Donald Trump: અમેરિકા-ઈરાન વચ્ચે ફરી શરૂ થશે જંગ? રાષ્ટ્રપતિ ટ્રમ્પે મૂકી ૫ આકરી શરતો, ઈઝરાયેલ એલર્ટ
અમેરિકાના બે અગ્રણી મીડિયા હાઉસ દ્વારા ઈરાનની વર્તમાન સ્થિતિ અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની રણનીતિ અંગે અત્યંત ચોંકાવનારા અપડેટ્સ બહાર પાડવામાં આવ્યા છે. અહેવાલો અનુસાર, ઈરાન દ્વારા પરમાણુ હથિયારો બનાવવાની મહત્વાકાંક્ષા છોડવાનો ઈનકાર અને તેની વિલંબ કરવાની નીતિથી ડોનાલ્ડ ટ્રમ્પ ભારે નારાજ છે. આ નારાજગી મધ્ય પૂર્વમાં ફરી એકવાર મોટા લશ્કરી સંઘર્ષમાં પરિણમી શકે છે.

ફોક્સ ન્યૂઝના અહેવાલ મુજબ, મધ્ય પૂર્વમાં તૈનાત ગુપ્તચર અધિકારીઓએ ખુલાસો કર્યો છે કે ઈરાનની અંદર અત્યારે એવો ગભરાટ છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ ગમે ત્યારે સૈન્ય કાર્યવાહીનો આદેશ આપી શકે છે. પોતાની જાતને બચાવવા માટે તેહરાન (ઈરાન) અત્યારે જાણીજોઈને છેતરપિંડી અને વાટાઘાટોમાં વિલંબ કરવાની વ્યૂહરચના અપનાવી રહ્યું છે, જેથી અમેરિકા દ્વારા સંભવિત હુમલાના પ્લાનને ગૂંચવી શકાય.
ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાન સામે ૫ આકરી શરતો
ઈરાનની સત્તાવાર ન્યૂઝ એજન્સી ‘ફાર્સ ન્યૂઝ’ના હવાલાથી જાણવા મળ્યું છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઈરાન સમક્ષ પાંચ એવી આકરી શરતો મૂકી છે, જે સ્વીકારવી ઈરાન માટે અત્યંત મુશ્કેલ છે. આ શરતો નીચે મુજબ છે:
નુકસાનીના વળતરનો ઈનકાર: અમેરિકાના આર્થિક પ્રતિબંધો અને નીતિઓના કારણે ઈરાનને જે પણ આર્થિક નુકસાન થયું છે, તેનું કોઈ પણ પ્રકારનું વળતર વોશિંગ્ટન ચૂકવશે નહીં.
યુરેનિયમ સોંપવાની માંગ: ઈરાને પોતાનો ૪૦૦ કિલોગ્રામ જેટલો સમૃદ્ધ યુરેનિયમ (Enriched Uranium) નો જથ્થો તાત્કાલિક અમેરિકાને સોંપવો પડશે.
પરમાણુ સુવિધાઓ પર કાપ: ઈરાન તેની તમામ પરમાણુ સુવિધાઓમાંથી માત્ર એક જ ન્યુક્લિયર ફેસિલિટી સક્રિય (Active) રાખી શકશે, બાકીની બંધ કરવી પડશે.
ફ્રીઝ થયેલી સંપત્તિ પર રોક: વિદેશોમાં જપ્ત કરાયેલી ઈરાનની કુલ સંપત્તિમાંથી ૨૫% હિસ્સો મુક્ત કરવાનો પણ અમેરિકાએ સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે.
યુદ્ધવિરામ અને શાંતિ વાટાઘાટો: ઈરાને અલગ-અલગ મોરચે ચાલી રહેલા તમામ સશસ્ત્ર સંઘર્ષોનો અંત લાવવા માટે શાંતિ મંત્રણામાં ઝડપી પ્રગતિ બતાવવી પડશે.

ચીન પ્રવાસથી પરત ફરતા જ ટ્રમ્પ લાલચોળ, નેતન્યાહુ સાથે ૩૦ મિનિટ મંત્રણા
બીજિંગ (ચીન) ના પ્રવાસેથી પરત ફર્યા બાદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારે ગુસ્સામાં જોવા મળી રહ્યા છે. વ્હાઇટ હાઉસ પરત ફરતાની સાથે જ તેમણે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે ફોન પર આશરે અડધા કલાક કરતાં વધુ સમય સુધી ગંભીર ચર્ચા કરી હતી. આ હાઈ-લેવલ વાતચીત ઈઝરાયેલની સુરક્ષા કેબિનેટની મહત્વની બેઠક શરૂ થવાના થોડા સમય પહેલા જ પુરી થઈ હતી.
આ બેઠકમાં ટ્રમ્પે નેતન્યાહુને પોતાની ચીન યાત્રાની વિગતો આપી હતી અને ઈરાન પર સૈન્ય એક્શન લેવા અંગે ચર્ચા કરી હતી. ટ્રમ્પે ઈરાનને ખુલ્લી ચેતવણી આપતા કહ્યું છે કે, “સમય બહુ ઝડપથી વહી રહ્યો છે. ઈરાને વહેલી તકે અમારી શરતો માનવી પડશે, નહિતર ત્યાં કશું જ બચશે નહીં.”
ઈઝરાયેલ પણ યુદ્ધમાં જોડાઈ શકે છે
એક ઈઝરાયેલી અધિકારીએ સ્થાનિક મીડિયા ‘ynet’ ને જણાવ્યું કે ઈરાન પર સૈન્ય હુમલો કરવો કે નહીં તે અંગેનો આખરી નિર્ણય હજુ અનિર્ણિત છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ પોતે તમામ પાસાઓની સમીક્ષા કરી રહ્યા છે. જો ટ્રમ્પ આગામી દિવસોમાં ઈરાન સાથે ફરીથી યુદ્ધ શરૂ કરવાનો નિર્ણય લેશે, તો ઈઝરાયેલે પણ સત્તાવાર રીતે આ લશ્કરી કાર્યવાહીમાં જોડાવું પડશે અને ઈરાન સામે મોરચો ખોલવો પડશે.
