Income Tax Notice: ઈન્કમ ટેક્સ નોટિસ પર મહત્વનો નિર્ણય: સ્વર્ગસ્થ સ્વજનના નામે નોટિસ આવે તો શું કરવું? જાણી લો કાનૂની નિયમો
આવકવેરા (Income Tax) સાથે જોડાયેલી માહિતી દરેક કરદાતા માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. પરંતુ જો ઘરમાં કોઈ વ્યક્તિનું અવસાન થઈ જાય અને ત્યારબાદ પણ તેમના નામે બેંક કે ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાંથી નોટિસ આવે, તો પરિવારજનો માટે ચિંતા ઊભી થાય છે. આવી જ એક ગંભીર બાબત પર અલ્હાબાદ હાઈકોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ અને રાહતરૂપ નિર્ણય સંભળાવ્યો છે. હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે કોઈ વ્યક્તિના મૃત્યુ પછી તેના નામે આવકવેરાના પુનઃમૂલ્યાંકન (Re-assessment) માટે નોટિસ ફટકારી શકાય નહીં.

શું છે સમગ્ર મામલો?
આ કેસની વિગત મુજબ, ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા માર્ચ ૨૦૨૫માં એક વ્યક્તિના નામે રી-અસેસમેન્ટની નોટિસ જાહેર કરવામાં આવી હતી. જોકે, જે વ્યક્તિના નામે આ નોટિસ ઈશ્યૂ થઈ હતી, તેમનું અવસાન જાન્યુઆરી ૨૦૨૪માં જ થઈ ચૂક્યું હતું.
આ કેસ લખનૌમાં ખરીદવામાં આવેલા એક ફ્લેટના નાણાકીય વ્યવહાર સાથે જોડાયેલો હતો. ઈન્કમ ટેક્સ વિભાગને શંકા હતી કે ફ્લેટની ખરીદી વખતે અમુક રકમ રોકડમાં અથવા અઘોષિત રીતે ચૂકવવામાં આવી હતી, જેનો હિસાબ રિટર્નમાં દર્શાવવામાં આવ્યો નહોતો. બાદમાં જ્યારે વિભાગને જાણ થઈ કે કરદાતાનું મૃત્યુ થઈ ગયું છે, ત્યારે તેમણે મૃતકની પત્નીના નામે ટેક્સની કાર્યવાહી આગળ ધપાવી હતી. આખરે આ મામલો અલ્હાબાદ હાઈકોર્ટમાં પહોંચ્યો હતો.
હાઈકોર્ટે ચુકાદામાં શું કહ્યું?
કેસની સુનાવણી કરતી વખતે અલ્હાબાદ હાઈકોર્ટે આવકવેરા વિભાગની કાર્યવાહી સામે નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે જણાવ્યું કે:
મૃત વ્યક્તિના નામે નોટિસ રદબામત: જે વ્યક્તિ હયાત જ નથી, તેના નામે નોટિસ જાહેર કરવી એ કાયદાની નજરમાં તદ્દન ખોટું અને અમાન્ય છે.
કાયદેસરના વારસદારને નોટિસ: જો કોઈ વ્યક્તિના અવસાન બાદ ટેક્સ સંબંધિત કોઈ નવી કાર્યવાહી શરૂ કરવી હોય, તો પ્રથમ નોટિસ જ તેના કાયદેસરના વારસદાર (Legal Heir)ના નામે જાહેર થવી જોઈએ.
ચાલુ કાર્યવાહીનું હસ્તાંતરણ: જો કરદાતાના જીવતેજીવ જ વિભાગ દ્વારા કોઈ તપાસ કે કાર્યવાહી શરૂ થઈ ચૂકી હોય, તો જ તેને મૃત્યુ બાદ કાયદેસરના વારસદારના નામે આગળ ધપાવી શકાય છે.

જો તમારા ઘરે મૃત વ્યક્તિના નામે નોટિસ આવે તો શું કરવું?
જો તમારા પરિવારમાં કોઈ સ્વજનનું અવસાન થયું હોય અને તેમના નામે ઈન્કમ ટેક્સ કે અન્ય સરકારી વિભાગની નોટિસ આવે, તો તેને ભૂલથી પણ અનદેખી (Ignore) ન કરવી જોઈએ. આ પરિસ્થિતિમાં નીચે મુજબના પગલાં ભરવા જોઈએ:
૧. મૃત્યુ પ્રમાણપત્ર જમા કરાવવું: સૌથી પહેલા આવકવેરા વિભાગના પોર્ટલ પર અથવા સંબંધિત અધિકારીને લેખિતમાં વ્યક્તિના ડેથ સર્ટિફિકેટ (Death Certificate) સાથે સત્તાવાર જાણકારી આપવી.
૨. લીગલ હેર તરીકે નોંધણી: ઈન્કમ ટેક્સ પોર્ટલ પર મૃતક વ્યક્તિના કાયદેસરના વારસદાર તરીકે પોતાનું નામ રજિસ્ટર કરાવવું.
૩. નિષ્ણાતની સલાહ લેવી: જો મામલો જટિલ હોય તો અનુભવી ટેક્સ એડવોકેટ અથવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA)ની મદદ લેવી અને કાયદાકીય રીતે યોગ્ય જવાબ રજૂ કરવો.
અલ્હાબાદ હાઈકોર્ટનો આ નિર્ણય એવા તમામ લોકો માટે માર્ગદર્શક છે જેઓ પોતાના પરિવારના સ્વર્ગસ્થ સભ્યોના કર સંબંધિત બાબતો સંભાળી રહ્યા છે.
