US Politics: ૧૩,૫૦૦ કરોડનો વિવાદ: ટ્રમ્પ શાસનમાં સરકારી પ્રોજેક્ટ્સનો અંગત ઉપયોગ?
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર વિવાદોના વંટોળમાં ઘેરાઈ ગયા છે. આ વખતે વિવાદનું કેન્દ્ર કઝાકિસ્તાન સાથેની એક વિશાળ સરકારી ડીલ છે. ‘ધ ન્યૂયોર્ક ટાઈમ્સ’ના એક અહેવાલે અમેરિકન રાજકારણમાં ભૂકંપ સર્જ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે આ ડીલથી માત્ર અમેરિકાને જ નહીં, પરંતુ ટ્રમ્પ પરિવાર અને તેમના વહીવટીતંત્રના નજીકના લોકોના ખિસ્સા પણ ભરાઈ રહ્યા છે.

૧૩,૫૦૦ કરોડ રૂપિયાની વિવાદાસ્પદ ડીલ
અહેવાલ મુજબ, અમેરિકાએ કઝાકિસ્તાન સાથે દુનિયાના સૌથી મોટા ટંગસ્ટન ભંડારને વિકસાવવા માટે ૧.૬ અબજ ડોલર (આશરે ૧૩,૫૦૦ કરોડ રૂપિયા)નો સમજૂતી કરાર કર્યો છે. આ સમજૂતી સપાટી પર રાષ્ટ્રીય સુરક્ષા માટે હોવાનું જણાવાય છે, પરંતુ તેના આંતરિક પડઘા કંઈક અલગ જ વાર્તા કહી રહ્યા છે. આ પરિયોજના સાથે ટ્રમ્પના પુત્રો અને વાણિજ્ય મંત્રી હોવર્ડ લુટનિકના પરિવારનું નામ જોડાયેલું હોવાથી આખી પ્રક્રિયા પર શંકાના વાદળો ઘેરાયા છે.
ટંગસ્ટન: રાષ્ટ્રીય સુરક્ષા અને વ્યૂહાત્મક મહત્વ
ટંગસ્ટન એક દુર્લભ ખનીજ છે જેનું વ્યૂહાત્મક મહત્વ ખૂબ વધારે છે. હાલમાં વૈશ્વિક ટંગસ્ટન માર્કેટ પર ચીનનો એકહથ્થુ કાબૂ છે અને ચીન સતત તેના નિકાસ પર નિયંત્રણો લાદી રહ્યું છે. ટંગસ્ટનનો ઉપયોગ મિસાઇલ વોરહેડ્સ, લડાકુ વિમાનો, સેમિકન્ડક્ટર્સ અને અત્યાધુનિક સૈન્ય ટેકનોલોજીમાં થાય છે. અમેરિકા આ ડીલ દ્વારા ચીન પરની પોતાની નિર્ભરતા ઘટાડવા માંગે છે. આ ઉદ્દેશ્ય યોગ્ય હોવા છતાં, તેની અમલીકરણની રીત ‘અમેરિકા ફર્સ્ટ’ની નીતિને જાણે કે ‘ટ્રમ્પ પરિવાર ફર્સ્ટ’માં ફેરવી રહી હોય તેવી છાપ ઉભી કરી રહી છે.

સરકારી વાટાઘાટો અને રોકાણનો તાલમેલ
રિપોર્ટ મુજબ, આ ડીલ પાછળ એક સુનિયોજિત પદ્ધતિ જોવા મળે છે. સપ્ટેમ્બર ૨૦૨૫માં ન્યૂયોર્કના સેન્ટ રેજિસ હોટલમાં વાણિજ્ય મંત્રી હોવર્ડ લુટનિક અને કઝાકિસ્તાનના રાષ્ટ્રપતિ કાસિમ-જોમાર્ટ તોકાયેવ વચ્ચે બેઠક યોજાઈ હતી. આ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે જાતે ફોન કરીને કઝાકિસ્તાનના રાષ્ટ્રપતિને આ પ્રોજેક્ટ માટે મનાવ્યા હતા.
આશ્ચર્યની વાત એ છે કે, જેવી આ સરકારી વાટાઘાટો આગળ વધી, તેવી જ રીતે ટ્રમ્પ પરિવાર અને લુટનિક પરિવાર સાથે સંકળાયેલી કંપનીઓએ આ પ્રોજેક્ટમાં રોકાણ કરવાનું શરૂ કરી દીધું. ‘ડોમિનારી સિક્યોરિટીઝ’ નામની એક કંપની, જે ટ્રમ્પ ટાવરમાંથી કાર્યરત છે અને જેમાં ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર તથા એરિક ટ્રમ્પની ૨૦ ટકા હિસ્સેદારી છે, તેણે આ માઈનિંગ પ્રોજેક્ટમાં હિસ્સો ખરીદ્યો છે. બીજી તરફ, લુટનિક પરિવારના સભ્યોની કંપની અને ‘કેન્ટર ફિટ્ઝગેરાલ્ડ’એ આ પ્રોજેક્ટ માટે ૨૧૦ મિલિયન ડોલરનું ભંડોળ એકત્ર કર્યું છે.
સરકારી તિજોરી પર કબજો?
આ વિવાદ માત્ર એક પ્રોજેક્ટ પૂરતો મર્યાદિત નથી. અહેવાલો મુજબ, ટ્રમ્પ અને લુટનિક પરિવાર સાથે જોડાયેલી કંપનીઓ ઓછામાં ઓછા ૧૪ એવા માઈનિંગ પ્રોજેક્ટ્સ સાથે સંકળાયેલી છે જેમને અમેરિકી સરકારનું સમર્થન પ્રાપ્ત છે. આ કંપનીઓ આશરે ૮.૯ અબજ ડોલરની સરકારી ગ્રાન્ટ, લોન અને અન્ય સબસિડી મેળવવાની રેસમાં છે. આ આંકડા સામાન્ય નાગરિકો માટે આઘાતજનક છે કારણ કે આ કરદાતાઓનો પરસેવાની કમાણી છે.
