ઇન્ડોનેશિયા પામ ઓઈલમાંથી બનાવશે ડીઝલ, ભારતીયો પર મોંઘવારીનો ખતરો
ઇન્ડોનેશિયાના આ નિર્ણયની સીધી અસર ભારત પર જોવા મળી શકે છે, જે સામાન્ય નાગરિકોના ખિસ્સા પર બોજ વધારી શકે છે.
ભારત પર કેવી અસર થશે?
ભારત તેની પામ ઓઈલની જરૂરિયાતનો 50% થી વધુ હિસ્સો ઇન્ડોનેશિયાથી આયાત કરે છે. જો ઇન્ડોનેશિયા પોતાના દેશમાં ઈંધણ બનાવવા માટે પામ ઓઈલનો વપરાશ વધારશે, તો ભારતને થતી સપ્લાયમાં ઘટાડો થઈ શકે છે.
રસોડાનું બજેટ ખોરવાશે: સપ્લાય ઓછી થવાને કારણે ભારતમાં ખાદ્યતેલ (Edible Oil) ની કિંમતોમાં મોટો ઉછાળો આવી શકે છે.
રોજિંદી વસ્તુઓ મોંઘી થશે: પામ ઓઈલનો ઉપયોગ માત્ર રસોઈમાં જ નહીં, પરંતુ બિસ્કિટ, નમકીન, સાબુ, શેમ્પૂ અને કોસ્મેટિક્સ જેવી અનેક વસ્તુઓ બનાવવામાં થાય છે. આ ઉત્પાદનોના ઉત્પાદન ખર્ચમાં વધારો થતા સામાન્ય જનતા માટે મોંઘવારી વધી શકે છે.

ઇન્ડોનેશિયાનો માસ્ટર પ્લાન
વર્ષ 2025 સુધીમાં ઇન્ડોનેશિયાની કાચા તેલની આયાત આશરે 7.8 બિલિયન ડોલર રહી હતી. વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ 100 ડોલર પ્રતિ બેરલને પાર કરી ગયા હોવાથી, ઇન્ડોનેશિયા હવે આયાતી તેલને બદલે પોતાના દેશમાં ઉત્પાદિત પામ ઓઈલ આધારિત ઈંધણ (B50) પર ભાર મૂકી રહ્યું છે.
આ ઉપરાંત, ઇન્ડોનેશિયા સરકાર તેના સસ્ટેનેબલ એવિએશન ફ્યુઅલ (SAF) રોડમેપ પર પણ કામ કરી રહી છે. વર્ષ 2027 થી ઇન્ડોનેશિયાના મુખ્ય આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઉડતી ફ્લાઈટ્સમાં પણ પામ ઓઈલમાંથી બનેલા ઈંધણનું મિશ્રણ વાપરવાની યોજના છે. આ દર્શાવે છે કે ઇન્ડોનેશિયા હવે માત્ર રોડ ટ્રાન્સપોર્ટ જ નહીં પણ એવિએશન સેક્ટરમાં પણ બાયોફ્યુઅલનો વ્યાપ વધારવા માંગે છે.

