iPhone 16
ઈન્ડોનેશિયામાં iPhone 16ના વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. એપલના લેટેસ્ટ આઈફોન પર પ્રતિબંધની ભારતીય યુઝર્સ પર પણ મોટી અસર થવા જઈ રહી છે. ઇન્ડોનેશિયાની સરકારે નવી iPhone 16 સિરીઝ પર સ્થાનિક રોકાણની આવશ્યકતાઓનું પાલન ન કરવાને કારણે આ પ્રતિબંધ લાદ્યો છે. રિપોર્ટ અનુસાર, ઈન્ડોનેશિયાની સરકારે એપલ માટે 40 ટકા સ્થાનિક સામગ્રી જરૂરિયાતો અનુસાર તેના સ્માર્ટફોન અને ટેબલેટની શિપમેન્ટ રાખવાની શરત રાખી હતી. જો આમ કરવામાં નહીં આવે, તો Appleના ઉત્પાદનોનું ઈન્ડોનેશિયામાં માર્કેટિંગ કે વેચાણ કરવામાં આવશે નહીં.
Apple એ ઇન્ડોનેશિયામાં 1.48 ટ્રિલિયન રૂપિયાનું રોકાણ કર્યું છે, જે સરકાર દ્વારા નિર્ધારિત 1.71 ટ્રિલિયન રૂપિયા કરતાં 14.75 મિલિયન રૂપિયા ઓછું છે. ઈન્ડોનેશિયાના નિયમો અનુસાર, દેશમાં વેચાતા કોઈપણ ઉત્પાદન માટે 40 ટકા સ્થાનિક સામગ્રીની જરૂર પડશે, જેમાં ઘટકો, શ્રમ અને સુવિધાઓનો સમાવેશ થાય છે. Apple iPhone 16નું રોકાણ લક્ષ્ય ચૂકી ગયું છે. જરૂરી IMEI પ્રમાણપત્ર વિના તેનું વેચાણ દેશમાં ગેરકાયદેસર ગણવામાં આવશે.
ઈન્ડોનેશિયાની સરકારે દેશની સરહદોમાં iPhone 16ના વેચાણ અને પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. ભારતથી ઈન્ડોનેશિયા જનારા પ્રવાસીઓની સંખ્યા હજારોમાં છે, જેના કારણે તેઓ પણ આ પ્રતિબંધથી પ્રભાવિત થશે. જો તમે iPhone 16 લઈને ઈન્ડોનેશિયા જઈ રહ્યા છો તો તમારો ફોન ત્યાં કામ નહીં કરે. આવી સ્થિતિમાં તમારે સેકન્ડરી સ્માર્ટફોન સાથે રાખવાની જરૂર પડશે.