400થી વધુ કામદારોના વણચૂકવાયેલા વેતનનો મામલો: સિંગાપુરમાં 7 કંપનીઓના ભારતીય ડાયરેક્ટર બેંકરપ્ટ
સિંગાપુરમાં વ્યવસાય કરતા ભારતીય નાગરિક અને ત્યાંના સ્થાયી નિવાસી (PR) રામુ પલાની વેલુને સ્થાનિક અદાલત દ્વારા વિધિવત રીતે નાદાર (Bankrupt) જાહેર કરવામાં આવ્યા છે. રામુ પલાની વેલુ એવી અનેક કન્સ્ટ્રક્શન અને એન્જિનિયરિંગ કંપનીઓમાં ડાયરેક્ટર તરીકે કાર્યરત હતા, જેમના પર ૪૦૦થી વધુ પ્રવાસી મજૂરોના મહિનાઓ જૂના વેતન ચૂકવવાનો ગંભીર આક્ષેપ છે. મીડિયા અહેવાલો અનુસાર, સિંગાપુરની ઇન્સોલ્વન્સી સત્તાવાળાઓ દ્વારા ઓગસ્ટ મહિનામાં તેમની વિરુદ્ધ નાદારીનો આદેશ જારી કરવામાં આવ્યો હતો.

કઈ કંપનીઓ અને કેટલા કામદારો પ્રભાવિત?
રામુ પલાની વેલુ સિંગાપુરમાં એર-કન્ડિશનિંગ, પ્લમ્બિંગ, મેન્ટેનન્સ અને બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન સંબંધિત સેવાઓ આપતી લગભગ ૭ જેટલી જાણીતી કંપનીઓના સંચાલન સાથે જોડાયેલા છે. આ કંપનીઓમાં ‘KPA એન્જિનિયરિંગ’, ‘SK ઇન્ડસ્ટ્રીઝ’ અને ‘VVR પ્લાન્ટ એન્જિનિયરિંગ’ મુખ્ય છે.
આ કંપનીઓમાં કામ કરતા ભારતીય નાગરિકો સહિત કુલ ૪૦૭ જેટલા પ્રવાસી શ્રમિકોએ પોતાના બાકી વેતન અને ભથ્થાં મેળવવા માટે સત્તાવાર દાવો નોંધાવ્યો છે. પીડિત શ્રમિકોના જણાવ્યા મુજબ, તેમને છેલ્લા ૨ મહિનાથી વધુ સમયથી કોઈ પગાર મળ્યો નથી, જેના કારણે તેમની દૈનિક આજીવિકા અને રહેવા-જમવાની વ્યવસ્થા પર મોટું સંકટ ઊભું થયું છે.
સમગ્ર મામલો પ્રકાશમાં કેવી રીતે આવ્યો?
આ નાણાકીય અનિયમિતતાનો મામલો ત્યારે સામે આવ્યો જ્યારે KPA એન્જિનિયરિંગના કેટલાક કર્મચારીઓએ પોતાના બાકી પગાર માટે સિંગાપુરના ડિસ્પ્યુટ રિઝોલ્યુશન પ્લેટફોર્મ (ટ્રાઇપાર્ટાઇટ એલાયન્સ ફોર ડિસ્પ્યુટ મેનેજમેન્ટ – TADM) નો સંપર્ક કર્યો હતો. શરૂઆતમાં જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં જ પાંચ કર્મચારીઓના મામલા ઉકેલી દેવાયા હતા. પરંતુ ત્યારબાદ મે અને જૂન દરમિયાન વધુ કર્મચારીઓએ પગાર ન મળવાની ફરિયાદો નોંધાવવાનું શરૂ કર્યું હતું.
સ્થિતિ ત્યારે વધુ વણસી જ્યારે KPA એન્જિનિયરિંગે મોટી સંખ્યામાં કર્મચારીઓને છૂટા કરવાનો નોટિસ પિરિયડ આપ્યો. જૂન મહિનાના અંતમાં ૧૦૦થી વધુ કામદારો એકસાથે મદદની ગુહાર લગાવવા માટે બ્રેન્ડમીર સ્થિત સિંગાપુરના માનવબળ મંત્રાલય (Ministry of Manpower – MOM) ની કચેરીએ પહોંચી ગયા હતા. શ્રમિકોના આટલા મોટા એકઠા થવાથી સમગ્ર દેશમાં આ વિવાદ ચર્ચાનો વિષય બન્યો હતો.

ડાયરેક્ટર દેશ છોડીને ભાગ્યા અને બાદમાં સ્વયં નાદારી નોંધાવી
વેતન વિવાદ જ્યારે ચરમસીમાએ પહોંચ્યો, ત્યારે તપાસમાં બહાર આવ્યું કે કંપનીના મુખ્ય ડાયરેક્ટર રામુ પલાની વેલુ સિંગાપુર છોડીને વિદેશ જતા રહ્યા હતા. જોકે, MOM અને સ્થાનિક એજન્સીઓના દબાણ બાદ તેઓ જૂનના અંતમાં સિંગાપુર પરત ફર્યા હતા અને તપાસમાં સહયોગ આપવાની ખાતરી આપી હતી.
સિંગાપુરના કાયદા મંત્રાલયના ઇન્સોલ્વન્સી ઓફિસના રેકોર્ડ મુજબ, રામુએ જુલાઈ મહિનામાં જાતે જ પોતાની પાસે પૂરતા નાણાં ન હોવાનું દર્શાવીને નાદારી (Bankruptcy) માટે અરજી કરી હતી. અદાલતે આ અરજી ગ્રાહ્ય રાખીને ઓગસ્ટમાં તેમને નાદાર જાહેર કર્યા હતા.
કાયદાકીય જોગવાઈઓ અને શ્રમિકોનું ભવિષ્ય
સિંગાપુરના માનવબળ કાયદા મુજબ, જો કોઈ માલિક કે કંપની પોતાના કર્મચારીઓને સમયસર વેતન ચૂકવવામાં નિષ્ફળ જાય છે, તો તે ગંભીર ગુનો માનવામાં આવે છે. આ પ્રકારના કિસ્સામાં દોષિત સાબિત થનાર એમ્પ્લોયરને પ્રતિ ચાર્જ ૩,૦૦૦ થી ૧૫,૦૦૦ સિંગાપુર ડોલર સુધીનો દંડ અને ૬ મહિના સુધીની જેલની સજા થઈ શકે છે.
સિંગાપુરનું માનવબળ મંત્રાલય (MOM) અને શ્રમિક સંગઠનો હાલ પ્રભાવિત ૪૦૭ શ્રમિકોને તાત્કાલિક રહેવા-જમવાની સુવિધા પૂરી પાડવા અને તેમને અન્ય કંપનીઓમાં નવી નોકરી અપાવવા માટે કામ કરી રહ્યા છે, જેથી તેઓ પોતાના વતન ખાલી હાથે પરત ન ફરવું પડે.
