કેમ ગરમીમાં એસીના કોમ્પ્રેસર ફાટે છે? દુર્ઘટના ટાળવા માટે આ ૫ બાબતોનું ખાસ ધ્યાન રાખો
એસીમાં બ્લાસ્ટ થવો એ કોઈ સામાન્ય ઘટના નથી, તેના માટે ટેકનિકલ ખામીઓ અને બેદરકારી જવાબદાર હોય છે.
એસી બ્લાસ્ટ થવાના મુખ્ય કારણો
કોમ્પ્રેસર પર દબાણ: જ્યારે એસીના કોમ્પ્રેસરમાં દબાણ મર્યાદા કરતા વધી જાય છે, ત્યારે તે ફાટવાની શક્યતા રહે છે.
ઓવરહીટિંગ: એસીને સતત અનેક કલાકો સુધી વગર અટક્યે ચલાવવાથી મશીન ગરમ થઈ જાય છે, જે આગ લાગવાનું કારણ બની શકે છે.
ધૂળ અને ગંદકી: આઉટડોર યુનિટના કોઈલ પર ધૂળ જામવાને કારણે હવાની અવરજવર અટકે છે, જેનાથી કોમ્પ્રેસર પર લોડ વધે છે.
ગેસ લીકેજ અને સ્પાર્કિંગ: જો એસીમાંથી ગેસ લીક થઈ રહ્યો હોય અને તે જ સમયે વાયરિંગમાં સ્પાર્કિંગ થાય, તો તે ભયાનક બ્લાસ્ટમાં પરિણમી શકે છે.
વોલ્ટેજમાં વધ-ઘટ: વારંવાર વોલ્ટેજ ફ્લકચ્યુએશન થવાથી અથવા નબળા વાયરિંગને કારણે પણ એસીમાં શોર્ટ સર્કિટ થઈ શકે છે.

એસીને બ્લાસ્ટ થતું કેવી રીતે અટકાવવું?
થોડી સાવચેતી અને નિયમિત દેખરેખ રાખીને તમે આ ખતરાને ટાળી શકો છો:
નિયમિત સર્વિસ: દર 6 મહિને અથવા ઉનાળો શરૂ થતા પહેલા એસીની પ્રોપર સર્વિસ કરાવો.
ગેસ લીકેજ તપાસ: સર્વિસિંગ દરમિયાન ટેકનિશિયન પાસે ખાસ ચેક કરાવો કે ક્યાંયથી ગેસ લીક તો નથી થઈ રહ્યો ને.
ફિલ્ટર અને કોઈલની સફાઈ: એસીના ફિલ્ટર અને કોઈલને નિયમિત સાફ રાખો જેથી હવાનું સર્ક્યુલેશન બરાબર રહે.
વાયરિંગની ચકાસણી: એસીના વાયરિંગ અને પ્લગ ઉચ્ચ ગુણવત્તાના હોવા જોઈએ. જો વાયરિંગ જૂનું થઈ ગયું હોય તો તેને બદલાવી નાખો.
સ્ટેબિલાઇઝરનો ઉપયોગ: વોલ્ટેજની વધ-ઘટથી બચવા માટે સારા સ્ટેબિલાઇઝરનો ઉપયોગ કરો.
આરામ આપો: એસીને સતત 24 કલાક ચલાવવાને બદલે વચ્ચે થોડો સમય બંધ રાખી તેને આરામ આપો જેથી તે ઓવરહીટ ન થાય.

