કિર્ગિસ્તાનની ‘ગોલ્ડ ઈકોનોમી’: એક જ ખાણમાંથી ₹૧૨,૦૦૦ કરોડની આવક, જાણો કિંમતી ધાતુથી કેવી રીતે ચાલે છે દેશ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) શિખર સંમેલનમાં ભાગ લેવા માટે મધ્ય એશિયાઈ દેશ કિર્ગિસ્તાન પહોંચ્યા છે. કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેક ખાતે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કુદરતી સૌંદર્ય, વિષમ આબોહવા અને પહાડી નજારાઓ માટે વિશ્વભરમાં પ્રખ્યાત આ દેશ પાસે એક એવો કુદરતી ખજાનો પણ છે, જે તેની સમગ્ર અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ ગણાય છે. આ ખજાનો એટલે ‘સોનું’ (Gold). કિર્ગિસ્તાનમાં સોનાનું ખનન (Mining) દેશની આર્થિક સ્થિતિને મજબૂત રાખવામાં સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

કુમટોર ગોલ્ડ માઈન: દેશનો સૌથી મોટો સોનાનો ખજાનો
કિર્ગિસ્તાનના સોનાના ઉત્પાદનનું મુખ્ય કેન્દ્ર ‘કુમટોર ગોલ્ડ માઈન’ (Kumtor Gold Mine) છે, જેને સરકારી કંપની ‘કિર્ગિઝઅલ્તિન’ (Kyrgyzaltyn) દ્વારા સંચાલિત કરવામાં આવે છે. અત્યંત દુર્ગમ અને પહાડી વિસ્તારમાં આવેલી આ ખાણે દેશના સરકારી ખજાનાને ભરવામાં અભૂતપૂર્વ યોગદાન આપ્યું છે.
આ ખાણના મહત્વનો અંદાજ તેના તાજેતરના પ્રદર્શન પરથી લગાવી શકાય છે. આ ખાણે આશરે ૧.૪૩૪ બિલિયન ડોલર (રૂપિયા ૧૨,૦૦૦ કરોડથી વધુ) નું કુલ રેવેન્યુ (મહેસૂલ) જનરેટ કર્યું હતું. આમાંથી કિર્ગિસ્તાન સરકારે આશરે ૭૦૬ મિલિયન ડોલર (રૂપિયા ૫,૯૦૦ કરોડથી વધુ) નો ચોખ્ખો નફો (Net Profit) મેળવ્યો હતો.
ટેક્સ અને મહેસૂલથી સરકારની મજબૂત કમાણી
સોનાનું ખનન માત્ર કંપનીના નફા પૂરતું મર્યાદિત નથી, પરંતુ તે ટેક્સ અને વિવિધ ફીના રૂપમાં કિર્ગિઝ સરકારને કરોડો ડોલરની આવક પૂરી પાડે છે. માહિતી મુજબ, સરકારને સોનાના ઉત્પાદન પરના ટેક્સ અને સંબંધિત રોયલ્ટીમાંથી આશરે ૨૪૬.૫ મિલિયન ડોલરનું મહેસૂલ પ્રાપ્ત થયું હતું.
વિશ્વની મોટી અર્થવ્યવસ્થાઓની સરખામણીએ કિર્ગિસ્તાનની જીડીપી (GDP) અને અર્થવ્યવસ્થા પ્રમાણમાં નાની છે. આવી સ્થિતિમાં સોનાના ખનનમાંથી મળતી આંગીન કમાણી સરકારને જાહેર સેવાઓ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે ખર્ચ કરવા માટે જરૂરી નાણાકીય ભંડોળ પૂરું પાડે છે.

કિર્ગિસ્તાનની સૌથી મૂલ્યવાન નિકાસ (Export)
સોનું માત્ર સરકારી આવકનો જ સ્ત્રોત નથી, પરંતુ તે કિર્ગિસ્તાનની નિકાસ કમાણીમાં પણ ટોચનું સ્થાન ધરાવે છે. દેશના આંકડાઓ અનુસાર, કિર્ગિસ્તાને આશરે ૬.૨ ટન સોનાની આંતરરાષ્ટ્રીય બજારમાં નિકાસ કરી હતી, જેનું કુલ મૂલ્ય આશરે ૬૮૨.૮ મિલિયન ડોલર હતું.
આ આંકડો દેશની કુલ નિકાસ આવકના લગભગ ૨૪% (ચોથો ભાગ) જેટલો થાય છે. અર્થાત કિર્ગિસ્તાન વિદેશમાંથી જે કમાણી કરે છે, તેનો ૪ માંથી ૧ રૂપિયો માત્ર સોનાના વેચાણમાંથી આવે છે. આ બાબત દર્શાવે છે કે આ પહાડી દેશનો વિદેશી વેપાર અને વિદેશી મુદ્રા ભંડાર (Foreign Exchange Reserve) કિંમતી ધાતુ સોના પર કેટલો વધુ નિર્ભર છે.
SCO સંમેલન અને જીઓ-પોલિટિકલ મહત્વ
પ્રધાનમંત્રી મોદીની આ મુલાકાત ભારત અને મધ્ય એશિયાઈ દેશો વચ્ચેના વ્યાપારિક અને વ્યૂહાત્મક સંબંધોને વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કિર્ગિસ્તાન પાસે રહેલા આવા અમૂલ્ય કુદરતી સંસાધનો અને ઊર્જા ક્ષેત્રે સહયોગ વધારવા માટે ભારત જેવા મોટા દેશો માટે બિશ્કેક એક મહત્વનું વેપારી કેન્દ્ર બની રહ્યું છે.
