ચીનની રિયલ એસ્ટેટ કંપની એવરગ્રાન્ડેએ અમેરિકી કોર્ટમાં નાદારી જાહેર કરવાનો કેસ દાખલ કર્યો છે. કંપનીએ યુએસ બેન્કરપ્સી કોડના ચેપ્ટર ૧૫ હેઠળ સુરક્ષા માગી છે. આ ચેપ્ટર અમેરિકામાં વ્યાપાર કરતા વિદેશી ક્રેડિટર્સ માટે છે, જેમાં તેમની સંપત્તિ જપ્ત કરવાની જાેગવાઈઓ છે. ચીનની રિયલ એસ્ટેટ ફર્મની નાદારીની ઘોષણા એવા સમયે આવી છે જ્યારે ચીનનું અર્થતંત્ર મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યું છે. અહેવાલો અનુસાર આ ચીની દિગ્ગજ કંપની પર લગભગ ૩૦૦ બિલિયન ડૉલરનું દેવું છે. આ કંપની વર્ષ ૨૦૨૧માં પણ તેની લોન ચૂકવવામાં ચૂકી ગઈ હતી. તે સમયે પણ કંપનીએ તેની નાણાકીય સ્થિતિ જાહેર કરી ન હતી. તેના ઠીક એક વર્ષ પછી એટલે કે વર્ષ ૨૦૨૨માં કંપનીના શેરને બિઝનેસમાંથી સસ્પેન્ડ કરી દેવાયા હતા. ત્યારબાદ કંપનીએ ગયા મહિને માહિતી આપી હતી કે તેને છેલ્લા ૨ વર્ષમાં લગભગ ૮૦ બિલિયન ડૉલરનું નુકસાન થયું છે.
ચીનની ઘણી કંપનીઓ ખોટમાં ચાલી રહી છે, જાેકે હવે કેટલીક કંપનીઓ આગળ આવી રહી છે અને તેમની ખોટ જાહેર કરી રહી છે. અહેવાલો દર્શાવે છે કે હાલમાં ચીનની અર્થવ્યવસ્થા ઘણી મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરી રહી છે. ચીનમાં બેરોજગારીનો દર વધ્યો છે અને હાલત મોંઘવારી કરતા પણ ખરાબ છે. આ દરમિયાન એવરગ્રાન્ડેની નાદારી પણ સામે આવી રહી છે તેના પરથી ચીનની સ્થિતિનો અંદાજ લગાવી શકાય છે. ચીનની અન્ય એક રિયલ એસ્ટેટ કંપનીએ છેલ્લા ૬ મહિનામાં લગભગ ૭.૬ બિલિયન ડૉલરનું નુકસાન કર્યું છે. રિયલ એસ્ટેટ કંપની કન્ટ્રી ગાર્ડને પોતે આ માહિતી શેર કરી છે. ચીનની આર્થિક વૃદ્ધિ ધીમી પડતાં બેરોજગારી રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે.