શાંત ન થાય, રૂપિયો સ્થિર ન થાય અને વિદેશી રોકાણકારોની વેચવાલી અટકે નહીં, ત્યાં સુધી બજારમાં વોલેટિલિટી (ઉતાર-ચઢાવ) જળવાઈ રહેશે. આગામી દિવસોમાં આવનારા ત્રિમાસિક પરિણામો અને વૈશ્વિક સંકેતો બજારની આગળની દિશા નક્કી કરશે.
