કર્ણાટકના બેંગાલુરુમાં હાલમાં થયેલી ટામેટાની લૂંટનું રહસ્ય આખરે ઉકેલાઈ ગયું છે. પોલીસે ઝડપથી પૈસા કમાવવા માટે ટામેટાથી ભરેલા ટ્રકને હાઈજેક કરવાના આરોપમાં એક દંપતીની ધરપકડ કરી હતી. એમ ભાસ્કરન (૩૮)અને સિંધુજાએ (૩૫) તે ટામેટાના ૧.૬ લાખ રૂપિયામાં તમિલનાડુમાં વેચી દીધા હતા, તેમ પોલીસે જણાવ્યું હતું. ૮મી જુલાઈ રાતે એ શિવન્ના નામનો ડ્રાઈવર આરએમસી યાર્ડ પોલીસ સ્ટેશને (ઉત્તર વિભાગ) પહોંચ્યો હતો અને અજાણ્યા શખ્સો ૧.૫ લાખથી વધુની કિંમતના ટામેટાના ૨૧૦ બોક્સ ભરેલો ટ્રક લઈને ભાગી ગયા હોવાનું કહ્યું હતું. આ પહેલા આરોપીઓએ શિવન્ના સાથે ઝઘડો કરી મારામારી કરી હતી તેમજ ગોરાગુંટેપલ્યા જંક્શન પાસે તેનું વાહન તેમની મહિન્દ્રા ઝાયલો સાથે અથડાયું હોવાનો દાવો કર્યો હતો. તેમણે સ્થળ પર જ ૫ હજાર રૂપિયાનું વળતર ચૂકવવાની માગણી કરી હતી. જ્યારે શિવન્નાએ પૈસા આપવાનો ઈનકાર કર્યો ત્યારે શખ્સો વાહન લઈને ફરાર થઈ ગયા હતા. શિવન્ના ટામેટાના ટ્રકને ચિત્રદુર્ગના હિરીયુરથી કોલાર લઈ જઈ રહ્યો હતો.
શરૂઆતમાં પોલીસને તે રોડ-રેજનો કેસ લાગ્યો હતો અને સીસીટીવી ફૂટેજ સ્કેન કર્યા બાદ વાહન તેમજ શંકાસ્પદોની ઓળખ શરૂ કરી હતી. પોલીસને તે સમયે જાણવા મળ્યું હતું કે, આરોપીઓ વાહનને તમિલનાડુના વાણિયમબાડી લઈ ગયા હતા. પોલીસની આંખમાં ધૂળ નાખવા માટે પોતાના વાહનની નંબર પ્લેટ બદલી નાખી હતી પરંતુ જે ટ્રકની ચોરી કરી હતી તેની સાથે એમ કરવાનું ભૂલી ગયા હતા, જે મહિન્દ્રા ઝાયલોને ટો કરીને લઈ જઈ રહી હતી.૨૦૦થી વધુ સીસીટીવી ફૂટેજની ચકાસણી અને તમિલનાડુના વિવિધ ભાગમાં રહેતા કેટલાક સ્થાનિકો સાથે વાતચીત કર્યા બાદ અમે આરોપીઓ સુધી પહોંચ્યા હતા અને વાણિયમબાડીથી શુક્રવારે રાતે ધરપકડ કરી હતી’, તેમ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ઉત્તર) શિવપ્રકાશ દેવરાજુએ કહ્યું હતું. આ સાથે તેમણે ઉમેર્યું હતું કે ‘જ્યારે ચોરીની ખબર વાયરલ થઈ તો તેઓ ખાલી ટ્રકને પરત દોરવી લાવ્યા હતા અને દેવનહલ્લી પાસે છોડી દીધો હતો. અમે તે ટ્રક જપ્ત કર્યો હતો’. ભાસ્કરનને બેંગાલુરુથી મદદ કરનાર કુમાર અને મહેશને પોલીસ શોધી રહી છે. ભાસ્કરન સામે તમિલનાડુના વાણિયમબાડી સહિત કેટલાક પોલીસ સ્ટેશનમાં ચોરી, લૂંટ અને ઘરફોડ ચોરીના ૧૦ કેસ છે’.
પોલીસના જણાવ્યા પ્રમાણે, વાણિયમબાડીમાં ટામેટાની માગ વધારે હોવાથી દંપતીએ ચોરીનો પ્લાન ઘડ્યો હતો.તેમને લાગ્યું હતું કે, પોલીસ વાહન ચોરીનો કેસ ગણીને તેમનો પીછો નહીં કરે. ‘મહેશ અને કુમારે ભાસ્કરનને યેશ્વંતપુરથી ટામેટા ભરેલા વાહનો પસાર થતાં હોવાનું કહ્યું હતું. તે મુજબ ભાસ્કરન ઝાયલોમાં વાણિયમબાડીથી આવ્યો હતો. મહેશ અને કુમાર દેવનહલ્લીથી તેમની સાથે પ્લાન પ્રમાણે જાેડાયા હતા. તેઓ ગોરગંતેપલ્યા આવ્યા હતા, જ્યાં તેમણે શિવન્નાનો બોરેલો જાેયો હતો’, તેમ પોલીસે ઉમેર્યું હતું. આ સાથે તેમણે આરોપીએ ઝાયલો એક કાર ડીલર પાસેથી ખરીદ્યો હોવાનું જણાવ્યું હતું.