વાપી પાસે અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર પડેલા ખાડાને કારણે એક બાઈકચાલક ખાડામાં પટકાયો હતો. હાઇવે પર ફંગોળાયા બાદ બાજુમાંથી જ પસાર થતા એક કન્ટેનરના ટાયરમાં આવતા માંડ બચ્યો હતો. રાત્રે હાઈવે પર બનેલી આ ઘટનાના દ્રશ્યો પાછળથી આવતી એક કારના ડેસ્કબોર્ડ પર લગાવેલા કેમેરામાં કેદ થઈ ગયા હતા. બનાવની વિગત મુજબ વાપીથી વલસાડ તરફ જતા બલિઠા નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર પાછલી રાત્રે પારડીના મોટા તાઇવાડ વિસ્તારમાં રહેતા અબ્દુલ રહેમાન ઉંમરમિયાં નામનો યુવક વાપીથી નોકરી પતાવી અને ઘરે પરત ફરી રહ્યો હતો. ત્યારે વાપીથી આગળ જતા બલિઠા નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર બાઈક ચાલકપુર ઝડપે પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન હાઇવે પરથી અન્ય મોટા ભારે વાહનો પણ પસાર થઈ રહ્યા હતા.
અચાનક જ હાઈવે પર પડેલા ખાડામાં બાઇક પટકાતા બાઈક ચાલક હાઇવે પર જ ફંગોળાઈ ગયો હતો. માત્ર સેકન્ડમાં જ બાઈક ચાલક હાઇવે પર ફગળાયો ત્યારે બાજુમાંથી એક મહાકાય કન્ટેનર પણ પૂર ઝડપે પસાર થઈ રહ્યું હતું. જાેકે યુવકનું નસીબ જાેર કરતું હોવાથી તેનો જીવ બચી ગયો હતો. જાે યુવક સેહેજ પણ આગળ-પાછળ પડ્યો હત તો કન્ટેનરના ટાયર નીચે આવીને તેનો જીવ જઈ શકતો હતો. આ ઘટનામાં જાણે યુવકે મોતને હાથ તાળી આપી દીધી હતી. આ સમગ્ર ઘટનાના દ્રશ્યો પાછળ આવી રહેલી એક કારના ડેસ્કબોર્ડ પર લગાવેલા કેમેરામાં કેદ થઈ ગયા હતા. ઘટનાને પગલે કારના ચાલકે તાત્કાલિક બ્રેક મારી દેતા તે કારની નીચે આવતા પણ રહી ગયો હતો. આ પછી રોડ પર પડીને ઘાયલ થયેલા યુવકની કારના ચાલક દ્વારા મદદ કરવામાં આવી હતી. આ ઘટનામાં યુવકે હેલમેટ પહેર્યું હતું તેના કારણે પણ તેને ગંભીર ઈજાઓ થતા ટળી હતી.