હવે નહીં ફાટે ₹10-₹20ની નોટો! RBI લાવી રહ્યું છે પોલિમર નોટ, ATMમાં પણ નહીં કરવો પડે ફેરફાર
ભારતીય રિઝર્વ બેંક (RBI) હવે ચલણી નોટોની સુરક્ષા અને ટકાઉપણું વધારવા માટે નવી પહેલ કરવા જઈ રહી છે. બેંક 1 એપ્રિલ 2027થી ₹10 અને ₹20ની પોલિમર એટલે કે પ્લાસ્ટિકની નોટોનું પાયલટ પ્રોજેક્ટ શરૂ કરવાની તૈયારીમાં છે. આ પ્રોજેક્ટ હેઠળ નવી નોટોનું ફીલ્ડ ટ્રાયલ કરવામાં આવશે. જોકે, આ નોટોના કદમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.

ATMમાં ફેરફાર નહીં કરવો પડે, બેંકોને થશે ફાયદો
આ નવી પહેલમાં સૌથી મહત્વની બાબત એ છે કે પ્લાસ્ટિકની નોટોનું કદ હાલની કાગળની નોટો જેટલું જ રાખવામાં આવશે. મનીકન્ટ્રોલના અહેવાલ અનુસાર, આ નિર્ણયથી બેંકોને મોટો આર્થિક ફાયદો થઈ શકે છે. કારણ કે નોટોનું કદ બદલાતું ન હોવાથી ATM મશીનોને ફરીથી કન્ફિગર કરવાની જરૂર નહીં પડે. પરિણામે બેંકોનો વધારાનો ખર્ચ બચશે.
ટ્રાયલ દરમિયાન બજારમાં આવશે 200 કરોડ નવી નોટો
આ પાયલટ પ્રોજેક્ટ અંતર્ગત RBI બજારમાં ₹10ની 100 કરોડ અને ₹20ની 100 કરોડ પોલિમર નોટો રજૂ કરવાની યોજના ધરાવે છે. એટલે કે કુલ 200 કરોડ નવી નોટોનું પરીક્ષણ કરવામાં આવશે. ખાસ વાત એ છે કે આ માત્ર પ્રાયોગિક પરીક્ષણ હશે. તેથી નવી પ્લાસ્ટિક નોટોની સાથે હાલની કાગળની નોટો પણ બજારમાં સામાન્ય રીતે ચલણમાં રહેશે.

આખરે શા માટે પ્લાસ્ટિકની નોટો લાવવા માંગે છે RBI?
ભારતમાં ₹10 અને ₹20ની નોટોનો ઉપયોગ સૌથી વધુ થાય છે. શાકભાજી ખરીદવાથી લઈને બસ, રિક્ષાનું ભાડું ચૂકવવા અને નાની દુકાનોમાં ખરીદી કરવા સુધી આ નોટો સતત હાથ બદલતી રહે છે. પરિણામે કાગળની નોટો ઝડપથી ફાટી જાય છે, ગંદી થાય છે અથવા ભેજને કારણે ખરાબ થઈ જાય છે. આવી નોટોને બદલવા RBIએ વારંવાર નવી નોટો છાપવી પડે છે.
પોલિમર નોટની ઉંમર કાગળની નોટ કરતાં 3થી 4 ગણી વધારે
પ્લાસ્ટિક અથવા પોલિમર નોટની સૌથી મોટી વિશેષતા તેની લાંબી આવરદા છે. આ નોટો પાણીથી સરળતાથી ખરાબ થતી નથી અને ગંદકી સામે પણ વધુ પ્રતિરોધક હોય છે. સામાન્ય કાગળની નોટ લગભગ એકથી બે વર્ષ ચાલે છે, જ્યારે પોલિમર નોટ ત્રણથી ચાર ગણી વધારે ટકી શકે છે. RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ પણ જણાવ્યું હતું કે કેટલાક દેશોમાં આવી નોટો 30 વર્ષથી વધુ સમય સુધી ચાલી છે.
₹1,000ની નવી પ્લાસ્ટિક નોટની ચર્ચા ખોટી, RBIએ શું કહ્યું?
બીજી તરફ, સોશિયલ મીડિયા પર ₹1,000ની નવી પોલિમર નોટ રજૂ કરવામાં આવી હોવાના દાવા સાથે કેટલીક તસવીરો વાયરલ થઈ રહી છે. જોકે, PIB ફેક્ટ ચેકે આ દાવાને ખોટો ગણાવ્યો છે. RBIએ પણ સ્પષ્ટ કર્યું છે કે હાલમાં મોટા મૂલ્યની પોલિમર નોટો લાવવાનો કોઈ પ્રસ્તાવ નથી. તેથી આવી અફવાઓથી દૂર રહો. નવી નોટો અંગેની સચોટ માહિતી માટે RBIની સત્તાવાર વેબસાઇટ rbi.org.in અથવા તેની સત્તાવાર પ્રેસ રિલીઝ જ તપાસો.
