હાર્ટ માટે ઈંડા સારા કે ખરાબ? જાણો ગ્લોબલ રિસર્ચના આધારે શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
શિયાળો હોય કે ઉનાળો, ઘણા લોકોના રોજિંદા નાસ્તામાં ઈંડા (Eggs) એક મહત્વનો ભાગ હોય છે. પરંતુ ઈંડાના સેવનને લઈને વર્ષોથી એક મોટો પ્રશ્ન અને ચર્ચા ચાલતી આવી છે કે, શું રોજ ઈંડું ખાવાથી શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધે છે અને તેનાથી હૃદયરોગનો હુમલો (Heart Attack) આવવાનું જોખમ વધી જાય છે? ખાસ કરીને ઈંડાની અંદરના પીળા ભાગ (Egg Yolk) ને લાંબા સમયથી હૃદયના સ્વાસ્થ્ય માટે નુકસાનકારક માનવામાં આવતો રહ્યો છે.
પરંતુ હવે હૈદરાબાદની અપોલો હોસ્પિટલના સિનિયર ન્યુરોલોજીસ્ટ ડો. સુધીર કુમારે એક વિશાળ વૈશ્વિક સંશોધન (Global Research) ના આધારે આ માન્યતા પરથી પડદો ઉચક્યો છે અને ઈંડા તથા હૃદયરોગ વચ્ચેના સાચા સંબંધ વિશે અગત્યની માહિતી શેર કરી છે.

ડોક્ટરે ઈંડા અને હૃદયના આરોગ્ય વિશે શું સ્પષ્ટતા કરી?
હૈદરાબાદની અપોલો હોસ્પિટલના ન્યુરોલોજીસ્ટ ડો. સુધીર કુમારે ૨૮ ઓગસ્ટના રોજ આંતરરાષ્ટ્રીય સ્તરના અભ્યાસના આધારે ઈંડા અને હૃદયરોગ અંગેના તારણો રજૂ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ૨૮ વર્ષના લાંબા ગાળાના આંકડાઓનું વિશ્લેષણ કરતા માલૂમ પડ્યું છે કે, જે વસ્તી કે દેશોમાં ઈંડાનું સેવન વધુ થાય છે ત્યાં ઈસ્કેમિક હાર્ટ ડિસીઝ (Ischemic Heart Disease) અને તેનાથી થતા મૃત્યુદર વચ્ચે ઉલટો (Inversely Proportional) સંબંધ જોવા મળ્યો છે.
આનો સરળ અર્થ એ થાય છે કે જે દેશોના લોકો વધુ પ્રમાણમાં ઈંડા ખાતા હતા, ત્યાં હૃદયરોગના કેસો અને તેના કારણે થતાં મૃત્યુનું પ્રમાણ ઓછું નોંધાયું હતું. તેથી માત્ર ઈંડાની અંદર રહેલા કોલેસ્ટ્રોલના આધારે જ તેને હૃદય માટે નુકસાનકારક માની લેવું વૈજ્ઞાનિક રીતે યોગ્ય નથી.
28 વર્ષ સુધી કયા આંકડાઓનો અભ્યાસ કરવામાં આવ્યો?
આ અભ્યાસ વર્ષ ૨૦૨૩ માં એક વૈજ્ઞાનિક જર્નલમાં પ્રકાશિત થયો હતો. જેમાં વર્ષ ૧૯૯૦ થી ૨૦૧૮ સુધીના એટલે કે પૂરા ૨૮ વર્ષના આંતરરાષ્ટ્રીય ડેટાનો ગહન અભ્યાસ કરવામાં આવ્યો હતો.
આ સંશોધનમાં વિશ્વના ૧૮૫ દેશોમાં ઈંડાના વપરાશના આંકડા ઉપલબ્ધ હતા. જોકે, તમામ જરૂરી પરિબળો અને ચોક્કસ પરિણામો મેળવવા માટે સંશોધકોએ ૧૪૨ એવા દેશો પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું જેમના ૨૮ વર્ષનો સચોટ ડેટા ઉપલબ્ધ હતો અને જેમની વસ્તી ઓછામાં ઓછી ૧૦ લાખ કે તેથી વધુ હતી.
સંશોધનમાં શું ચોંકાવનારા તારણો સામે આવ્યા?
સંશોધનમાં ઈંડાના સેવન અને ઈસ્કેમિક હાર્ટ ડિસીઝ (હૃદયની ધમનીઓમાં લોહીનો પુરવઠો ઘટવાની બીમારી) વચ્ચે નકારાત્મક અથવા તો ઉલટો સંબંધ જોવા મળ્યો છે.

સંશોધકોના આંકડાકીય વિશ્લેષણ મુજબ, ઈંડાના સેવન અને હૃદયરોગના નવા કેસો વચ્ચેનો સંબંધ -૦.૨૫૩ (-0.253) નોંધાયો હતો, જ્યારે આ બીમારીથી થતા મૃત્યુ માટે આ આંકડો -૦.૩૫૯ (-0.359) હતો. આ માઈનસ (ઋણ) આંકડો દર્શાવે છે કે ઈંડાનું સેવન વધવાની સાથે હૃદયરોગનું જોખમ ઘટવાની તરફ ઈશારો કરે છે.
આ સંશોધનનો સીધો અને વ્યવહારુ અર્થ શું છે?
આ તારણોનો સીધો અર્થ એવો ક્યારેય નથી કે રોજ ઈંડા ખાવાથી હૃદયની બીમારી મટી જાય છે અથવા ઈંડા ખાનાર વ્યક્તિને ક્યારેય હાર્ટ અટેક આવી જ ન શકે.
આ સંશોધનનો સાચો અર્થ માત્ર એટલો જ છે કે, જે વિસ્તારો કે દેશોની વસ્તીમાં ઈંડાનો દૈનિક આહારમાં વધુ ઉપયોગ થતો હતો, ત્યાં ઈસ્કેમિક હાર્ટ ડિસીઝના કેસો અને તેનાથી થતાં મૃત્યુનું પ્રમાણ સરખામણીએ ઓછું જોવા મળ્યું છે. આ અભ્યાસ દર્શાવે છે કે સંતુલિત આહારના ભાગરૂપે ઈંડાનું સેવન કરવું એ સામાન્ય રીતે હૃદય માટે હાનિકારક નથી.
