ડિજિટલ પેમેન્ટ્સમાં વોટ્સએપની મોટી છલાંગ: વીજળી, પાણી અને ગેસ બિલ પેમેન્ટ માટે શરૂ થઈ નવી સુવિધા
ટેક ક્ષેત્રની અગ્રણી કંપની મેટાના માલિકી હક ધરાવતા વોટ્સએપે (WhatsApp) ભારતમાં તેની યુઝર બેઝ માટે એક મોટી સુવિધા શરૂ કરવાની જાહેરાત કરી છે. હવે ભારતીય ગ્રાહકો મેસેજિંગ એપ વોટ્સએપના માધ્યમથી જ વીજળી, ગેસ, પાણી, ફાસ્ટેગ, ઇન્સ્યુરન્સ અને ક્રેડિટ કાર્ડ જેવા દૈનિક વપરાશના તમામ બિલની ચુકવણી સરળતાથી કરી શકશે. કંપનીના જણાવ્યા અનુસાર, ભારત કનેક્ટ (BBPS) નેટવર્ક સાથેની ભાગીદારી હેઠળ ગ્રાહકોને ૩૦ થી વધુ શ્રેણીઓમાં ૨૨,૭૨૨ થી વધુ બિલર્સ સુધી સીધી પહોંચ મળશે.

સંદેશ મોકલવા જેટલું સરળ બનશે બિલ પેમેન્ટ
મેટા (ઇન્ડિયા) ના કન્ટ્રી હેડ અરુણ શ્રીનિવાસના જણાવ્યા અનુસાર, ભારતમાં કરોડો લોકો દૈનિક ધોરણે મિત્રો, પરિવારો અને વ્યવસાયો સાથે જોડાવા માટે વોટ્સએપનો ઉપયોગ કરે છે. હવે આ પ્લેટફોર્મ પર બિલ પેમેન્ટ સુવિધા શરૂ થવાથી ગ્રાહકોને અલગ-અલગ એપ્લિકેશન્સ ડાઉનલોડ કરવાની કે ચૂકવણીની તારીખો યાદ રાખવાની જરૂર રહેશે નહીં.
વોટ્સએપનો હેતુ ચેટ કરવા જેટલી જ સરળતાથી અને સુરક્ષિત રીતે બિલ ચૂકવવાનો છે. આ નવી સર્વિસ એન્ડ્રોઇડ અને આઇઓએસ (iOS) ના તમામ યુઝર્સ માટે તબક્કાવાર રીતે દેશભરમાં રોલઆઉટ કરવામાં આવી રહી છે.

વોટ્સએપ બિલ પેમેન્ટના મુખ્ય ફીચર્સ
વોટ્સએપે ગ્રાહકોના અનુભવને વધુ બહેતર બનાવવા માટે કેટલાક ખાસ ફીચર્સ ઉમેર્યા છે:
ઓટો બિલ ફેચ (Bill Fetch): જે બિલર્સને અગાઉ પેમેન્ટ કરવામાં આવ્યું હોય, તેમના બિલ આપમેળે ફેચ થઈને ‘પેમેન્ટ્સ હોમ’ સ્ક્રીન પર દેખાશે, જેથી એક જ ટેપમાં બિલ ચૂકવી શકાશે.
મલ્ટિપલ એકાઉન્ટ મેનેજમેન્ટ: એક જ પ્રોવાઇડર હેઠળ યુઝર્સ પોતાના ઘર, ઓફિસ કે પરિવારના સભ્યોના અલગ-અલગ બિલ એક જ જગ્યાએથી મેનેજ કરી શકશે.
ટ્રેન્ડિંગ અને પોપ્યુલર કેટેગરીઝ: વધુ વપરાશમાં લેવાતી બિલ કેટેગરીઝ હોમ સ્ક્રીન પર દેખાશે, જ્યારે ૨૦ થી વધુ અન્ય કેટેગરીઝ જોવા માટે ‘સી ઓલ’ (See All) નો વિકલ્પ મળશે.
વિવિધ પેમેન્ટ વિકલ્પો: ગ્રાહકો પોતાની અનુકૂળતા મુજબ UPI, ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડ દ્વારા ચુકવણી કરી શકશે.
ભારતમાં UPI વ્યવહારોએ બનાવ્યો નવો રેકોર્ડ
વોટ્સએપ દ્વારા આ ફીચર એવા સમયે લોન્ચ કરવામાં આવ્યું છે જ્યારે ભારતમાં UPI ટ્રાન્ઝેક્શન્સ સતત ઓલ-ટાઇમ હાઇ લેવલ બનાવી રહ્યા છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) ના તાજેતરના આંકડા મુજબ, ઓગસ્ટ ૨૦૨૬ માં ૨૪.૫૧ અબજથી વધુ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન્સ નોંધાયા હતા, જેની કુલ કિંમત ૨૯.૮૨ લાખ કરોડ રૂપિયાથી વધુ હતી.
આંકડા દર્શાવે છે કે વાર્ષિક ધોરણે ટ્રાન્ઝેક્શનની સંખ્યામાં ૨૨ ટકા અને વેલ્યુમાં ૨૦ ટકાનો જંગી વધારો થયો છે. દેશમાં દૈનિક સરેરાશ ૭૯૧ મિલિયન ટ્રાન્ઝેક્શન પ્રોસેસ થઈ રહ્યા છે.
UPI ના ૧૦ વર્ષ: ૪૯% ગ્લોબલ રિયલ-ટાઇમ પેમેન્ટ્સ ભારતમાં
એપ્રિલ ૨૦૧૬ માં શરૂ થયેલા UPI ને ૧૦ વર્ષ પૂર્ણ થયા છે. આ એક દાયકામાં વાર્ષિક ટ્રાન્ઝેક્શન ૨ કરોડથી વધીને ૨૪,૧૬૧ કરોડથી વધુ થઈ ગયા છે. આજે વૈશ્વિક સ્તરે થતા કુલ રિયલ-ટાઇમ ડિજિટલ પેમેન્ટ્સમાંથી લગભગ ૪૯ ટકા હિસ્સો એકલા ભારતનો છે. આ સિવાય, યુએઈ, સિંગાપોર, ફ્રાન્સ, ભૂતાન, નેપાળ, શ્રીલંકા, મોરેશિયસ અને કતાર જેવા ૮ દેશોમાં પણ યુપીઆઈ સેવાઓ કાર્યરત થઈ ચૂકી છે.
વિશ્લેષણ મુજબ, ૬૩ ટકા ટ્રાન્ઝેક્શન નાના વેપારીઓને થતી ચૂકવણી (P2M) ના છે, જેમાં ૮૬ ટકા વ્યવહારો ૫૦૦ રૂપિયાથી ઓછી રકમના છે. વોટ્સએપના આ નવા કદમથી દેશના દૂર-સુદૂરના વિસ્તારો સુધી ડિજિટલ પેમેન્ટ્સનો વ્યાપ વધુ ઝડપથી વિસ્તાર પામશે.
