રશિયા પર યુક્રેનના ડ્રોન હુમલા રોકાવાનુ નામ નથી લઈ રહ્યા. ફરી એક વખત યુક્રેને રશિયા પર ડ્રોન હુમલો કર્યો છે.
યુક્રેનને રશિયાની રાજધાની મોસ્કોને ટાર્ગેટ કરવા માટે મોકલેલા બે ડ્રોન રશિયાએ તોડી પાડ્યા છે. હવે એજન્સીઓ તપાસ કરી રહી છે કે, ડ્રોન એટેકનુ ટાર્ગેટ શું હતુ.
મોસ્કોના મેયર સર્ગેઈ સોબયાનિને સોશિયલ મીડિયા પર જાણકારી આપતા કહ્યુ હતુ કે, નવ ઓગસ્ટે રશિયાના મોસ્કો તરફ બે લડાકુ ડ્રોન આવતા નજરે પડ્યા હતા. એ પછી એલર્ટ થઈ ગયેલી રશિયન સેનાએ હવામાં જ આ બે ડ્રોન તોડી પાડ્યા હતા. આ ડ્રોનના કાટમાળ પડવાથી કોઈને ઈજા થઈ છે કે કેમ તેની તપાસ ચાલી રહી છે.
રશિયાના કહેવા પ્રમાણે એક સપ્તાહમાં મોસ્કો પર ત્રીજાે ડ્રોન એટેક થયો છે. આ પહેલા ૬ અને સાત ઓગસ્ટે પણ રશિયાએ યુક્રેનના ડ્રોન તોડી પાડયા હતા. અત્યાર સુધીના યુધ્ધમાં યુક્રેન દ્વારા મોસ્કોને ટાર્ગેટ કરવામાં સફળતા મળી રહી નહોતી પણ હવે યુક્રેનના હુમલા મોસ્કો સુધી પહોંચી ચુકયા છે.
રશિયન સેના મોસ્કોથી માત્ર ૨૦૦ કિલોમીટર દુર અત્યાર સુધીમાં સાત ડ્રોનને તોડી પાડી ચુકી છે. આ પહેલા ૧ ઓગસ્ટે પણ મોસ્કો પર ડ્રોન એટેક થયો હતો અને એક કોમર્શિયલ બિલ્ડિંગને નુકસાન થયુ હતુ. આ દરમિયાન એક ડ્રોનને તોડી પાડવામાં આવ્યુ હતુ.