Zomato
Zomato ના સ્થાપક અને સીઈઓ દીપિન્દર ગોયલે બુધવારે માહિતી આપી હતી કે કંપનીને ‘ચીફ ઓફ સ્ટાફ’ પદ માટે 18,000 થી વધુ અરજીઓ મળી છે. આમાંથી 30 ઉમેદવારોને વિવિધ પદોની ઓફર કરવામાં આવી છે. તેમણે સ્પષ્ટતા કરી કે “અમારી સાથે કામ કરવા માટે કોઈએ અમને પૈસા આપ્યા નથી.”
નવેમ્બર 2024 માં, ઝોમેટોએ ‘ચીફ ઓફ સ્ટાફ’ ના પદ માટે એક અનોખી શરત મૂકી હતી, જેમાં ઉમેદવારોને ‘ફીડિંગ ઈન્ડિયા’ નામની બિન-લાભકારી સંસ્થાને પ્રથમ વર્ષમાં 20 લાખ રૂપિયાનું દાન આપવાનું કહેવામાં આવ્યું હતું. આ સાથે, ઝોમેટોએ ઉમેદવારની પસંદગીની કોઈપણ અન્ય સંસ્થાને ૫૦ લાખ રૂપિયાનું દાન આપવાની પણ ઓફર કરી.
આ અંગે ઘણો વિવાદ થયો હતો. ઘણા લોકોએ આ ભરતી પ્રક્રિયાની ટીકા કરી હતી અને તેને “શોષણકારી” ગણાવી હતી. ઉદ્યોગપતિ હર્ષ ગોયેન્કાએ પણ આ મોડેલની નિંદા કરી હતી. જોકે, હવે ગોયલે સ્પષ્ટતા કરી છે કે ઝોમેટો સાથે કામ કરવા માટે કોઈપણ ઉમેદવાર પાસેથી પૈસા લેવામાં આવ્યા નથી અને કંપની યોગ્ય પ્રતિભા શોધી રહી છે.
દીપિન્દર ગોયલે જણાવ્યું હતું કે પસંદ કરાયેલા 30 લોકોમાંથી 18 લોકો પહેલાથી જ ઝોમેટો અથવા અન્ય ગ્રુપ કંપનીઓ (જેમ કે બ્લિંકિટ) માં મોટી ભૂમિકાઓમાં કામ કરી રહ્યા હતા અને તેમને તેમના યોગદાનના આધારે સારો પગાર ચૂકવવામાં આવી રહ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે ૧૮ માંથી ૪ લોકો તેમની સાથે સીધા કામ કરી રહ્યા છે, જેમાંથી ૨ લોકોને ‘ચીફ ઓફ સ્ટાફ’ પદ પર નિયુક્ત કરવામાં આવ્યા છે.