Apple ની નવી વ્યૂહરચના: હાર્ડવેરને બદલે એઆઈ આર્કિટેક્ચર પર મૂક્યો ભાર
ટેકનોલોજી ક્ષેત્રની અગ્રણી કંપની એપલ ઇન્ક. (Apple Inc.) એ પોતાના બિઝનેસ મોડલમાં મહત્વપૂર્ણ બદલાવ કરવાનો નિર્ણય લીધો છે. કંપની હવે હાર્ડવેર ડેવલપમેન્ટથી ધ્યાન હટાવીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આર્કિટેક્ચર પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આ વ્યૂહાત્મક ફેરફારના ભાગરૂપે એપલે ડિજિટલ અસિસ્ટન્ટ ‘સીરી’ (Siri) અને ‘વિઝન પ્રો’ (Vision Pro) હેડસેટ સાથે જોડાયેલી ટીમોમાંથી કર્મચારીઓની છટણી કરવાની પ્રક્રિયા શરૂ કરી છે.
માહિતી અનુસાર, એપલે તેની ‘ઇન્ટેલિજન્ટ સિસ્ટમ્સ એક્સપિરિયન્સ’ ટીમના કર્મચારીઓની પણ છટણી કરી છે. આ ટીમ કંપનીના સોફ્ટવેર એન્જિનિયરિંગ વિભાગનો મુખ્ય હિસ્સો છે અને વિવિધ એપલ ઉપકરણો પર એઆઈ ફીચર્સ વિકસાવવા માટે જવાબદાર છે.

કુલ ૨૦૦ કર્મચારીઓની છટણી અને ટીમોનું પુનર્ગઠન
એપલે પોતાના આંતરિક માળખામાં ફેરફાર કરતા કુલ ૨૦૦ જેટલા કર્મચારીઓને ગુમાવવાનો વારો આવ્યો છે. આ છટણી બે મુખ્ય વિભાગોમાં સમાન રીતે કરવામાં આવી છે:
વિઝન પ્રો ઓર્ગેનાઇઝેશન: આ ટીમમાંથી આશરે ૧૦૦ જેટલી જગ્યાઓ નાબૂદ કરવામાં આવી છે. જે હેઠળ હેડસેટ માટે સ્પેશિયલ ગેમિંગ પર ધ્યાન આપતી ટીમ લગભગ બંધ કરી દેવામાં આવી છે.
સીરી અને સોફ્ટવેર ટીમ: સીરી અને સોફ્ટવેર એન્જિનિયરિંગ વિભાગમાંથી પણ ૧૦૦ જેટલા પદો સમાપ્ત કરવામાં આવ્યા છે.
જનરેટિવ એઆઈ અને સીરીનું નવું સ્વરૂપ
એપલ તેના વોઇસ અસિસ્ટન્ટ સીરીને પાયામાંથી પુનઃનિર્માણ (Rebuild) કરી રહ્યું છે. જૂનું સીરી આર્કિટેક્ચર આજના આધુનિક જનરેટિવ એઆઈ (Generative AI) ફીચર્સને હેન્ડલ કરવા માટે સક્ષમ નથી. હવે કંપનીને એવા કોડિંગ એક્સપર્ટ્સ અને એન્જિનિયર્સની જરૂર છે, જેઓ એડવાન્સ એઆઈ મોડલ્સ પર કામ કરી શકે. આ કારણોસર જૂની ટેકનોલોજી ધરાવતી ટીમમાંથી હોદ્દા નાબૂદ કરીને નવી એઆઈ-કેન્દ્રિત ભૂમિકાઓ ઊભી કરવામાં આવી રહી છે.
એપલે એક સત્તાવાર નિવેદનમાં સ્વીકાર્યું છે કે તે પોતાના વ્યાપારિક લક્ષ્યોને હાંસલ કરવા અને યુઝર્સને શ્રેષ્ઠ અનુભવ આપવા માટે ટીમોનું પુનર્ગઠન કરી રહ્યું છે. કંપનીએ જણાવ્યું કે આ બદલાવથી નવી તકો ઊભી થશે, પરંતુ કેટલીક હાલની ભૂમિકાઓ પર પણ અસર પડશે. અસરગ્રસ્ત કર્મચારીઓને એપલમાં જ અન્ય યોગ્ય પદો માટે અરજી કરવાની તક આપવામાં આવશે.

વિઝન પ્રો ટીમમાં કાપ મૂકવાનું મુખ્ય કારણ
એપલના મોંઘા પ્રોડક્ટ વિઝન પ્રો હેડસેટને ગ્રાહકો તરફથી અપેક્ષિત પ્રતિસાદ મળ્યો નથી. આ નિર્ણય પાછળના મુખ્ય કારણો નીચે મુજબ છે:
ઊંચી કિંમત અને વજન: આશરે $3,500 (રૂ. ૩ લાખથી વધુ) ની ભારે કિંમત અને ઉપકરણનું વધુ વજન સામાન્ય ગ્રાહકોને આકર્ષવામાં નિષ્ફળ રહ્યું છે.
ઉત્પાદનનો ઊંચો ખર્ચ: વિઝન પ્રો માટે ૩D ઇમર્સિવ વિડિયો કન્ટેન્ટના એક-એક એપિસોડ તૈયાર કરવામાં લાખો ડોલરનો ખર્ચ થતો હતો.
ઓછો યુઝર બેઝ: મર્યાદિત ગ્રાહક સંખ્યાના કારણે કંપની માટે આ વિડિયો અને ગેમિંગ પ્રોડક્શન જાળવી રાખવું ખોટનો સોદો સાબિત થઈ રહ્યું હતું. આથી એપલે તેની ઇન-હાઉસ વિડિયો કન્ટેન્ટ અને ગેમિંગ ટીમને નાની કરી દીધી છે.
