UPI પિન આપ્યો નહોતો છતાં ખાતામાંથી કપાયા ₹99,940, હવે SBIએ વ્યાજ સાથે પૈસા પરત કરવા પડશે
ડિજિટલ પેમેન્ટના વધતા ઉપયોગ વચ્ચે UPI ફ્રોડના કિસ્સાઓ પણ સતત સામે આવી રહ્યા છે. ત્યારે ચંડીગઢના એક ગ્રાહકને પાંચ વર્ષ જૂના UPI ફ્રોડ કેસમાં મોટી રાહત મળી છે. ચંડીગઢ રાજ્ય ગ્રાહક વિવાદ નિવારણ આયોગે ભારતીય સ્ટેટ બેંક (SBI)ને ગ્રાહકના ખાતામાંથી ગેરકાયદેસર રીતે ઉપાડવામાં આવેલી રકમ પરત કરવાની સાથે વાર્ષિક 9 ટકા વ્યાજ ચૂકવવાનો આદેશ આપ્યો છે.

SBIએ ₹99,940ની રકમ 9% વ્યાજ સાથે પરત કરવી પડશે
‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’ના અહેવાલ અનુસાર, ગ્રાહકના બેંક ખાતામાંથી કુલ ₹99,940ના પાંચ અનધિકૃત UPI ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા હતા. આયોગે SBIને સંપૂર્ણ રકમ પરત કરવા ઉપરાંત વાર્ષિક 9 ટકાના દરે વ્યાજ ચૂકવવાનો નિર્દેશ આપ્યો છે. આ ઉપરાંત ગ્રાહકને માનસિક તકલીફ અને કાનૂની ખર્ચ બદલ ₹10,000નું વળતર પણ આપવાનું રહેશે. આમ, વ્યાજ અને વળતર સહિત કુલ રિફંડ ₹1.5 લાખથી વધુ થવાની શક્યતા છે.
વર્ષ 2021માં ડિલિવરી એજન્ટે કેવી રીતે કર્યો હતો ફ્રોડ?
આ સમગ્ર ઘટના 20 જુલાઈ 2021ની છે. ફરિયાદી પાસે એક ડિલિવરી એજન્ટ આવ્યો હતો, જે ભૂલથી પહોંચાડવામાં આવેલા પાર્સલને પરત લેવા આવ્યો હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ તેણે રિફંડની પ્રક્રિયા કરવાના બહાને ગ્રાહક પાસેથી બેંક સંબંધિત વિગતો મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ગ્રાહક સતર્ક હતો અને તેણે પોતાનો UPI પિન આપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. તેમ છતાં, બીજા દિવસે તેની સાથે છેતરપિંડી થઈ હતી.
થોડી જ મિનિટોમાં ખાતામાંથી કપાઈ ગયા ₹99,940
21 જુલાઈ 2021ના રોજ બપોરે આશરે 2:50 વાગ્યે ગ્રાહકના મોબાઇલ પર એક પછી એક પાંચ ટ્રાન્ઝેક્શનના મેસેજ આવ્યા હતા. તેમાં ₹25,060ના ત્રણ ટ્રાન્ઝેક્શન, ₹24,560નું એક ટ્રાન્ઝેક્શન અને ₹200નું બીજું ટ્રાન્ઝેક્શન સામેલ હતું. આ રીતે કુલ ₹99,940 ખાતામાંથી ઉપાડી લેવામાં આવ્યા હતા. ગ્રાહકના જણાવ્યા પ્રમાણે, તેમણે કોઈ ટ્રાન્ઝેક્શનને મંજૂરી આપી નહોતી અને પોતાનો UPI પિન કે OTP પણ કોઈની સાથે શેર કર્યો નહોતો.

બેંકથી પોલીસ સુધી ફરિયાદ કરી, છતાં રિફંડ મળ્યું નહીં
ટ્રાન્ઝેક્શનની જાણ થતાં જ ગ્રાહકે પોતાનું બેંક ખાતું અને મોબાઇલ નંબર બ્લોક કરાવ્યાં હતાં. ત્યારબાદ તેમણે SBIને જાણ કરવાની સાથે ચંડીગઢ પોલીસ અને સાયબર સેલમાં પણ ફરિયાદ નોંધાવી હતી. ગ્રાહકના જણાવ્યા પ્રમાણે, હેડ ઓફિસ તરફથી મંજૂરી મળ્યાના 15 દિવસમાં રિફંડ પ્રક્રિયા પૂર્ણ થવાની હતી, પરંતુ લાંબા સમય સુધી કોઈ ઉકેલ આવ્યો નહોતો. વારંવાર બેંકના ધક્કા ખાવા છતાં તેમને રાહત મળી નહોતી.
બેંક સામે ગ્રાહક આયોગમાં પહોંચ્યો, પાંચ વર્ષ બાદ મળ્યો ન્યાય
બેંક તરફથી યોગ્ય જવાબ અને રિફંડ ન મળતાં ગ્રાહકે 9 ફેબ્રુઆરી 2022ના રોજ રિમાઇન્ડર મોકલ્યું હતું. તેમ છતાં સમસ્યાનો ઉકેલ ન આવતાં અંતે તેમણે ગ્રાહક વિવાદ નિવારણ આયોગનો દરવાજો ખખડાવ્યો હતો. લાંબી કાનૂની પ્રક્રિયા બાદ આયોગે SBIને ગ્રાહકને થયેલા નુકસાનની ભરપાઈ કરવાનો આદેશ આપ્યો છે. આ નિર્ણય ડિજિટલ પેમેન્ટ કરતા ગ્રાહકો માટે પણ મહત્વપૂર્ણ છે. જો UPI ફ્રોડ થાય તો તરત બેંક, સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 અને સંબંધિત પોલીસ વિભાગમાં ફરિયાદ નોંધાવવી જોઈએ. ફરિયાદના પુરાવા અને ટ્રાન્ઝેક્શનની વિગતો સાચવી રાખવી પણ જરૂરી છે.
