Toshiba Corporation : જાયન્ટ જાપાનીઝ કંપની તોશિબા કોર્પોરેશને જાપાનમાં 5,000 કર્મચારીઓની છટણી કરવાનો નિર્ણય લીધો છે. આ કંપનીના કુલ કર્મચારીઓના 10 ટકા છે. કંપનીના ઓપરેશનલ રિસ્ટ્રક્ચરિંગને કારણે તોશિબા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. કંપની ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ડિજિટલ ટેક્નોલોજી જેવા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે. તમને જણાવી દઈએ કે, તોશિબા જાપાનની સૌથી મોટી એમ્પ્લોયર કંપનીઓમાંથી એક છે પરંતુ તાજેતરના વર્ષોમાં કંપનીને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. કંપનીમાં અનેક પ્રકારના મેનેજમેન્ટ અને કૌભાંડો પ્રકાશમાં આવ્યા છે.
જાપાનમાં મોટી છટણી
તાજેતરના વર્ષોમાં જાપાનમાં આ સૌથી મોટી છટણી છે. આની જાપાનની કોર્પોરેટ સંસ્કૃતિ પર અસર પડશે, જ્યાં મજબૂત શ્રમ કાયદાઓને કારણે છટણી સામાન્ય નથી. અન્ય દેશોની સરખામણીએ જાપાનમાં રોજગારી મેળવનારા લોકો અને યુવાનોની અછત છે. નિક્કી અહેવાલ આપે છે કે શિસીડો, ઓમરોન અને કોનિકા મિનોલ્ટા સહિતની અન્ય મોટી જાપાનીઝ કંપનીઓએ પણ તાજેતરમાં સ્ટાફ કાપની જાહેરાત કરી છે.
તોશિબા મુશ્કેલીમાં છે.
તોશિબા જાપાનની MNC કંપની છે. તેનો વ્યવસાય વિશ્વના ઘણા દેશોમાં ફેલાયેલો છે. કંપની લેપટોપ, રાઇસ કુકર અને ઈલેક્ટ્રોનિકસની સાથે અન્ય ઘણા ક્ષેત્રોમાં કામ કરે છે. 2015 માં સામે આવેલા કૌભાંડો અને મેનેજમેન્ટ મુદ્દાઓને કારણે કંપનીને મોટો આંચકો લાગ્યો હતો, જે પછી કંપની બહાર આવવાનો પ્રયાસ કરી રહી છે. જેના કારણે કંપનીને મોટો દંડ ભરવો પડ્યો હતો.
જાપાની મીડિયા નિક્કી અનુસાર તોશિબા ન્યુક્લિયર ટર્બાઇન, બેટરી અને ક્વોન્ટમ ટેક્નોલોજી વગેરેનો બિઝનેસ કરે છે. છટણીને કારણે કંપનીએ કર્મચારીઓને અનેક પ્રકારના લાભ આપવા પડશે અને તેના કારણે કંપનીએ લગભગ 650 મિલિયન ડોલરનો આર્થિક બોજ ઉઠાવવો પડશે.