ભાવનગરમાં નદીના પાણીમાં તણાઇ રહેલા ૧૦ થી ૧૨ વર્ષના બાળકનો મહિલાએ જીવ બચાવ્યો હતો. મળતી જાણકારી અનુસાર ભાવનગરમાં ઉમરાળા તાલુકાના સમઢીયાળા ગામ પાસેની નદીમાં ૧૦થી ૧૨ વર્ષનો બાળક તણાવા લાગ્યો હતો. બાળકને તણાતા જાેઇને મહિલાએ પોતાના જીવની પરવા કર્યા વિના નદીમાં છલાંગ લગાવી હતી અને બાળકનો જીવ બચાવ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. લોકો મહિલાની બહાદુરીની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. વીડિયોમાં જાેઇ શકાય છે કે એક બાળક નદીના પ્રવાહમાં તણાઇ રહ્યો છે જેને જાેઇને એક મહિલા તરત જ નદીમાં જીવના જાેખમે નદીના પાણીમાં ઝંપલાવે છે અને ડૂબી રહેલા બાળકને સુરક્ષિત રીતે બહાર કાઢે છે. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
નદીમાં બાળકને તણાતા જાેઈને દર્શનાબેન રાઠોડ નામની મહિલા નદીમાં કૂદી પડી હતી અને બાળકનો જીવ બચાવ્યો હતો. વાસ્તવમાં દર્શનાબેન રાઠોડ નામની મહિલા ભાવનગરથી બે દિવસ પહેલા ગંગાસતી પાનબાઇ સમઢીયાળા દર્શનાર્થે ગયા હતા તે સમયે તેમણે જાેયું કે એક બાળક નદીમાં તણાઇ રહ્યો છે. જેને જાેઇને દર્શનાબેન રાઠોડ નદીમાં કૂદી પડ્યા હતા અને બાળકને નદીમાંથી સહી સલામત બહાર કાઢ્યો હતો.