WhatsApp: શું તમે WhatsApp અવતાર વાપરો છો? સાવધાન, હવે એપમાં જોવા નહીં મળે આ કસ્ટમાઇઝેશન ફીચર.
વિશ્વના સૌથી લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મ WhatsAppમાં એક એવો ફેરફાર થવા જઈ રહ્યો છે જે કદાચ ઘણા યુઝર્સના ધ્યાન પર પણ નહીં આવે. અહેવાલો અનુસાર, મેટા હવે એપમાંથી ‘અવતાર’ (Avatar) ફીચરને ધીમે-ધીમે દૂર કરી રહી છે. આ ફેરફાર એન્ડ્રોઇડ અને iOS બંને પ્લેટફોર્મ પર તબક્કાવાર રીતે લાગુ કરવામાં આવી રહ્યો છે.

શું હતું આ અવતાર ફીચર?
આ ફીચર દ્વારા યુઝર્સ પોતાના જેવો જ એક ‘ડિજિટલ કેરેક્ટર’ બનાવી શકતા હતા. તેમાં ચહેરાના હાવભાવ, હેરસ્ટાઇલ, કપડાં અને અન્ય ઘણી કસ્ટમાઇઝેશન સુવિધાઓ મળતી હતી. આ અવતારને પ્રોફાઇલ ફોટો તરીકે અથવા ચેટિંગ દરમિયાન સ્ટીકર તરીકે વાપરી શકાતો હતો. કંપનીએ તાજેતરમાં જ તેમાં એનિમેશન અને ડ્યુઅલ-પ્રોફાઇલ જેવા નવા અપડેટ્સ પણ ઉમેર્યા હતા, પરંતુ તેમ છતાં હવે તેને વિદાય આપવામાં આવી રહી છે.
નવા અપડેટ પછી શું થશે?
વોટ્સએપના નવા અપડેટ બાદ યુઝર્સના અનુભવમાં નીચે મુજબના ફેરફારો જોવા મળશે:
એડિટિંગ બંધ: યુઝર્સ હવે નવો અવતાર બનાવી શકશે નહીં કે જૂના અવતારમાં કોઈ ફેરફાર કરી શકશે નહીં.
સેટિંગ્સમાંથી ગાયબ: સેટિંગ્સ મેનૂ, ચેટ ઇન્ફો અને કીબોર્ડમાંથી પણ અવતારનો વિકલ્પ હટાવી દેવામાં આવ્યો છે.
નોટિફિકેશન: ઘણા યુઝર્સને એપમાં મેસેજ મળવા લાગ્યા છે કે ‘અવતાર એડિટિંગ હવે ઉપલબ્ધ નથી’. કેટલાક કિસ્સાઓમાં તો આખું અવતાર સેક્શન જ ગાયબ થઈ ચૂક્યું છે.

શું જૂના સ્ટીકરો પણ ડિલીટ થઈ જશે?
જો તમે પહેલાથી જ અવતાર સ્ટીકરોનો ઉપયોગ કર્યો છે, તો તમારા માટે રાહતના સમાચાર છે. તમારા ફેવરિટ અથવા રિસેન્ટ સ્ટીકર્સમાં સેવ કરેલા અવતાર સ્ટીકરો તરત જ ગાયબ નહીં થાય. તમે તેનો ઉપયોગ કરી શકશો, પરંતુ નવા સ્ટીકરો જનરેટ કરવા કે કીબોર્ડ પરથી તેને એક્સેસ કરવું હવે શક્ય બનશે નહીં.
મેટાએ આ નિર્ણય કેમ લીધો?
જોકે મેટાએ સત્તાવાર રીતે કોઈ કારણ જાહેર કર્યું નથી, પરંતુ ટેક એક્સપર્ટ્સનું માનવું છે કે આ ફીચરને ધાર્યા મુજબની લોકપ્રિયતા મળી નથી. મોટાભાગના યુઝર્સ હજુ પણ પોતાની અસલી પ્રોફાઇલ ફોટો, ઇમોજી અને સામાન્ય સ્ટીકરોનો જ વધુ ઉપયોગ કરવાનું પસંદ કરે છે. પ્લેટફોર્મ પરથી બિનજરૂરી ફીચર્સ હટાવીને એપને વધુ હળવી અને યુઝર-ફ્રેન્ડલી બનાવવાનો આ કંપનીનો પ્રયાસ હોઈ શકે છે.
