ડોલર ઇન્ડેક્સ 4 વર્ષના નીચલા સ્તરે: વૈશ્વિક અર્થતંત્રમાં મોટા ફેરફારો વચ્ચે ભારતની શું છે વ્યૂહરચના?
વર્ષ 2026ના પ્રારંભિક આઠ મહિનામાં જ ડોલરમાં આશરે 10% સુધીનો મોટો ઘટાડો નોંધાયો છે. ડોલર ઇન્ડેક્સ (DXY) ઘટીને 95.44ના નીચલા સ્તરે પહોંચી ગયો હતો, જે છેલ્લા ચાર વર્ષનું સૌથી નીચું સ્તર છે. આ ઘટાડા પાછળ વૈશ્વિક રાજકીય અને આર્થિક ફેરફારો જવાબદાર છે.

ડોલરમાં ઘટાડા પાછળના 6 મુખ્ય કારણો
ડોલરમાં રેકોર્ડ ઘટાડો: અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળની શરૂઆત બાદથી ડોલરના મૂલ્યમાં સતત ઘસારો જોવા મળ્યો છે.
કેન્દ્રીય બેંકોનો બદલાયેલો અભિગમ: OMFIF ના સર્વે મુજબ, વિશ્વની 74 કેન્દ્રીય બેંકોમાંથી મોટાભાગની બેંકો હવે પોતાના અનામત ભંડોળ (Forex Reserves) માં ડોલરનું પ્રમાણ ઘટાડીને અન્ય વિકલ્પો તરફ વળી રહી છે.
પેટ્રોડોલર સિસ્ટમમાં તિરાડ: સાઉદી અરેબિયા સાથેનો દાયકાઓ જૂનો પેટ્રોડોલર કરાર પૂરો થતાં હવે કાચા તેલનો વેપાર ચીની યુઆન, યેન અને ભારતીય રૂપિયામાં પણ શક્ય બન્યો છે.
અમેરિકી આર્થિક પ્રતિબંધોની ઊંધી અસર: રશિયાના ડોલર રિઝર્વ સીઝ કરવાના અમેરિકાના પગલા પછી અન્ય દેશોમાં ડોલર પ્રત્યે અસુરક્ષાની ભય વ્યાપ્યો છે.
અમેરિકા પર 39 ટ્રિલિયન ડોલરનું દેવું: મે 2026 માં અમેરિકાનું સરકારી દેવું 39 ટ્રિલિયન ડોલરને પાર થઈ ગયું છે, જે તેની ‘જોખમ-મુક્ત’ છબી પર સવાલ ઊભા કરે છે.
વોલ સ્ટ્રીટની ચેતવણી: જેપી મોર્ગનના સીએમડી જેમી ડિમને ચેતવણી આપી છે કે જો અમેરિકા આર્થિક અને લશ્કરી ક્ષેત્રે મોખરે નહીં રહે, તો તે અનામત ચલણનો તાજ ગુમાવી દેશે.
શું ડોલરનો વિકલ્પ તૈયાર છે?
હાલમાં વૈશ્વિક રિઝર્વમાં ડોલરનો હિસ્સો ઘટીને આશરે 56.32% થયો છે. યુરોનો હિસ્સો 14% પર સ્થિર છે અને યુઆન હજુ ખૂબ નાના પાયે છે. જોકે, સોનું (Gold) ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે અને વૈશ્વિક અનામતમાં તેનો હિસ્સો 25% સુધી પહોંચી ગયો છે. મોટાભાગની કેન્દ્રીય બેંકો હવે સોનામાં રોકાણ વધારી રહી છે.

ભારત પર આ પરિસ્થિતિની અસર
ડોલર નબળો પડવાથી ભારત માટે ફાયદા અને નુકસાન બંને સ્થિતિઓ ઊભી થાય છે:
લાભ: ભારત કાચા તેલ અને સોનાનો મોટો આયાતકાર દેશ છે. ડોલર ઘટે તો આયાત બિલ ઘટે છે અને મોંઘવારી અંકુશમાં રહે છે. આ ઉપરાંત, વિદેશી કરજ ચૂકવવું સરળ બને છે અને FPI રોકાણ વધવાથી શેરબજાર મજબૂત થાય છે.
ગેરલાભ: ડોલર તૂટવાથી ભારતની નિકાસ (IT, ફાર્મા અને ટેક્સટાઇલ) મોંઘી બને છે. વળી, ભારતના વિદેશી હૂંડિયામણ ભંડોળના મૂલ્યમાં ઘટાડો થાય છે.
ભારતની વ્યાવહારિક વ્યૂહરચના
સૌથી રસપ્રદ વાત એ છે કે ભારત BRICS ના ‘ડી-ડોલરાઇઝેશન’ (De-dollarization) એજન્ડામાં અંધાધૂંધ સામેલ નથી. ભારતે સ્પષ્ટ કર્યું છે કે તે કોઈ નવીBRICS કરન્સી બનાવવાના પક્ષમાં નથી. ભારત પોતાના રાષ્ટ્રીય હિતો માટે રૂપિયામાં વેપાર (Rupee Trade) વધારી રહ્યું છે, પરંતુ અમેરિકા સાથે સીધો ઘર્ષણનો માર્ગ ટાળીને વ્યાવહારિક આર્થિક નીતિ અપનાવી રહ્યું છે.
