WhatsApp: WhatsApp પર ઠગાઈનો ડર? આ સુરક્ષા સેટિંગ્સ તમને રાખશે સુરક્ષિત
આજના ડિજિટલ યુગમાં ઓનલાઇન છેતરપિંડીના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. સાઇબર ગુનેગારો લોકોને ઠગવા માટે અવનવા રસ્તાઓ શોધી રહ્યા છે. ક્યારેક તેઓ બેંક અધિકારી બનીને કોલ કરે છે, તો ક્યારેક ડિલિવરી એજન્ટ કે સરકારી કર્મચારી બનીને ગ્રાહકોને ફસાવે છે. તેમનો મુખ્ય હેતુ OTP, બેંકિંગ વિગતો કે અન્ય ખાનગી માહિતી ચોરવાનો હોય છે. આ જોખમોને ધ્યાનમાં રાખીને, WhatsApp એ ઘણા નવા સુરક્ષા ફીચર્સ રજૂ કર્યા છે, જે યુઝર્સને સ્કેમ ઓળખવામાં અને પોતાના એકાઉન્ટને સુરક્ષિત રાખવામાં મદદ કરે છે.

૧. સાયલન્સ અનનોન કોલર્સ (Silence Unknown Callers)
ઘણીવાર આપણે અજાણ્યા નંબર પરથી આવતા કોલથી પરેશાન થઈ જઈએ છીએ. WhatsApp નું ‘Silence Unknown Callers’ ફીચર તમારી કોન્ટેક્ટ લિસ્ટમાં ન હોય તેવા નંબર પરથી આવતા કોલને આપમેળે સાયલન્ટ કરી દે છે. આનો અર્થ એ નથી કે કોલ ડિલીટ થઈ જાય છે, પરંતુ તે તમારા ફોનમાં રિંગ વાગવાને બદલે માત્ર નોટિફિકેશન ટેબમાં દેખાશે. આનાથી સ્કેમર્સ દ્વારા કરવામાં આવતી ગભરાટ કે દબાણની સ્થિતિમાંથી બચી શકાય છે.
૨. કોન્ટેક્ટ કાર્ડ્સ (Context Cards)
જ્યારે કોઈ અજાણ્યા નંબર પરથી મેસેજ આવે છે, ત્યારે WhatsApp હવે વધારાની માહિતી દર્શાવે છે. આમાં તે વ્યક્તિ તમારી કોન્ટેક્ટ લિસ્ટમાં છે કે નહીં, તમે બંને કોઈ કોમન ગ્રુપમાં છો કે નહીં, અને તે એકાઉન્ટ નવું છે કે જૂનું, તેવી વિગતો સામેલ હોય છે. આ માહિતી યુઝર્સને તરત જ નિર્ણય લેવામાં મદદ કરે છે કે સામેની વ્યક્તિ વિશ્વાસપાત્ર છે કે નહીં. જો કંઈપણ શંકાસ્પદ લાગે, તો તમે તરત જ તે નંબરને બ્લોક કે રિપોર્ટ કરી શકો છો.
૩. સ્ક્રીન શેરિંગ વોર્નિંગ (Screen Share Warning)
સાયબર ઠગ વિડિયો કોલ દરમિયાન લોકોને પોતાની સ્ક્રીન શેર કરવા માટે મનાવે છે. એકવાર સ્ક્રીન શેર થઈ જાય એટલે તેઓ તમારી બેંકિંગ એપ્સ, OTP કે અન્ય ખાનગી વિગતો જોઈ શકે છે. આ જોખમને ઘટાડવા માટે, જ્યારે તમે કોઈ અજાણી વ્યક્તિ સાથે સ્ક્રીન શેર કરવાનો પ્રયાસ કરો છો, ત્યારે WhatsApp હવે એક ચેતવણી સંદેશ (Warning Message) બતાવે છે. આ એલર્ટ તમને ફરીથી વિચારવાની તક આપે છે અને તમારી અંગત માહિતી લીક થતી અટકાવે છે.

૪. ડિવાઇસ લિંકિંગ એલર્ટ્સ (Device Linking Alerts)
ગુનેગારો ઘણીવાર તમારા WhatsApp એકાઉન્ટને બીજા ડિવાઇસ પર લિંક કરવાનો પ્રયાસ કરે છે જેથી તેઓ તમારી ચેટ્સ વાંચી શકે. હવે, WhatsApp આવા કોઈપણ પ્રયાસની જાણકારી યુઝરને તરત જ નોટિફિકેશન દ્વારા આપે છે. નોટિફિકેશનમાં એ પણ જણાવવામાં આવે છે કે લિંકિંગ રિક્વેસ્ટ ક્યાંથી આવી છે. જો તે વિનંતી શંકાસ્પદ હોય, તો તેને તરત જ રદ (Cancel) કરી શકાય છે, જેનાથી એકાઉન્ટને અનધિકૃત એક્સેસથી બચાવી શકાય છે.
૫. ટુ-સ્ટેપ વેરિફિકેશન (Two-Step Verification)
આ સુરક્ષાનું સૌથી મજબૂત કવચ છે. એકવાર આ ફીચર એક્ટિવ કર્યા પછી, જ્યારે પણ તમે એકાઉન્ટને રીસેટ કે વેરિફાય કરશો, ત્યારે તમારે છ અંકનો ખાસ PIN દાખલ કરવો પડશે. જો કોઈ સ્કેમરને તમારો વેરિફિકેશન કોડ મળી પણ જાય, તો પણ તે આ PIN વગર તમારા એકાઉન્ટને એક્સેસ કરી શકશે નહીં.
