અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડ વૉર તીવ્ર: ચીની ડ્રોન પર પ્રતિબંધથી ભારતીય ડ્રોન ઉદ્યોગ માટે સોનેરી તક
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર અમેરિકાની આર્થિક અને તકનીકી નિર્ભરતા ઘટાડવાના ઉદ્દેશ્યથી વિદેશથી આયાત કરવામાં આવતા ડ્રોન અને તેના સ્પેરપાર્ટ્સ પર ૧૦૦% સુધીનો જંગી ટેરિફ (આયાત જકાત) લાદવાની સત્તાવાર જાહેરાત કરી છે. વ્હાઇટ હાઉસ દ્વારા જારી કરવામાં આવેલા અધિકૃત નિવેદનમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, આ નિર્ણય દેશની રાષ્ટ્રીય સુરક્ષા અને સંવેદનશીલ ડેટાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.

નવા નિયમો અનુસાર, ૨૫ કિલોગ્રામથી વધુ વજન ધરાવતા અથવા થર્મલ ઈમેજિંગ જેવી અદ્યતન સુરક્ષા ટેકનોલોજીથી સજ્જ સંવેદનશીલ ડ્રોન પર ૧૦૦% ટેરિફ લાગુ થશે. જ્યારે રાષ્ટ્રીય સુરક્ષાના દાયરામાં ન આવતા અને સામાન્ય વપરાશ માટેના નાના ડ્રોન પર ૨૫% નો ઓછો ટેરિફ લાદવામાં આવશે.
ટ્રમ્પના આકરા નિર્ણય પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય
ભલે આ નવો ટેરિફ ટેક્સ તમામ દેશોમાંથી આવતા ડ્રોન પર સમાન રીતે લાગુ કરવામાં આવ્યો હોય, પરંતુ તેનો મુખ્ય લક્ષ્યાંક ચીન છે. વૈશ્વિક માનવરહિત એરક્રાફ્ટ (Unmanned Aircraft) માર્કેટ પર ચીનનું વિશાળ પ્રભુત્વ છે. અમેરિકાના કોમર્શિયલ માર્કેટમાં વપરાતા કુલ ડ્રોમાંથી લગભગ ૮૦% ડ્રોન માત્ર ચીનથી આયાત કરવામાં આવે છે.
અમેરિકામાં હોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી લઈને કન્ટેન્ટ ક્રિએશન, રિયલ એસ્ટેટ અને કૃષિ ક્ષેત્રમાં મોટા પાયે ચીની ડ્રોનનો ઉપયોગ થાય છે. ખાસ કરીને ચીનની અગ્રણી ટેક કંપની DJI (Da-Jiang Innovations) એકલી જ વિશ્વના કોમર્શિયલ ડ્રોન માર્કેટમાં ૭૦% થી વધુ હિસ્સો ધરાવે છે. ટ્રમ્પ શાસન આ એકાધિકારને તોડવા માંગે છે.
વ્હાઇટ હાઉસનું નિવેદન: “આ આકરા કદમનો મુખ્ય હેતુ અમેરિકામાં ડ્રોન અને તેના સ્પેરપાર્ટ્સના સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનો તથા વિદેશી સપ્લાય ચેઈન પરની નિર્ભરતા સંપૂર્ણપણે ઘટાડવાનો છે.”
ચીન અને અમેરિકા વચ્ચે ટ્રેડ વૉર તીવ્ર બન્યું
આ નવા ટેરિફ દરો આગામી ૩ સપ્ટેમ્બરથી અમલમાં આવવાના છે. ઉલ્લેખનીય છે કે, ગયા અઠવાડિયે જ ચીને અમેરિકા દ્વારા શ્રમ નિયમો અને રાષ્ટ્રીય સુરક્ષાના નામે લાદવામાં આવેલા વેપાર પ્રતિબંધોના જવાબમાં અમેરિકાને ડ્રોન નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો અને છ અમેરિકી કંપનીઓને બ્લેકલિસ્ટ કરી દીધી હતી. ચીને આ પગલું અમેરિકા દ્વારા ચીન સહિત અન્ય ૫૯ દેશો પર નવા ટેરિફ લાદ્યા બાદ ઉઠાવ્યું હતું.

ભારતીય ડ્રોન ઉદ્યોગ પર તેની અસર અને સોનેરી તક
ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને ૧૦૦% ની સૌથી કડક શ્રેણીમાં નથી રાખ્યું, પરંતુ ભારતીય ડ્રોન નિકાસકારો પર પણ થોડું દબાણ ચોક્કસપણે રહેશે. કારણ કે અમેરિકા ભારતીય કોમર્શિયલ અને નાના ડ્રોન પર પણ ૨૫% નો આયાત વેરો લાદી રહ્યું છે.
જોકે, આ નીતિ ભારતીય ડ્રોન સ્ટાર્ટઅપ્સ માટે એક મોટો અવસર લઈને આવી છે. અમેરિકી માર્કેટમાંથી ચીની ડ્રોનનું વર્ચસ્વ ઘટતાં જ ભારતની અગ્રણી ડ્રોન ઉત્પાદક કંપનીઓ જેવી કે ideaForge, DroneAcharya અને Garuda Aerospace માટે અમેરિકી બજારમાં પગપેસારો કરવાની અને પોતાનો વ્યાપ વધારવાની સુવર્ણ તક ઊભી થઈ છે.
