ફ્લાઇટમાં મોંઘો સામાન લઈ જતા સાવધાન! એરલાઇન સ્ટાફે પેસેન્જરનો સામાન ફેંક્યો, ₹55 હજારના નુકસાન સામે આપ્યું ₹5,000નું વળતર
ફ્લાઇટમાં મુસાફરી કરતા મુસાફરો તરફથી અવારનવાર એરલાઇન કંપનીઓ સામે સામાન (Luggage) ની યોગ્ય દેખભાળ ન રાખવાની ફરિયાદો સામે આવતી હોય છે. તાજેતરમાં જ આવી વધુ એક ઘટના સામે આવી છે, જ્યાં એક ફિલ્મમેકરે એરલાઇન સ્ટાફની બેદરકારીનો ભોગ બનવું પડ્યું છે.
એરપોર્ટ પર ગ્રાઉન્ડ સ્ટાફ દ્વારા સામાનને યોગ્ય જગ્યાએ મૂકવાને બદલે ફેંકવામાં આવતા ફિલ્મમેકરનો મોંઘો અને ભાડે લીધેલો સામાન તૂટી ગયો હતો. આ ઘટના બાદ તેમણે સોશિયલ મીડિયા પર વીડિયો અને તસવીરો શેર કરીને પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો અને લોકોને જાગૃત કર્યા હતા.

એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટમાં સર્જાયો કિસ્સો
મળતી વિગતો મુજબ, એક ફ્રીલાન્સ ફિલ્મમેકર સમીર પંજાબી એ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી એક પોસ્ટ શેર કરી હતી. સમીર ગોવાથી મુંબઈ માટે ‘એર ઈન્ડિયા એક્સપ્રેસ’ ની ફ્લાઇટમાં મુસાફરી કરી રહ્યા હતા.
તેમના ચેક-ઈન સામાનમાં ₹55,000 ની કિંમતનો ટ્રાઈપોડ (Tripod) હતો, જે તેમણે શૂટિંગ માટે ભાડે લીધો હતો. ફ્લાઇટ મુંબઈ પહોંચ્યા પછી જ્યારે તેમને સામાન મળ્યો, ત્યારે તે ટ્રાઈપોડ સંપૂર્ણપણે ભાંગીને તૂટી ચૂક્યો હતો.
સ્ટાફની બેદરકારી અને વીડિયો પુરાવો
સમીરે ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો અને સ્ક્રીનશોટ સાથે એરપોર્ટ ગ્રાઉન્ડ સ્ટાફનો એક વીડિયો પણ શેર કર્યો છે. આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે બેગેજ હેન્ડલર્સ મુસાફરોના સામાનને અત્યંત બેદરકારીથી ટ્રોલી અને પ્લેનમાં ફેંકી રહ્યા છે.
ફિલ્મમેકરનો આક્ષેપ: સમીરે જણાવ્યું કે તેમણે બોર્ડિંગ વખતે જ એરલાઇન સ્ટાફને સ્પષ્ટ સૂચના આપી હતી કે આ સામાન નાજુક (Fragile) અને મોંઘો છે, તેથી તેની યોગ્ય સંભાળ રાખવામાં આવે. આમ છતાં, સ્ટાફે તેને ફેંકીને નુકસાન પહોંચાડ્યું હતું.
એરલાઇનનો અસંવેદનશીલ જવાબ અને મામૂલી વળતર
જ્યારે સમીરે આ તૂટેલા સામાન અને બેગેજ ફેંકવાનો વીડિયો એરલાઇનના કર્મચારીઓને બતાવ્યો, ત્યારે તેમને અત્યંત આઘાતજનક જવાબ મળ્યો હતો. સ્ટાફે એવું કહ્યું કે “સામાન આ રીતે જ લોડ કરવામાં આવે છે.”
આટલું જ નહીં, ₹55,000 ના નુકસાન સામે એરલાઇન કંપનીએ તેમને માત્ર ₹5,000 નું વળતર (Compensation) આપવાની ઓફર કરી હતી, જે ફિલ્મમેકર માટે બિલકુલ અસ્વીકાર્ય હતું.

સોશિયલ મીડિયા પર વાયરલ અને એરલાઇનની સ્પષ્ટતા
સમીરની આ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ જોતજોતામાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ હતી. હજારો નેટીઝન્સે આ પોસ્ટ પર એરલાઇનની બેદરકારી સામે ભારે વિરોધ નોંધાવ્યો હતો અને અન્ય મુસાફરોએ પણ પોતાના ખરાબ અનુભવો શેર કરવાનું શરૂ કર્યું હતું.
મામલો ઉગ્ર બનતા ‘એર ઈન્ડિયા એક્સપ્રેસ’ ના અધિકૃત ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપવામાં આવી હતી. એરલાઇને આ ઘટના બદલ ખેદ વ્યક્ત કર્યો હતો અને સમીર પાસે તેમનો PNR નંબર માંગ્યો હતો, જેથી આ મામલે આગળ તપાસ કરી શકાય. જોકે, આ ઘટનાએ ફરી એકવાર હવાઈ મુસાફરીમાં પેસેન્જરોના સામાનની સુરક્ષા પર મોટા સવાલો ઊભા કર્યા છે.
