રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે શનિવારે સમી સાંજે હત્યાનો બનાવ સામે આવતા ચકચાર મચી ગઈ છે. નક્ષત્ર બિલ્ડિંગ નીચે જિમમાં નીકળેલા યુવકે કોલેજમાં થયેલી માથાકૂટનો ખાર રાખીને છરીના ૧૯ જેટલા ઘા મારીને કરપીણ હત્યા કરતા પોલીસ દોડતી થઈ હતી. ફરિયાદના આધારે પોલીસે આરોપી વિનયને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. બનાવને લઈને આહિર સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે અને આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગણી કરી હોવાનું જાણવા મળ્યું છે.
સમગ્ર મામલે મૃતકના પિતા ગોવિંદભાઈ ભારદરા (આહિર)એ પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે, તેઓ ઉપલેટામાં પરિવાર સાથે રહે છે અને છૂંટક કંદોઈનો ધંધો કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. પરિવારમાં પત્ની ૨૯ વર્ષનો દીકરો આશિષ અને ૩૨ વર્ષની દીકરી શીતલ છે. બંને કુંવારા છે. આશિષે ભાયાવદરમાં કોલેજનો અભ્યાસ પૂર્ણ કર્યો છે અને હાલ પરિવારને કંદોઈના ધંધામાં મદદ કરતો હતો.
પિતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે, આશિષ છેલ્લા બે વર્ષથી ઉપલેટામાં વિપુલ ડાઈનિંગ હોલ પાસે નક્ષત્ર કોમ્પલેક્સમાં આવેલા બોડી ફિટનેસ જિમ જતો હતો. આ દરમિયાન ૧૫ જુલાઈના રોજ સાંજના પોણા પાંચ વાગ્યાની આસપાસ તે જિમ ગયો હતો. ત્યારબાદ પિતા ઉપલેટા ટાઉનમાં ફરસાણની ફેરી કરવા નીકળ્યા હતા અને સાંજના સવા આઠ વાગ્યે ઘરે આવ્યા હતા. ત્યારે તેમની જ જ્ઞાતિના ભાવેશભાઈએ ડેરે તેમને ફોન કરીને આશિષને સરકારી હોસ્પિટલમાં એડમિટ કરાયો છે તેવું જણાવ્યું હતું. જિમ ગયેલો પુત્ર હોસ્પિટલ પહોંચી જતાં પિતાના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી અને તેઓ તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા હતા.
હોસ્પિટલમાં ભાવેશ ડેર ઉપરાંત સમાજના ઘણા માણસો તેમજ જિમના માણસો પણ હાજર હતા. આ દરમિયાન જિમના એક વ્યક્તિના કહેવા પર પિતાને ખબર પડી કે, સાંજના આઠેક વાગ્યાના અરસામાં આશિ? જિમમાં કસરત કરીને બહાર જવા માટે નીકળ્યો ત્યારે જિમના ફર્સ્ટ ફ્લોર પર જિમ આવતા વિનય ઉર્ફે સુજુ હિતેષ ધામેચાએ પોતાની પાસે રહેલી છરીથી આશિષને છાતીના ભાગે ૩ તથા પેટના ભાગે ૧૬ જેટલા ઘા મારીને લોહીલુહાણ થઈને આશિષ ત્યાં જ ઢળી પડ્યો હતો અને છરી તેના પેટમાં જ ઘૂસેલી હતી.
આ જાેઈએ જિમમાં હાજર વ્યક્તિઓ પૈકી યશવંતબાઈ, શ્રીરામભાઈ, વિજયગિરી, યથ વાઘેલા અને કેયુરભાઈ સહિતના મામસોએ આશિષને ઉચકીને નજીકમાં આવેલી એક હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યાં ડોક્ટર હાજર ન હોવાથી ઈકો એમ્બ્યુલન્સમાં તેને બીજી હોસ્પિટલ લઈ જતાં ફરજ પર હાજર ડોક્ટરે આશિષને મૃત જાહેર કરતા બનાવ હત્યામાં પલટાયો હતો.ખાનગી હોસ્પિટલના સ્ટાફે તેમને આગળની કાર્યવાહી માટે સરકારી હોસ્પિટલ લઈ જવાનું કહેતા આશિષના મૃતદેહને ઉપલેટા સરકારી હોસ્પિટલ લવાયો હતો.
પિતાએ જણાવ્યું કે, બે દિવસ પહેલા આશિષના ચહેરાના હાવભાવથી તે મને ચિંતામાં હોય તેવું લાગતું હતું. જેથી મે તેને પૂછતા તેણે કહ્યું કે, મારે વિનય હિતેશભાઈ ધામેચા (કોળી) સાથે માથાકૂટ થઈ છે. તેથી પિતાએ આશિષને કોઈની સાથે માથાકૂટમાં ન પડવા સલાહ આપી હતી. હોસ્પિટલમાં હાજર કેયુરગિરી પાસેથી પિતાને જાણવા મળ્યું કે, આશિષ અને વિનય વચ્ચે ૪ દિવસ પહેલા કોલેજમાં માથાકૂટ થઈ હોવાનું જાણવા મળ્યું હતું.
આમ આશિષ અને વિનય વચ્ચે આગળ જણાવેલા વિગતોની સામાન્ય માથાકૂટનો દ્વેષભાવ રાખીને વિનયે આશિષના છાતી, પેટ અને ગરદનના ભાગે છરીથી હુમલો કરીને હત્યા કરતા સ્થાનિક પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી ગયો હતો. બીજી તરફ સમાજના લોકો પણ હોસ્પિટલ દોડી ગયા હતા. પરિવારની ફરિયાદના આધારે પોલીસે વિનય સામે હત્યા સહિતની કલમો હેઠળ ગુનો દાખળ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.