WPI Inflation: ભારતની નવી WPI સિરીઝ લાગુ: હવે વધુ સચોટ માપી શકાશે દેશની મોંઘવારી
મે 2026માં દેશના જથ્થાબંધ ભાવ સૂચકાંક (WPI) ફુગાવામાં મોટો ઉછાળો નોંધાયો છે, જે એપ્રિલના 8.26% થી વધીને 9.68% પર પહોંચ્યો છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આ આંકડાઓમાં સૌથી મહત્વનો ફેરફાર નવું આધાર વર્ષ છે—સરકારે હવે WPI ની ગણતરી માટે 2011-12 ના સ્થાને 2022-23 ને આધાર વર્ષ બનાવ્યું છે.

ઉર્જા ક્ષેત્રનું દબાણ
મોંઘવારીમાં આ વધારાનું મુખ્ય કારણ ‘ઈંધણ અને વીજળી’ ક્ષેત્ર રહ્યું છે. મે મહિનામાં આ ક્ષેત્રનો ફુગાવો વધીને 30.33% (એપ્રિલમાં 24.89%) થયો હતો. ખાસ કરીને, પેટ્રોલિયમ ઉત્પાદનોમાં 49.82% અને ક્રૂડ ઓઇલ અને કુદરતી ગેસમાં 61.51% નો તોતિંગ વધારો જોવા મળ્યો હતો. તેનું મુખ્ય કારણ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલો સંઘર્ષ છે, જેણે વૈશ્વિક ઓઇલ સપ્લાય ચેઇનને ગંભીર રીતે પ્રભાવિત કરી છે.
અન્ય ક્ષેત્રોની સ્થિતિ
પ્રાથમિક વસ્તુઓ: ખેતી અને ખાણકામ સાથે જોડાયેલી વસ્તુઓનો ફુગાવો 4.99% રહ્યો હતો. જેમાં નોન-ફૂડ આર્ટિકલ્સમાં 9.49% નો વધારો થયો છે.
મેન્યુફેક્ચર્ડ પ્રોડક્ટ્સ: તેની ફુગાવાનો દર એપ્રિલના 6.68% થી વધીને 7.48% થયો છે, જેમાં કેમિકલ્સ, બેઝિક મેટલ્સ અને ટેક્સટાઈલના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.
ખાદ્ય પદાર્થો: WPI ફૂડ ઈન્ડેક્સ 4.49% પર રહ્યો હતો. જોકે ખાદ્ય તેલ અને માંસ-માછલી મોંઘા થયા છે, પરંતુ રાહતની વાત એ છે કે કઠોળ, બટાકા અને ડુંગળીના ભાવ હજુ પણ ગયા વર્ષની સરખામણીમાં નિયંત્રણમાં છે.

નવી WPI શ્રેણી અને સુધારા
સરકારે નવી શ્રેણીમાં વસ્તુઓની સંખ્યા 697 થી વધારીને 957 કરી છે, જેથી અર્થતંત્રનું સચોટ ચિત્રણ મળી શકે. સાથે જ, હવે ‘આઉટપુટ પ્રોડ્યુસર પ્રાઈસ ઈન્ડેક્સ’ અને ‘સર્વિસ પ્રોડ્યુસર પ્રાઈસ ઈન્ડેક્સ’ પણ બહાર પાડવામાં આવી રહ્યા છે, જેમાં બેંકિંગ, વીમો, રેલ્વે અને ટેલિકોમ જેવી સેવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જૂન 2026 માટેનો આગામી WPI રિપોર્ટ 14 જુલાઈના રોજ આવશે.
