હવે ચાંદી ખરીદતી વખતે નહીં થાય છેતરપિંડી: જાણો શું છે 6-અંકનો HUID કોડ અને તેનાથી ગ્રાહકોને થતા ફાયદા
દેશમાં ચાંદીના દાગીના અને કલાકૃતિઓની ખરીદી કરતા ગ્રાહકો માટે પારદર્શિતા અને શુદ્ધતાની ખાતરી આપતું એક મોટું ચરણ પૂર્ણ થયું છે. ભારતીય માનક બ્યુરો (BIS) દ્વારા જાહેર કરવામાં આવેલી તાજી માહિતી અનુસાર, ગયા વર્ષના સપ્ટેમ્બર મહિનાથી અત્યાર સુધીમાં ચાંદીની ૭૭ લાખથી વધુ આઇટમ્સ પર છ અંકનો વિશિષ્ટ HUID (Hallmark Unique Identification) નંબર અંકિત કરવામાં આવ્યો છે.
BIS ના આંકડા દર્શાવે છે કે ચાંદીના દાગીનાના હોલમાર્કિંગ અને HUID કોડ અપનાવવાની બાબતમાં દેશના દક્ષિણના રાજ્યો સૌથી આગળ રહ્યા છે. ૧ સપ્ટેમ્બર, ૨૦૨૫ ના રોજ ચાંદી માટે વિશેષ HUID પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યા બાદથી જ આ ક્ષેત્રે અભૂતપૂર્વ ઝડપ જોવા મળી રહી છે.
સ્વેચ્છિક હોલમાર્કિંગથી HUID સફર
ઉલ્લેખનીય છે કે ચાંદીના દાગીના પર ‘હોલમાર્કિંગ’ કરવાની પ્રક્રિયા ઓક્ટોબર ૨૦૦૫ થી સ્વેચ્છિક (Voluntary) રાખવામાં આવી છે. જોકે, સપ્ટેમ્બર ૨૦૨૫ થી તમામ હોલમાર્ક ધરાવતા ચાંદીના દાગીના પર લેઝર ટેકનોલોજી દ્વારા ૬-અંકનો અલ્ફાન્યૂમેરિક HUID નંબર અંકિત કરવાનું શરૂ કરવામાં આવ્યું છે.
Silver hallmarking is gaining momentum ahead of the festive season, with the Bureau of Indian Standards (BIS) accelerating HUID-based hallmarking to strengthen consumer confidence and ensure greater transparency in the silver market. A BIS survey across 345 districts found that… pic.twitter.com/5rMaIMcX2h
— Press Trust of India (@PTI_News) August 28, 2026
આ HUID નંબરને કારણે ગ્રાહકો ખરીદી કરતી વખતે BIS એપ્લિકેશન મારફતે દાગીનાની શુદ્ધતા અને તેની અસલિયતની પોતે જ ચકાસણી કરી શકે છે. સરખામણી કરીએ તો, નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માં ૩૨ લાખ ચાંદીના દાગીના પર હોલમાર્ક તો લગાવવામાં આવ્યો હતો, પરંતુ ત્યારે HUID નંબરની પ્રણાલી અમલી નહોતી.
95% ચાંદી 925 અને 800 શુદ્ધતા ધરાવતી
BIS ના રિપોર્ટ અનુસાર, દેશમાં હોલમાર્ક થયેલા ચાંદીના આભૂષણોમાં ૯૨૫ (૯૨.૫% શુદ્ધતા) અને ૮૦૦ (૮૦% શુદ્ધતા) ગ્રેડ ધરાવતા દાગીનાનો હિસ્સો ૯૫ ટકા જેટલો સિંહફાળો ધરાવે છે.
HUID સિસ્ટમ શરૂ થયા બાદ વેપારીઓમાં પણ જાગૃતિ વધી છે. અત્યાર સુધીમાં ૨૫,૦૦૦ થી વધુ ચાંદીના જ્વેલર્સે (દાગીના વિક્રેતાઓ) હોલમાર્કિંગ માટે BIS સાથે પોતાનું નોંધણી (Registration) કરાવ્યું છે. હાલમાં દેશના ૧૦૨ જિલ્લાઓમાં ચાંદીની શુદ્ધતા ચકાસવા અને હોલમાર્કિંગ કરવા માટે ૩૪૧ સત્તાવાર કેન્દ્રો કાર્યરત છે.
દાગીના પર શું-શું અંકિત થયેલું હોય છે?
હોલમાર્ક ધરાવતી ચાંદીની દરેક વસ્તુ કે દાગીના પર નીચે મુજબની ૪ મહત્વપૂર્ણ વિગતો સ્પષ્ટપણે જોવા મળે છે:
૧. BIS નો લોગો (માનક ચિહ્ન): જે તેની સરકારી માન્યતા દર્શાવે છે.
૨. સિલ્વર સંકેત (Silver Mark): કિંમતી ધાતુ ચાંદી હોવાની સ્પષ્ટતા.
૩. શુદ્ધતાનો ગ્રેડ: જેમ કે 925 અથવા 800.
૪. ૬-અંકનો HUID કોડ: લેઝરથી પ્રિન્ટ થયેલો યુનિક આલ્ફાન્યૂમેરિક નંબર.
દક્ષિણ ભારતનો 62 ટકા હિસ્સો
પ્રાદેશિક દ્રષ્ટિએ (Region-wise) જોઈએ તો ચાંદીના હોલમાર્કિંગમાં દક્ષિણ ભારત દેશભરમાં પ્રથમ ક્રમે છે. કુલ હોલમાર્ક થયેલી ચાંદીમાંથી ૬૨ ટકા હિસ્સો એકલા દક્ષિણના રાજ્યોનો છે.
આ યાદીમાં ૧૮ ટકા હિસ્સા સાથે પશ્ચિમ ભારત (જેમાં ગુજરાત અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે) બીજા ક્રમે છે, જ્યારે ૧૦ ટકા હિસ્સા સાથે મધ્ય ભારત ત્રીજા સ્થાને છે.
ગ્રાહકો માટે શા માટે મહત્વનું છે HUID?
હોલમાર્કિંગ અને HUID નંબરથી સામાન્ય ગ્રાહકોને થર્ડ-પાર્ટી (બીઆઈએસ) દ્વારા શુદ્ધતાની ગેરંટી મળે છે. ભૂતકાળમાં ચાંદી ખરીદતી વખતે તેમાં થતી ભેળસેળ કે ઓછી શુદ્ધતાની જે ફરિયાદો રહેતી હતી, તે આ આધુનિક સિસ્ટમથી દૂર થઈ છે. HUID નંબરને કારણે હવે ગ્રાહક છેતરાવાની શક્યતા નહિવત બની ગઈ છે.
