પ્રદૂષિત હવા માત્ર બીમાર જ નથી બનાવતી, દેશની તિજોરીને પણ લગાવે છે મોટો ફટકો! જાણો રિપોર્ટ
વાયુ પ્રદૂષણને અત્યાર સુધી મુખ્યત્વે સ્વાસ્થ્ય સાથે જોડાયેલી સમસ્યા તરીકે જોવામાં આવતું હતું. પરંતુ હવે સામે આવેલા એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે પ્રદૂષિત હવા માત્ર લોકોના સ્વાસ્થ્યને જ નુકસાન પહોંચાડતી નથી, પરંતુ દેશની અર્થવ્યવસ્થા પર પણ ભારે બોજ નાખે છે. હવાના પ્રદૂષણને કારણે લોકોની કામ કરવાની ક્ષમતા ઘટે છે, વ્યવસાયોને નુકસાન થાય છે અને આરોગ્ય પાછળનો ખર્ચ પણ સતત વધી રહ્યો છે. આ તમામ બાબતોની સીધી અસર દેશના આર્થિક વિકાસ પર પડે છે.

2024માં પ્રદૂષણને કારણે ભારતને ₹24 લાખ કરોડનું નુકસાન
ડાલબર્ગ એડવાઇઝર્સ અને ક્લીન એર ફંડ દ્વારા પ્રકાશિત ‘ધ બિઝનેસ કેસ ફોર ક્લીન એર: અનલોકિંગ ઇકોનોમિક ઓપોર્ચ્યુનિટીઝ ફોર ઇન્ડિયા’ નામના રિપોર્ટમાં ભારત માટે ચિંતાજનક આંકડા રજૂ કરવામાં આવ્યા છે. રિપોર્ટ અનુસાર, વર્ષ 2024માં ભારતમાં PM2.5નું સરેરાશ સ્તર 50.6 માઇક્રોગ્રામ પ્રતિ ઘનમીટર નોંધાયું હતું. આ પ્રદૂષણને કારણે દેશને અંદાજે 260 અબજ ડોલર એટલે કે લગભગ ₹22થી ₹24 લાખ કરોડનું આર્થિક નુકસાન થયું હતું. આ રકમ ભારતના કુલ જીડીપીના આશરે 6 ટકા જેટલી થાય છે.
ત્રણ વર્ષમાં આર્થિક નુકસાન લગભગ ત્રણ ગણું વધ્યું
રિપોર્ટમાં અગાઉના વર્ષોના આંકડાઓની સરખામણી કરતાં પણ મોટો ખુલાસો થયો છે. વર્ષ 2021માં હવાના પ્રદૂષણને કારણે ભારતને અંદાજે 95 અબજ ડોલરનું આર્થિક નુકસાન થવાનો અંદાજ રજૂ કરવામાં આવ્યો હતો, જે તે સમયના જીડીપીના લગભગ 3 ટકા જેટલો હતો. જોકે, માત્ર ત્રણ વર્ષમાં આ આંકડો વધીને 260 અબજ ડોલર સુધી પહોંચી ગયો છે. ખાસ કરીને દિલ્હી-એનસીઆર સહિતનાં વધુ પ્રદૂષિત શહેરી વિસ્તારોમાં આર્થિક નુકસાન સ્થાનિક શહેરી જીડીપીના 10 ટકાથી પણ વધારે હોવાનો અંદાજ છે.
કર્મચારીઓની કાર્યક્ષમતા ઘટવાથી સૌથી મોટું નુકસાન
રિપોર્ટમાં આર્થિક નુકસાનનાં પાંચ મુખ્ય કારણો દર્શાવવામાં આવ્યાં છે. તેમાંથી સૌથી મોટો ફટકો કર્મચારીઓની કાર્યક્ષમતા ઘટવાને કારણે પડ્યો છે. આ એકલા કારણથી અંદાજે 87 અબજ ડોલરનું નુકસાન થયું છે. પ્રદૂષિત હવાને કારણે ઉધરસ, માથાનો દુખાવો અને થાક જેવી સમસ્યાઓ કર્મચારીઓની કામ કરવાની ક્ષમતા ઘટાડે છે. ગંભીર પ્રદૂષણવાળા દિવસોમાં શારીરિક અને માનસિક ઉત્પાદકતામાં 8થી 10 ટકાનો ઘટાડો નોંધાઈ શકે છે. એટલે કે કર્મચારીઓ ઓફિસમાં હાજર હોવા છતાં તેમની કામગીરી પર અસર પડે છે.

સમય પહેલાં મૃત્યુ અને ગ્રાહકોના ખર્ચમાં ઘટાડો
પ્રદૂષણને કારણે સમય પહેલાં થતાં મૃત્યુથી પણ દેશને અંદાજે 82 અબજ ડોલરનું નુકસાન થાય છે. આ ઉપરાંત ગ્રાહકોની ખરીદી અને પ્રવાસન પ્રવૃત્તિઓમાં ઘટાડાને કારણે લગભગ 74 અબજ ડોલરનું નુકસાન થયું છે. હવાની ગુણવત્તા ખરાબ હોય ત્યારે લોકો બહાર જવાનું, રેસ્ટોરન્ટમાં જમવાનું અને મુસાફરી કરવાનું ટાળે છે. રિપોર્ટ અનુસાર, ગ્રાહકોના ખર્ચમાં 1.3 ટકાનો ઘટાડો થયો છે. તેની સૌથી વધુ અસર રિટેલ, કપડાં, ખાદ્ય અને રેસ્ટોરન્ટ જેવા ક્ષેત્રો પર પડી છે.
સારવાર પાછળ વધતો ખર્ચ અને કામકાજના દિવસોનું નુકસાન
હવાના પ્રદૂષણને કારણે આરોગ્ય સેવાઓ પાછળ થતો ખર્ચ પણ અર્થવ્યવસ્થાને અસર કરી રહ્યો છે. રિપોર્ટ અનુસાર, શ્વાસ અને હૃદય સંબંધિત બીમારીઓની સારવાર પાછળ સરકાર, વીમા કંપનીઓ અને પરિવારોને મળીને અંદાજે 12.3 અબજ ડોલરનો વધારાનો ખર્ચ સહન કરવો પડે છે. બીજી તરફ, બીમારી અથવા પરિવારના બાળકો અને વૃદ્ધોની સંભાળ માટે કર્મચારીઓએ રજા લેવી પડે છે. તેના કારણે દર વર્ષે લગભગ 1.3 અબજ કામકાજના દિવસો ગુમાવવા પડે છે, જેનાથી વધારાનું 3 અબજ ડોલરનું આર્થિક નુકસાન થાય છે. આમ, હવાનું પ્રદૂષણ હવે માત્ર પર્યાવરણ કે સ્વાસ્થ્યનો મુદ્દો રહ્યો નથી, પરંતુ ભારતના વિકાસ, રોજગાર અને વ્યવસાય માટે પણ મોટો પડકાર બની ગયું છે. હવાની ગુણવત્તા સુધારવા માટે સમયસર પગલાં લેવામાં નહીં આવે તો તેની આર્થિક અસર ભવિષ્યમાં વધુ ગંભીર બની શકે છે.
