શું કસરત કરવાથી હૃદયરોગનો હુમલો આવી શકે? જાણી લો હાર્ટ એટેક અને કાર્ડિયક અરેસ્ટ વચ્ચેનો સાચો તફાવત
છેલ્લા કેટલાક વર્ષોમાં લોકોમાં ફિટનેસ અને સ્વસ્થ જીવનશૈલી પ્રત્યેની જાગૃતિ ખૂબ ઝડપથી વધી છે. નિરોગી રહેવા માટે હવે મોટી સંખ્યામાં લોકો દરરોજ જિમ જઈ રહ્યા છે, રનિંગ, સાયકલિંગ અને વિવિધ રમતોમાં ભાગ લઈ રહ્યા છે. પરંતુ, આ સકારાત્મક બદલાવ વચ્ચે જિમ અથવા ખેલના મેદાનમાં અચાનક હાર્ટ એટેક કે કાર્ડિયક અરેસ્ટથી લોકોના મોત થવાના કિસ્સાઓમાં પણ ચિંતાજનક વધારો જોવા મળ્યો છે. આ સ્થિતિમાં સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે શું કસરત કરવી ખરેખર હૃદય માટે જોખમી છે?

દિલ્હી સ્થિત ફોર્ટિસ હોસ્પિટલના સિનિયર ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ ડો. આશિષ જય કિશને વર્કઆઉટ અને હૃદયરોગના હુમલા વચ્ચેના સંબંધ અને તેના પાછળના મુખ્ય કારણો વિશે વિગતવાર સમજણ આપી છે.
શું વર્કઆઉટ કે કસરત જ હાર્ટ એટેકનું મૂળ કારણ છે?
ડો. આશિષના જણાવ્યા મુજબ, આનો સ્પષ્ટ જવાબ ‘ના’ છે. નિયમિત અને યોગ્ય પદ્ધતિથી કરવામાં આવતી કસરત હૃદયને તંદુરસ્ત રાખવા માટેનો સૌથી ઉત્તમ માર્ગ છે. જોકે, મુશ્કેલી ત્યારે ઊભી થાય છે જ્યારે કોઈ વ્યક્તિ પોતાની શારીરિક ક્ષમતા ધ્યાને લીધા વિના અચાનક ભારે વર્કઆઉટ શરૂ કરી દે છે અથવા તો શરીરમાં પહેલાથી જ રહેલી હૃદય સંબંધિત બીમારીથી અજાણ હોય છે.
અહીં એ સમજવું પણ જરૂરી છે કે હાર્ટ એટેક (Heart Attack) અને કાર્ડિયક અરેસ્ટ (Cardiac Arrest) બંને અલગ-અલગ સ્થિતિ છે:
હાર્ટ એટેક: જ્યારે હૃદયના સ્નાયુઓ સુધી લોહી પહોંચાડતી ધમનીઓમાં બ્લોકેજ કે રૂકાવટ આવે છે ત્યારે હાર્ટ એટેક આવે છે.
કાર્ડિયક અરેસ્ટ: જ્યારે હૃદયની ઇલેક્ટ્રિકલ સિસ્ટમમાં ગરબડ થાય છે અને હૃદય અચાનક પંપ કરવાનું બંધ કરી દે છે ત્યારે કાર્ડિયક અરેસ્ટ થાય છે.
ઘણા લોકોના હૃદયની સંરચના કે ઇલેક્ટ્રિકલ સિસ્ટમમાં જન્મજાત ખામી હોઈ શકે છે. દૈનિક કામગીરી દરમિયાન આ ખામીઓ સામે આવતી નથી, પરંતુ જ્યારે અચાનક અતિશય શારીરિક શ્રમ કરવામાં આવે ત્યારે હૃદયના ધબકારા અનિયંત્રિત થઈ જાય છે. જો પરિવારમાં નાની વયે અચાનક હાર્ટ એટેકથી મૃત્યુનો ઈતિહાસ હોય, તો ખાસ સાવચેતી રાખવી જોઈએ. કસરત કરતી વખતે ચક્કર આવવા, બેભાન થઈ જવું, ધબકારા અચાનક વધી જવા કે છાતીમાં અસ્વસ્થતા અનુભવાય તો તેને સામાન્ય થાક ગણીને ક્યારેય અવગણવું જોઈએ નહીં.

વર્કઆઉટ દરમિયાન હાર્ટ એટેક કેમ આવે છે? મુખ્ય કારણો
1. કોરોનરી આર્ટરી ડિસીઝ (Coronary Artery Disease): વર્કઆઉટ કરતી વખતે હૃદયને વધારાના ઓક્સિજન અને લોહીની જરૂર પડે છે. જો કોઈ વ્યક્તિની ધમનીઓમાં પહેલાથી જ પ્લાક્સ (પ્લેક) કે સાંકડાપણું હોય, તો અચાનક લોહીનો પ્રવાહ વધવાથી હુમલો આવી શકે છે. શરૂઆતી તબક્કામાં કોરોનરી આર્ટરી ડિસીઝના કોઈ લક્ષણો દેખાતા નથી. તેથી, વ્યક્તિ બહારથી ગમે તેટલી ફિટ દેખાતી હોય કે તેની ઉંમર ઓછી હોય, તેનો અર્થ એ નથી કે તેનું હૃદય સંપૂર્ણપણે સ્વસ્થ છે.
2. અચાનક હાઈ ઈન્ટેન્સિટી વર્કઆઉટ (High-Intensity Exercise): લાંબા સમયથી શારીરિક રીતે નિષ્ક્રિય (In-active) રહેલી વ્યક્તિ જો અચાનક ભારે વજન ઊંચકવાનું, ઝડપથી દોડવાનું કે હાઈ ઈન્ટેન્સિટી એક્સરસાઈઝ કરવાનું શરૂ કરે તો હૃદય પર અચાનક અતિશય દબાણ આવે છે. જે લોકોએ લાંબા સમયથી કસરત નથી કરી, તેમણે ધીમે ધીમે શરૂઆત કરવી જોઈએ.
3. ધૂમ્રપાન, નિકોટીન અને સપ્લીમેન્ટ્સનો અતિશય વપરાશ: આજના સમયમાં ઘણા યુવાનો કસરત કરતા પહેલા એનર્જી ડ્રિંક્સ, કેફીન કે પ્રી-વર્કઆઉટ સપ્લીમેન્ટ્સ લેતા હોય છે. ધૂમ્રપાન અને નિકોટીનનું સેવન પણ હૃદય માટે અત્યંત જોખમી છે. આવા સ્ટીમ્યુલન્ટ્સનો વધુ પડતો ઉપયોગ હૃદયની સિસ્ટમ પર વધારાનું દબાણ લાવે છે. દરેક વ્યક્તિનું શરીર અલગ હોય છે, તેથી અન્ય કોઈનું રૂટિન જોઈને વગર વિચારે પ્રી-વર્કઆઉટ સપ્લીમેન્ટ્સ લેવાનું ટાળવું જોઈએ.
