Sugar Price Cut: ખાંડના ભાવ ઘટાડવા સરકારનો માસ્ટર પ્લાન, જાણો સામાન્ય જનતાને કેવી રીતે થશે ફાયદો
છેલ્લા કેટલાક મહિનાઓથી ખાંડના વધતા ભાવને કારણે સામાન્ય જનતા અને ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું હતું. ખાસ કરીને તહેવારોની સિઝનમાં મીઠાઈઓ અને વાનગીઓ બનાવવા માટે ખાંડનો વપરાશ સૌથી વધુ વધી જાય છે, તેવા સમયે ઊંચા ભાવ લોકો માટે મોટી ચિંતાનો વિષય બન્યા હતા. જોકે, હવે આ મોંઘવારીમાંથી ટૂંક સમયમાં મુક્તિ મળે તેવા સંકેતો મળી રહ્યા છે. કેન્દ્ર સરકારે ખાંડના સ્ટોકને લઈને પોતાના નિયમોમાં એક મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે, જેનાથી આગામી દિવસોમાં ખાંડના છૂટક ભાવમાં વધુ ઘટાડો થવાની પૂરી શક્યતા છે.

બલ્ક કન્ઝ્યુમર્સ માટે સ્ટોક મર્યાદા વધી: 15 થી વધીને 30 દિવસ કરાઈ
સરકારે મોટી માત્રામાં ખાંડનો વપરાશ કરતી કંપનીઓ (બલ્ક કન્ઝ્યુમર્સ) અને જથ્થાબંધ વેપારીઓ માટે સ્ટોક રાખવાની મર્યાદા 15 દિવસથી વધારીને 30 દિવસ કરી દીધી છે. અત્યાર સુધી આવી કંપનીઓ પોતાની જરૂરિયાતના માત્ર 15 દિવસ જેટલો જ જથ્થો સંગ્રહ કરી શકતી હતી.
પરંતુ આ છૂટછાટ સાથે સરકારે એક મહત્વની શરત પણ મૂકી છે. વધારાનો 15 દિવસનો સ્ટોક માત્ર ને માત્ર આયાત કરાયેલી (Imported) ખાંડમાંથી જ હોવો જોઈએ. આ આયાતી ખાંડ ‘એડવાન્સ ઓથોરાઇઝેશન સ્કીમ’ અને ‘ટેરિફ રેટ કોટા’ હેઠળ મંગાવવામાં આવી હોય તે જરૂરી છે. જ્યારે સ્થાનિક કે ઓપન માર્કેટમાંથી ખરીદેલી ખાંડ માટે સ્ટોક મર્યાદા પૂર્વેની જેમ જ 15 દિવસની રહેશે.
સરકારે કેમ લીધો આ નિર્ણય?
આ ફેરફાર કરવા પાછળનું મુખ્ય કારણ માર્કેટમાં ખાંડનો પુરવઠો સુધારવો અને સ્થાનિક બજારમાં ભાવ અંકુશમાં રાખવાનું છે. ઓગસ્ટ મહિનામાં ખાંડની છૂટક કિંમત રૂ. 65 પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ હતી. સરકારના સતત પ્રયાસો બાદ તેમાં આશરે 10 ટકાનો ઘટાડો થયો છે અને હાલ કિંમત રૂ. 58.50 પ્રતિ કિલોની આસપાસ આવી ગઈ છે.
બીજી તરફ, ખાંડ મિલોના સ્તરે (Factory Level) કિંમતોમાં આશરે 25 ટકાનો મોટો ઘટાડો નોંધાયો છે. સરકારનું માનવું છે કે મિલ સ્તરે જેટલી રાહત મળી છે, તેનો પૂરો લાભ હજુ સુધી સામાન્ય ગ્રાહકો સુધી પહોંચ્યો નથી.

સામાન્ય જનતાને થશે સીધો ફાયદો
ફેક્ટરી સ્તરે ખાંડ સસ્તી થવા છતાં છૂટક બજારમાં તેનો પૂરો લાભ ન મળતા સરકારે વેપારીઓ અને જથ્થાબંધ વિક્રેતાઓને સ્પષ્ટ સૂચના આપી છે. સરકારે આદેશ આપ્યો છે કે મિલોમાંથી મળતી સસ્તી ખાંડનો લાભ વહેલી તકે સામાન્ય ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવે.
આ નવા માસ્ટર પ્લાનથી સ્થાનિક બજારમાં ખાંડનો પુરવઠો વધશે. સાથે જ મોટા ઉદ્યોગો આયાતી ખાંડનો ઉપયોગ કરશે, જેથી સ્થાનિક ખાંડ પરનું દબાણ ઘટશે. આ પરિસ્થિતિને જોતા આગામી દિવસોમાં ખાંડના ભાવ હજુ પણ નીચે આવશે અને તહેવારોના સમયે જનતાને મોંઘવારીમાંથી મોટી રાહત મળશે.
