Anil Ambani: રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (RCOM) ફ્રોડ કેસ: CBIની મોટી કાર્યવાહી
CBIએ સોમવારે અનિલ અંબાણી ગ્રુપની કંપની રિલાયન્સ કમ્યુનિકેશન્સ (RCOM) વિરુદ્ધ ચાલી રહેલી કથિત બેંક છેતરપિંડીના કેસમાં મોટી કાર્યવાહી કરી છે. એજન્સીએ RCOMના વાઇસ પ્રેસિડેન્ટ અનિલ કાલિયા અને જોઈન્ટ પ્રેસિડેન્ટ ડી. વિશ્વનાથની ધરપકડ કરી છે. આ બંને અધિકારીઓને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

SBIની ફરિયાદ અને કરોડોનું નુકસાન
આ તપાસ ભારતીય સ્ટેટ બેંક (SBI) દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદને આધારે શરૂ કરવામાં આવી છે. ફરિયાદ મુજબ, બેંકે કંપનીને ક્રેડિટ સુવિધાઓ આપી હતી, પરંતુ આરોપીઓની છેતરપિંડીભરી પ્રવૃત્તિઓને કારણે SBIને અંદાજે ₹2,929.05 કરોડનું નુકસાન થયું છે. આ ઉપરાંત, 17 જાહેર ક્ષેત્રની બેંકો અને નાણાકીય સંસ્થાઓને કુલ મળીને ₹19,694 કરોડનું જંગી નુકસાન થયું હોવાનો અંદાજ છે.
તપાસમાં ખુલાસો: ‘શેલ’ કંપનીઓ અને ફંડનું ડાયવર્ઝન
CBIની તપાસમાં બહાર આવ્યું છે કે RCOM એ અધિકારીઓના નિયંત્રણ હેઠળની ‘શેલ’ (બનાવટી) કંપનીઓ દ્વારા નાણાકીય વ્યવહારો કર્યા હતા. કંપનીએ પોતાની જ ગ્રુપ કંપનીઓ સાથે ‘બનાવટી’ સેવાઓ બતાવીને ડિસ્કાઉન્ટેડ લેટર ઓફ ક્રેડિટ (LCs) મેળવ્યા હતા. જ્યારે આ LCs ડિફોલ્ટ થયા, ત્યારે બેંકોએ તેની ચુકવણી કરવી પડી, જેના પરિણામે બેંકોને મોટું આર્થિક નુકસાન વેઠવું પડ્યું.

અધિકારીઓની મુખ્ય ભૂમિકા
તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર, ડી. વિશ્વનાથ ગ્રુપના બેંકિંગ કામકાજના પ્રભારી હતા અને તેમણે જ ફંડના દુરુપયોગની સૂચનાઓ આપી હતી. તેમણે બેંકો સાથે તાલમેલ બેસાડીને લોન મંજૂર કરાવી હતી. બીજી તરફ, અનિલ કાલિયાએ વિશ્વનાથને આ પ્રક્રિયામાં સક્રિયપણે સાથ આપ્યો હતો. આ બંને અધિકારીઓ કોર્પોરેટ ફાયનાન્સ અને પેમેન્ટ મેનેજમેન્ટની મહત્વની જવાબદારી સંભાળતા હતા.
રિલાયન્સ ગ્રુપ સામે વધતી મુશ્કેલીઓ
છેલ્લા કેટલાક મહિનાઓમાં, CBIએ અનિલ અંબાણીના નેતૃત્વ હેઠળના રિલાયન્સ ગ્રુપ વિરુદ્ધ વિવિધ સરકારી બેંકો અને LICની ફરિયાદો પર કુલ 7 કેસ દાખલ કર્યા છે. આ તમામ કેસો હજારો કરોડ રૂપિયાની કથિત છેતરપિંડી સાથે જોડાયેલા છે.
