બેંકિંગ ક્ષેત્રે મોટો ફેરફાર: હવે બેંક સ્ટેટમેન્ટ અને ડિજિટલ પુરાવા માટે કોર્ટના ચક્કર નહીં કાપવા પડે, નવો કાયદો મંજૂર
જો તમે પણ ક્યારેય ખાતાનું સ્ટેટમેન્ટ મેળવવા માટે બેંકના વારંવાર ચક્કર કાપીને કંટાળી ગયા હોવ, અથવા ઓનલાઈન નાણાકીય છેતરપિંડીના કિસ્સામાં કોર્ટ માટે બેંકના દસ્તાવેજો એકઠા કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હોય, તો આ સમાચાર તમારા માટે રાહત આપનારા છે. ભારતીય સંસદે ૧૩૫ વર્ષ જૂના અંગ્રેજોના સમયના ‘બેંકર્સ બુક્સ એવિડન્સ એક્ટ, ૧૮૯૧’ ને નાબૂદ કરીને તેના સ્થાને નવો ‘બેંકર્સ બુક્સ એવિડન્સ બિલ, ૨૦૨૬’ મંજૂર કરી દીધો છે. આ ઐતિહાસિક બદલાવનો મુખ્ય ઉદ્દેશ્ય દેશની બેંકિંગ સિસ્ટમ અને કાનૂની પ્રક્રિયાને સંપૂર્ણપણે ડિજિટલ યુગ સાથે સુસંગત બનાવવાનો છે.

શું છે આ નવો ‘બેંકર્સ બુક્સ એવિડન્સ બિલ, 2026’?
જ્યારે ૧૮૯૧માં જૂનો કાયદો બનાવવામાં આવ્યો હતો, ત્યારે બેંકોનો તમામ વ્યવહાર અને હિસાબ-કિતાબ મોટા જાડા રજિસ્ટરો અને કાગળોમાં રાખવામાં આવતો હતો. સમય સાથે બેંકિંગ સિસ્ટમ બદલાઈ અને આજે સમગ્ર બેંકિંગ વ્યવસ્થા કોમ્પ્યુટર અને ડિજિટલ નેટવર્ક પર નિર્ભર છે.
પરંતુ, જૂના કાયદાના કારણે કાનૂની બાબતોમાં કાગળ પર સહી કરેલા દસ્તાવેજો જ પ્રાથમિક પુરાવા ગણાતા હતા. આ વિસંગતતાને દૂર કરવા સરકારે નવા યુગ મુજબ કાયદામાં ફેરફાર કર્યો છે. નવા બિલ હેઠળ:
ઇલેક્ટ્રોનિક રિટર્ન્સ અને એન્ટ્રીઓ: બેંક કોમ્પ્યુટર, સર્વર અથવા કોઈ પણ ડિજિટલ ઉપકરણમાં રહેલા રિકોર્ડને હવે કાનૂની માન્યતા મળી ગઈ છે.
અદાલતમાં પુરાવો: હવે કોઈ પણ કાનૂની કાર્યવાહી કે અદાલતી કેસ દરમિયાન માત્ર કાગળો જ નહીં, પરંતુ બેંકના ડિજિટલ રિકોર્ડ્સ પણ સત્તાવાર પુરાવા (Evidence) તરીકે સ્વીકારવામાં આવશે.
કાયદામાં કયા મુખ્ય બદલાવો કરવામાં આવ્યા?
આ નવા બિલમાં સૌથી મોટો સુધારો દસ્તાવેજી પ્રક્રિયાના સરળીકરણનો છે. અગાઉ કોઈ પણ તપાસ એજન્સી કે કોર્ટ સમક્ષ રજૂઆત કરવા માટે બેંકોએ હજારો પાના પ્રિન્ટ કરીને, તેના પર સહી-સિક્કા કરીને સર્ટિફાય કરવા પડતા હતા.
પ્રિન્ટઆઉટની જરૂરિયાતમાંથી મુક્તિ: હવે દરેક કેસમાં ભૌતિક (Physical) કાગળો તૈયાર કરવાની કે રજિસ્ટરો શોધવાની જરૂર રહેશે નહીં.
ડિજિટલ કોપી માન્ય: જરૂરિયાત ઊભી થાય ત્યારે ડિજિટલ રિકોર્ડ્સ અથવા તેની ઈલેક્ટ્રોનિક કોપી સીધી જ અદાલતમાં પેશ કરી શકાશે.
સમયનો બચાવ: આ સુધારાના કારણે કેસ સાથે જોડાયેલા દસ્તાવેજો એકઠા કરવામાં લાગતો અઠવાડિયાઓનો સમય હવે માત્ર થોડી મિનિટો કે કલાકોમાં બદલાઈ જશે.

ગ્રાહકો અને બેંકિંગ સિસ્ટમ પર શું સકારાત્મક અસર પડશે?
આ નવો કાયદો અમલમાં આવ્યા બાદ બેંકિંગ ક્ષેત્ર અને સામાન્ય ગ્રાહક બંને માટે કામગીરી ખૂબ જ સરળ અને પારદર્શક બની જશે.
ખર્ચ અને સમયની બચત: બેંકોએ હવે દાયકાઓ જૂના કાગળો અને રજિસ્ટરોને સાચવવા માટે વિશાળ ગોડાઉનો કે સ્પેસ ફાળવવી નહીં પડે, જેનાથી કરોડો રૂપિયાનો ખર્ચ બચશે.
સાયબર ક્રાઈમ અને ફ્રોડમાં ઝડપી ન્યાય: ઓનલાઈન છેતરપિંડી કે નાણાકીય કૌભાંડોના કિસ્સામાં ડિજિટલ ડેટા ટ્રેકિંગ ખૂબ જ ઝડપી બનશે. આનાથી પોલીસ અને તપાસ એજન્સીઓ ઝડપથી પુરાવા એકત્ર કરી શકશે અને પીડિતોને વહેલો ન્યાય મળી શકશે.
ડેટા સુરક્ષા અને પારદર્શિતા: કાગળના દસ્તાવેજો ખોવાઈ જવાનો, ફાટી જવાનો કે તેમાં ફેરફાર કરવાનો ડર રહેતો હતો. ડિજિટલ રિકોર્ડ હોવાથી ડેટા વધુ સુરક્ષિત રહેશે અને તેને ટ્રેક કરવો અત્યંત આસાન બનશે.
