શહેરમાં રહેતી એક પરણિતાએ તેના સાસરિયાઓ અને ભુવાજી સામે ફરિયાદ નોંધાવી છે. લગ્ન બાદ આ મહિલાનો પતિ તેને અવારનવાર શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો અને સાળીને અડપલા કરી તેની સાથે અશોભનીય હરકતો કરતો હતો. એટલું જ નહીં, અવારનવાર પત્નીને ભુવા પાસે લઈ જતા ભુવાજી આ પરિણીતાને લાફા મારતો હતો. આ સમગ્ર બાબતોથી કંટાળીને પરિણીતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. શહેરના ન્યુ રાણીપ વિસ્તારમાં રહેતી ૩૫ વર્ષીય મહિલા ટ્યુશન ક્લાસિસ ચલાવે છે. વર્ષ ૨૦૧૩માં વડોદરા ખાતે તેના લગ્ન થયા હતા. વર્ષ ૨૦૧૬માં મહિલાના પતિએ મકાનની લીધેલી લોન ના હપ્તા ભરવા માટે સસરા પાસેથી રૂપિયા લઈ આવવાનું કહી બોલાચાલી ઝઘડો કર્યો હતો અને બાદમાં ટ્યુશન ક્લાસિસ ચલાવી રૂપિયા લાવવા દબાણ કરવા લાગ્યા હતા. આટલું જ નહીં, સાસરીયાઓ બાળક ન રહેવા બાબતે મહેણા મારી ઘરમાં તારી કોઈ જરૂર નથી,
તેમ કહી પતિએ મરી જવા માટે સુસાઇડ નોટ લખવાનું કહ્યું હતું. જ્યારે મહિલાની નાની બહેન તેના ઘરે આવે ત્યારે તેનો પતિ તેને અડપલાં કરતો, આડાસંબંધ રાખતો હતો અને અશોભનીય હરકત કરતો હતો. જેથી મહિલાએ તેની નાની બહેનને પિતાના ઘરે મોકલી આપી હતી. એક દિવસ આ મહિલાના સાસરિયાઓ તારું મગજ બરાબર ચાલતું નથી, તેમ કહી એક ભુવાજી પાસે લઈ ગયા હતા. જે ભુવાજીએ મહિલાને ગાલ ઉપર લાફા માર્યા હતા. અવારનવાર તેનો પતિ ભુવાજી પાસે લઈ જતો હતો અને જાે મહિલા મનાઈ કરે તો હું ખાવા પીવાનું બંધ કરી દઈશ, તેવી ધમકી આપતો હતો. જ્યારે જ્યારે મહિલા ભુવાજી પાસે જાય ત્યારે ભુવાજી તેને લાફા મારતો હતો. આમ અવારનવાર મારી નાખવાની ધમકી આપી પૈસાની માંગ કરી પતિએ આડાસંબંધો રાખી ભુવાજી પાસે લઈ જઈ ત્રાસ આપતા મહિલાએ સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.