લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ આજે મોટો દાવો કર્યો હતો કે નવા સંસદ ભવનમાં પ્રવેશતાં પહેલા સાંસદ સભ્યોને સોંપાયેલી બંધારણ ની નવી નકલોની પ્રસ્તાવનામાં ‘સમાજવાદી અને બિનસાંપ્રદાયિક’ શબ્દો હતા જ નહીં. અધીર રંજન ચૌધરીએ કહ્યું કે બંધારણની નવી નકલો જે અમને ૧૯ સપ્ટેમ્બરે અપાઈ હતી તેની પ્રસ્તાવનામાં ‘સમાજવાદી અને બિનસાંપ્રદાયિક’ શબ્દો નહોતા. અમે આ નકલો અમારા હાથમાં લઈને સંસદમાં પ્રવેશ્યા હતા. અમે જાણીએ છીએ કે આ શબ્દો વર્ષ ૧૯૭૬માં સુધારા પછી ઉમેરવામાં આવ્યા હતા, પરંતુ જાે આજે કોઈ આપણને બંધારણ આપે છે અને આ શબ્દો તેમાં સામેલ નથી, તો તે ચિંતાનો વિષય છે. તેમણે કહ્યું કે સરકારના ઈરાદા પર શંકાસ્પદ છે. આ ખૂબ જ ચતુરાઈથી કરવામાં આવ્યું છે. આ મારા માટે ચિંતાનો વિષય છે. મેં આ મુદ્દો ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ મને આ મુદ્દો ઉઠાવવાની તક મળી ન હતી. ઉલ્લેખનીય છે કે તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધી દ્વારા લાદવામાં આવેલી ઈમરજન્સી દરમિયાન ૧૯૭૬માં બંધારણના ૪૨મા સુધારાના ભાગરૂપે પ્રસ્તાવનામાં ‘સમાજવાદી’ અને ‘સેક્યુલર’ શબ્દો ઉમેરવામાં આવ્યા હતા.