નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા કચ્છનાં સરહદી વિસ્તારનાં ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્વારા નર્મદાનાં વધારાનાં પાણીનાં સંગ્રહ અને વિતરણ માટેનાં ૨૩૦૪ કરોડનાં કામોની વહીવટી મંજૂરી મળી ગઈ છે. ત્યારે ફેઝ ટૂ માં સધર્ન લિંક અને નોર્ધન લિંક માટે ૨૩૦૪ કરોડની વહીવટી મંજૂરી આપવામાં આવી છે. સધર્ન લીંક માટે સરકાર દ્વારા ૧૪૨૧ કરોડ તો નોર્ધન લિંક માટે ૮૮૩ કરોડની વહીવટી મંજૂરી મળી છે.
કચ્છ જીલ્લાને નર્મદાનાં પૂરનાં વધારાના ૧ મીલીયન એકર ફીટ પાણીનાં યોગ્ય સંગ્રહ, આયોજન અને વિતરણ માટે ૨ તબક્કા અંતર્ગત સર્ધન લીંક અને નોર્થન લીંકની કામગીરી ૨૩૦૪.૯૨ કરોડના અંદાજીત ખર્ચનાં કામોને વહીવટી મંજૂરી આપવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે.
રાજ્યમાં સિઝનનો કુલ ૭૯.૩૩ ટકા વરસાદ પડ્યો છે. જેમાં કચ્છ ઝોનમાં ૧૩૫.૮૦ ટકા, સૌરાષ્ટ્રમાં ૧૦૯.૦૪ ટકા, ઉત્તર ગુજરાતમાં ૬૬.૮૫ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૭૦.૫૦ ટકા, પૂર્વ- મધ્ય ગુજરાતમાં ૬૩.૪૭ ટકા વરસાદ પડ્યો છે. ત્યારે સીઝનનો સૌથી વધુ વરસાદ કચ્છ ઝોનમાં જ્યારે સૌથી ઓછો વરસાદ પૂર્વ મધ્ય ગુજરાત ઝોનમાં પડ્યો છે.
ભારે વરસાદ પડતા નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. નર્મદા ડેમની જળસપાટી ૧૨૯.૮૫ મીટર પહોંચી છે.
ઉપરવાસમાં વરસાદથી ડેમમાં ૪૯ હજાર ક્યુસેક પાણીની આવક થઈ છે. ડેમમાંથી પાણી છોડાતા હાલ જળસપાટી સ્થિર છે. વિયર ડેમ કમ કોઝ-વે ૨ મીટર પરથી ઓવરફ્લો થયો હતો. ડેમમાંથી ૫૦ હજાર ક્યુસેક પાણી નદીમાં છોડાયું હતું. જેથી નદીકાંઠેનાં તમામ ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા.જળસંગ્રહની સ્થિતિમાં રાજ્યમાં ૨૦૭ જળાશયોમાં અત્યાર સુધી ૭૨.૦૬ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જેમાં સરદાર સરોવર યોજનામાં કુલ જળસંગ્રહ શક્તિનાં ૭૫.૧૯ ટકા જેટલો સંગ્રહ થયો છે. ૧૦૦ ટકાથી વધુ જળસંગ્રહ થયો હોય તેવા ૬૫ જળાશય, ૯૦ થી ૧૦૦ ટકા જળસંગ્રહ થયો હોય તેવા ૨૭ જળાશય, ૮૦ થી ૯૦ ટકા જળસંગ્રહ થયો હોય તેવા ૨૭ જળાશય જ્યારે ૭૦ થી ૮૦ ટકા જળસંગ્રહ થયો હોય તેવા ૯ જળાશય છે.