શું હવે 2,000થી વધુના UPI પેમેન્ટ પર લાગશે ચાર્જ? મોદી સરકારના નવા નોટિફિકેશન સામે કોંગ્રેસનો હલ્લાબોલ
નાણાકીય વ્યવહારોમાં ડિજિટલ મોડનો ઉપયોગ કરતા દેશના કરોડો લોકો માટે UPI (યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ) એક અત્યંત મહત્વપૂર્ણ સાધન બની ગયું છે. જોકે, કેન્દ્ર સરકાર દ્વારા 14 સપ્ટેમ્બર 2026ના રોજ જારી કરવામાં આવેલા નવા ગેઝેટ નોટિફિકેશન બાદ દેશમાં UPI લેવડદેવડ પર ચાર્જ લગાવવાને લઈને રાજકીય અને સામાજિક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. વિરોધ પક્ષ કોંગ્રેસે આ નિર્ણયને લઈને મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે અને તેને સામાન્ય જનતાના ખિસ્સા પર વધારાનો બોજ ગણાવ્યો છે.
કોંગ્રેસનો મોદી સરકાર પર સણસણતો આક્ષેપ
કોંગ્રેસે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ શેર કરીને સરકાર સામે મોરચો ખોલ્યો છે. કોંગ્રેસે દાવો કર્યો છે કે નરેન્દ્ર મોદી સરકાર સામાન્ય જનતા પાસેથી નાણાં વસૂલવાની એક નવી યોજના લઈને આવી છે. કોંગ્રેસના જણાવ્યા અનુસાર, હવે રૂ. 2,000થી વધુના દરેક UPI પેમેન્ટ પર સરકાર વસૂલી કરવાનો પ્લાન બનાવી રહી છે.
તેમણે ઉમેર્યું કે રૂ. 2,000થી ઉપરના લેવડદેવડ પર 0.5% જેટલો ચાર્જ વસૂલવાની તૈયારીઓ ચાલી રહી છે. જો આ ચાર્જ લાગુ કરવામાં આવે તો રૂ. 5,000ની ખરીદી પર ગ્રાહક અથવા વેપારીએ રૂ. 25 અને રૂ. 10,000ની ખરીદી પર રૂ. 50 ચાર્જ પેટે આપવા પડશે.
नरेंद्र मोदी जनता से वसूली का नया प्लान लाए हैं। अब ₹2,000 से ऊपर के UPI पेमेंट पर सरकार वसूली करेगी।
प्लान है कि ₹2,000 से ऊपर के हर UPI पेमेंट पर 0.5% चार्ज वसूला जाए, मतलब –
• अगर आपने ₹5,000 की खरीदारी की तो ₹25 का चार्ज लगेगा
• अगर ₹10,000 की खरीदारी की तो ₹50 वसूला जाएगा
पहले UPI पेमेंट पूरी तरह फ्री था, लेकिन नरेंद्र मोदी से ये देखा नहीं गया और यहां भी वसूली का खेल शुरू कर दिया।
मोदी का फंडा साफ है – जितना हो सके जनता को लूट लो और अपने मित्र की तिजोरी भरो।
ये सरकार जनता की सरकार नहीं है, ये चंद उद्योगपतियों की सरकार है और नरेंद्र मोदी उनके एजेंट।
— Congress (@INCIndia) September 15, 2026
પહેલાં સંપૂર્ણ મફત, હવે વસૂલીનો ખેલ: કોંગ્રેસ
પોતાની પોસ્ટમાં આગળ લખતાં કોંગ્રેસે જણાવ્યું હતું કે આ પહેલાં દેશમાં UPI પેમેન્ટ સંપૂર્ણપણે મફત હતું. દેશના ખૂણે-ખૂણે નાનાથી લઈને મોટા વેપારીઓ અને સામાન્ય નાગરિકો ડિજિટલ પેમેન્ટ સિસ્ટમનો મુક્તપણે ઉપયોગ કરી રહ્યા હતા. પરંતુ સરકારથી આ સિસ્ટમ મફત રહે તે સહન ન થયું અને તેમણે અહીં પણ વસૂલીનો ખેલ શરૂ કરી દીધો છે.
કોંગ્રેસે આકરા શબ્દોમાં વિરોધ નોંધાવતા કહ્યું કે મોદી સરકારનો ફંડા એકદમ સ્પષ્ટ છે—જેટલું થઈ શકે એટલું જનતાને લૂંટી લો અને પોતાના ઉદ્યોગપતિ મિત્રોની તિજોરીઓ ભરો. આ સરકાર આમ આદમીની સરકાર નથી પરંતુ માત્ર કેટલાક પસંદગીના ઉદ્યોગપતિઓની સરકાર છે અને દેશના વડાપ્રધાન તેમના એજન્ટ તરીકે કામ કરી રહ્યા છે.
ગેઝેટ નોટિફિકેશનના નવા નિયમો શું કહે છે?
સરકાર દ્વારા જારી કરવામાં આવેલા નવા નોટિફિકેશન મુજબ, બે ઇલેક્ટ્રોનિક પેમેન્ટ મોડને કાનૂની રક્ષણ આપવામાં આવ્યું છે જેના પર કોઈ બેંક કે સર્વિસ પ્રોવાઇડર કોઈપણ પ્રકારનો ચાર્જ વસૂલ કરી શકશે નહીં. આ બે મોડ છે:
RuPay ડેબિટ કાર્ડ દ્વારા કરવામાં આવતા પેમેન્ટ્સ.
રૂ. 2,000 સુધીના તમામ UPI લેવડદેવડ.
નોટિફિકેશન મુજબ, બેંકો અથવા સિસ્ટમ પ્રોવાઇડર્સ રૂ. 2,000 સુધીના UPI વ્યવહારો પર પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે કોઈ ચાર્જ વસૂલી શકશે નહીં.
રૂ. 2,000ની મર્યાદા શા માટે મહત્વપૂર્ણ બની?
અત્યાર સુધીના કાયદા મુજબ UPI પર મર્યાદા વગર શૂન્ય MDR (મર્ચેન્ટ ડિસ્કાઉન્ટ રેટ) લાગુ પડતો હતો. પરંતુ નવા ગેઝેટ નોટિફિકેશનમાં માત્ર રૂ. 2,000 સુધીના જ વ્યવહારોને શૂન્ય ચાર્જની કાનૂની ગેરંટી હેઠળ આવરી લેવામાં આવ્યા છે.
આ મર્યાદા નક્કી થવાને કારણે હવે રૂ. 2,000થી વધુ રકમના UPI પેમેન્ટ્સ આ વિશેષ કાનૂની સુરક્ષા દાયરાની બહાર થઈ ગયા છે. આનાથી બેંકો અને પેમેન્ટ સોલ્યુશન કંપનીઓ માટે ભવિષ્યમાં મોટા વ્યવહારો (રૂ. 2,000થી વધુ) પર મર્ચેન્ટ ચાર્જ અથવા પ્રોસેસિંગ ફી લાગુ કરવાનો માર્ગ મોકળો થઈ ગયો છે.
ગ્રાહકો અને વેપારીઓ પર તેની શું અસર પડશે?
જોકે નાણા મંત્રાલય તરફથી અગાઉ સ્પષ્ટતા કરવામાં આવી હતી કે સામાન્ય વપરાશકર્તાઓ (Users) પર સીધો કોઈ ચાર્જ લગાવવામાં આવશે નહીં અને જો ભવિષ્યમાં કોઈ ફી નક્કી થાય તો તે મર્ચેન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) તરીકે વેપારીઓ પર લાગુ થશે. તેમ છતાં, નિષ્ણાતો અને વિપક્ષનું માનવું છે કે જો મોટો ચાર્જ લાગુ થશે તો વેપારીઓ આખરે આ બોજ ગ્રાહકો પર જ ટ્રાન્સફર કરશે. આ સ્થિતિને કારણે આગામી દિવસોમાં ડિજિટલ પેમેન્ટ પરની આ નિર્ભરતા અને તેની નાણાકીય નીતિઓ પર વધુ રાજકીય ઘમાસાણ જોવા મળી શકે છે.
