Import Duty Increased On Gold: ડોલર બચાવવા સરકારે સોનું મોંઘું કર્યું; જાણો સામાન્ય જનતા અને બજાર પર તેની અસર
ભારત સરકારે વિદેશી મુદ્રા ભંડારને સુરક્ષિત કરવા અને અર્થતંત્રને મજબૂતી આપવા માટે સોના-ચાંદીની ઈમ્પોર્ટ ડ્યુટીમાં ૧૫૦ ટકાનો તોતિંગ વધારો ઝીંકી દીધો છે. રાતોરાત લેવાયેલા આ નિર્ણયથી માત્ર સર્રાફા બજારમાં જ હલચલ નથી મચી, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનતાને કરેલી ‘એક વર્ષ સુધી સોનું ન ખરીદવાની’ અપીલને પણ એક મજબૂત આર્થિક આધાર મળ્યો છે. આ પગલાની સીધી અસર હવે સામાન્ય માણસના ખિસ્સા અને દેશમાં સોનાની તસ્કરી (સ્મગલિંગ) ની શક્યતાઓ પર પડતી દેખાઈ રહી છે.

આયાત વેરાનું નવું માળખું કેન્દ્ર સરકારે સોના અને ચાંદી પર લાગતા અસરકારક આયાત શુલ્કને ૬ ટકાથી વધારીને સીધો ૧૫ ટકા કરી દીધો છે. ટેકનિકલ રીતે જોઈએ તો, તેમાં ૧૦ ટકા બેઝિક કસ્ટમ ડ્યુટી અને ૫ ટકા એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ સેસ (AIDC) નો સમાવેશ થાય છે. સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને અસ્થિરતા વચ્ચે ભારતની વિદેશી મુદ્રાને બચાવવાનો અને રૂપિયાના મૂલ્યને ગગડતું અટકાવવાનો છે.
શું સ્મગલિંગના ધંધામાં તેજી આવશે? ડ્યુટીમાં આટલા મોટા વધારા બાદ બજારના નિષ્ણાતો અને બુલિયન ડીલરોએ ગંભીર ચેતવણી આપી છે. તેમનું માનવું છે કે જ્યારે કાયદેસર રીતે સોનું લાવવું ખૂબ મોંઘું થઈ જાય છે, ત્યારે ગેરકાયદેસર રસ્તાઓ એટલે કે કાળાબજારનો માર્ગ મોકળો બને છે. ૧૫ ટકા ડ્યુટીનો અર્થ એ છે કે કાયદેસરના સોના અને સ્મગલિંગ દ્વારા આવતા સોનાની કિંમતમાં મોટો તફાવત ઊભો થશે. આ નફાની લાલચમાં પાડોશી દેશોની સરહદો દ્વારા ભારતમાં ગેરકાયદેસર સોનાની આવક વધવાની પ્રબળ આશંકા છે.

ભૂતકાળના કડવા અનુભવો ઈતિહાસ સાક્ષી છે કે જ્યારે પણ સોના પર ટેક્સ કે ડ્યુટી વધારવામાં આવી છે, ત્યારે તસ્કરીના કેસોમાં રેકોર્ડબ્રેક વધારો થયો છે. વર્ષ ૨૦૨૪માં જ્યારે ડ્યુટી ઘટાડવામાં આવી હતી, ત્યારે તસ્કરીના કેસોમાં ઘટાડો થયો હતો અને બજાર પારદર્શક બન્યું હતું. પરંતુ હવે ફરી જૂની સ્થિતિ પરત આવવાનો ડર છે. ઊંચા ટેક્સને કારણે લોકો ચોરી-છૂપીથી સોનું લાવતા નેટવર્ક પર નિર્ભર થવા લાગે છે, જેનાથી સરકારને તો મહેસૂલનું નુકસાન થાય જ છે, સાથે સાથે બજારની વિશ્વસનીયતા પણ ખતમ થાય છે.
સ્થાનિક કિંમતો અને ગ્રાહકો પર પ્રહાર આ નિર્ણયનો સૌથી મોટો ફટકો એવા ગ્રાહકોને પડશે જેઓ લગ્ન-પ્રસંગ કે રોકાણ માટે સોનું ખરીદવા માંગે છે. ઈમ્પોર્ટ ડ્યુટી વધતા જ ભારતમાં સોનાના ભાવ આંતરરાષ્ટ્રીય માર્કેટ કરતા ઘણા ઊંચા નીકળી જશે. મધ્યમ વર્ગ માટે હવે સોનું ખરીદવું એ એક મોટું આર્થિક સંકટ બની ગયું છે.
તપાસ એજન્સીઓ માટે કસોટી આ નિર્ણય બાદ ડાયરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઇન્ટેલિજન્સ (DRI) અને સીમા શુલ્ક વિભાગની જવાબદારી અનેકગણી વધી ગઈ છે. એરપોર્ટથી લઈને દરિયાઈ માર્ગો અને જમીની સરહદો સુધી, ગેરકાયદેસર સોનાની ઘૂસણખોરી અટકાવવી એ હવે વહીવટીતંત્ર માટે માથાનો દુખાવો સાબિત થશે. તસ્કોરો નવા-નવા કીમિયા અજમાવીને સોનું દેશમાં લાવવાનો પ્રયાસ કરશે, જેને ટ્રેક કરવું સુરક્ષા એજન્સીઓ માટે અગ્નિપરીક્ષા સમાન હશે.
