ક્રિપ્ટોની દુનિયામાં મહાભૂકંપ! બાઇનાન્સના હોટ વોલેટ્સ હેક, Tether અને Circleએ ફ્રીઝ કર્યા ₹25,000 કરોડ
ક્રિપ્ટોકરન્સીની દુનિયામાં અત્યાર સુધીની સૌથી મોટી ચોરીનો દાવો સામે આવતાં વૈશ્વિક સ્તરે ખળભળાટ મચી ગયો છે. અહેવાલો અનુસાર, અગ્રણી ક્રિપ્ટો એક્સચેન્જ બાઇનાન્સ પર થયેલા સાયબર હુમલામાં હેકર્સે આશરે 6.3 અબજ ડોલર એટલે કે લગભગ 60 હજાર કરોડ રૂપિયાના ડિજિટલ એસેટ્સ ચોરી લીધા છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે સમગ્ર હુમલો માત્ર 20 મિનિટમાં થયો હોવાનો દાવો છે.

કંપનીની સુરક્ષા સિસ્ટમ હેક કરીને હોટ વોલેટ્સમાંથી ચોરી
પ્રાથમિક માહિતી પ્રમાણે, હેકર્સે બાઇનાન્સના ‘સાઇનિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર’ પર કબજો મેળવી લીધો હતો. આ સિસ્ટમ ડિજિટલ ટોકન્સ અને નાણાંના ટ્રાન્સફરને અધિકૃત મંજૂરી આપવા માટે ઉપયોગમાં લેવાય છે. તેના પર નિયંત્રણ મળ્યા બાદ હેકર્સે અનધિકૃત ટ્રાન્ઝેક્શનના આદેશો મોકલ્યા હતા. સ્માર્ટ કોન્ટ્રાક્ટનો દુરુપયોગ કરીને કંપનીના હોટ વોલેટ્સમાંથી ડિજિટલ એસેટ્સ હેકર્સના ખાનગી વોલેટ્સમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હોવાનો દાવો છે.
કર્મચારીના લેપટોપ દ્વારા હેકર્સને મળ્યો આંતરિક સિસ્ટમનો એક્સેસ
આ હુમલાની શરૂઆત કેવી રીતે થઈ તે અંગે તપાસ ચાલી રહી છે. પ્રાથમિક તપાસમાં એક DevOps એન્જિનિયરના વર્ક લેપટોપ સાથે ચેડાં થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. અહેવાલો અનુસાર, આ લેપટોપના માધ્યમથી હેકર્સને કંપનીની આંતરિક સિસ્ટમ સુધી પહોંચવાની તક મળી હતી. જોકે, હુમલાની ચોક્કસ રીત અને તેમાં સામેલ તમામ વ્યક્તિઓની ભૂમિકા અંગે અંતિમ પુષ્ટિ તપાસ પૂર્ણ થયા બાદ જ થઈ શકશે.
Tether અને Circleએ ફ્રીઝ કર્યા લગભગ 3 અબજ ડોલરના એસેટ્સ
ચોરીની જાણ થતાં જ ક્રિપ્ટો ઉદ્યોગની અન્ય મોટી કંપનીઓ પણ સક્રિય થઈ ગઈ હતી. સ્ટેબલકોઇન જારી કરતી Tether અને Circle સહિતની કંપનીઓએ મળીને આશરે 3 અબજ ડોલરના ડિજિટલ એસેટ્સ ફ્રીઝ કર્યા હોવાનો અહેવાલ છે. આ કાર્યવાહીથી હેકર્સ માટે ચોરેલી કેટલીક સંપત્તિને અન્યત્ર ટ્રાન્સફર કરવી અથવા તેને રોકડમાં રૂપાંતરિત કરવી મુશ્કેલ બની શકે છે.
ઉત્તર કોરિયાના હેકિંગ ગ્રુપ ટ્રેડરટ્રેટર પર શંકા
આ સાયબર હુમલાની તપાસ દરમિયાન ઉત્તર કોરિયા સાથે જોડાયેલા કુખ્યાત હેકિંગ ગ્રુપ ‘ટ્રેડરટ્રેટર’નું નામ ચર્ચામાં આવ્યું છે. આ ગ્રુપને લાઝરસ ગ્રુપ સાથે સંકળાયેલું માનવામાં આવે છે. લાઝરસ ગ્રુપ પર અગાઉ અનેક મોટા આંતરરાષ્ટ્રીય સાયબર હુમલાઓના આરોપ લાગ્યા છે. જોકે, બાઇનાન્સ પર થયેલા આ ચોક્કસ હુમલા પાછળ ટ્રેડરટ્રેટરનો હાથ હોવાની સત્તાવાર પુષ્ટિ હજુ થઈ નથી.

બાઇનાન્સે ગ્રાહકોને નુકસાનની ભરપાઈનો આપ્યો ભરોસો
હુમલા બાદ બાઇનાન્સની સાયબર સુરક્ષા ટીમ તપાસમાં લાગી ગઈ છે. કંપનીએ ગ્રાહકોને તેમના નુકસાનની ભરપાઈ કરવાનો ભરોસો આપ્યો છે. સુરક્ષાના કારણોસર ક્રિપ્ટો ઉપાડવાની એટલે કે વિથડ્રોઅલની સુવિધા અસ્થાયી રીતે બંધ કરવામાં આવી હતી, જ્યારે ડિપોઝિટની સુવિધા ચાલુ રાખવામાં આવી હતી. કંપનીની કો-ફાઉન્ડર યી હેએ 1 નવેમ્બર 2026 સુધીમાં તબક્કાવાર વિથડ્રોઅલ ફરી શરૂ કરવાનો લક્ષ્યાંક જાહેર કર્યો હતો. આ પ્રક્રિયા માટે 34થી 45 કલાકનો અંદાજ આપવામાં આવ્યો હતો.
ક્રિપ્ટો રોકાણકારો માટે આ ઘટના મોટો ચેતવણી સંકેત
આ સમગ્ર ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે ડિજિટલ એસેટ્સની દુનિયામાં ટેકનોલોજીની સાથે સુરક્ષા પણ એટલી જ મહત્વપૂર્ણ છે. મોટા ક્રિપ્ટો એક્સચેન્જ પર પણ સાયબર હુમલાનું જોખમ રહેલું છે. તેથી રોકાણકારોએ મજબૂત પાસવર્ડ, ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન અને સુરક્ષિત વોલેટનો ઉપયોગ કરવો જોઈએ. સાથે જ કોઈપણ શંકાસ્પદ લિંક કે અજાણી એપ્લિકેશનથી દૂર રહેવું જરૂરી છે.
