સરકારી અધિકારીના સ્વાંગ રચીને ફરવાનો હવે એક ટ્રેન્ડ બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. મહાઠગ કિરણ પટેલે કરેલા કારનામા બાદ એક પછી એક કેન્દ્રીય એજન્સીઓના બોગસ અધિકારીઓ બન્યા હોવાની ઘટના સામે આવી રહી છે. થોડા દિવસ પહેલાં પત્નીને ઇમ્પ્રેસ કરવા માટે યુવક એનઆઇએનો અધિકારી બની ગયો હતો ત્યારે હવે સેટેલાઇટમાં ઇન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ (ઇડી)ના અધિકારી બની ગઠિયાએ દોઢ કરોડ રૂપિયાનું ચીટિંગ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. ઇડીના ડાયરેક્ટર બનીને ગઠિયાએ મકાન ભાડે લીધું અને જ્યોતિષીને સરકારી ટેન્ડર અપાવી દેવાનું કહીને દોઢ કરોડ રૂપિયાનો ચૂનો લગાવી નાસી ગયો. ગઠિયાએ જે મકાન ભાડે લીધું હતું તે જ્યોતિષીનું હતું. જેમાં તેણે બે લાખ રૂપિયા એડ્વાન્સ ભાડા પેટે પણ આપ્યા હતા. બે લાખનું ઇન્વેસ્ટ કરીને ગઠિયાએ દોઢ કરોડ રૂપિયા પડાવી લીધા.
થલતેજ વિસ્તારમાં આવેલા સુદર્શન ટાવરમાં રહેતા અને ઇસ્કોન મંદિરની સામે આવેલા બાલેશ્વર સ્ક્વેરમાં છેલ્લા સાડા ત્રણ વર્ષથી નવગ્રહ મંડળ નામની ઓફિસના વાઇસ પ્રેસિડેન્ટ ઝરણાંબહેન ઠાકરે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ઓમવીરસિંહ વિજય પ્રકાશસિંહ નામના ગઠિયા વિરુદ્ધ દોઢ કરોડનાં ચીટિંગની ફરિયાદ કરી છે. નવગ્રહ મંડળની ઓફિસના માલિક ડો.રવિ રાવ છે અને તેમનું આંબલી-બોપલ રોડ ઉપર મકાન આવેલું છે. જે ભાડે આપવાનું હોવાથી ઝરણાંબહેને ત્રણ ચાર એજન્ટને વાત કરી હતી.
માર્ચ મહિનાની આસપાસ ઝરણાંબહેન તેમની ઓફિસ પર હાજર હતાં ત્યારે એજન્ટ દિવ્યાંગભાઇ મકાન ભાડે લેવા મામલે ઓફિસ પર આવ્યા હતા,
દિવ્યાંગભાઇ સાથે એક શખ્સ પણ હતો જેણે પોતાની ઓળખ ઓમવીરસિંહ હોવાનું જણાવ્યું હતું.ઓમવીરસિંહ સેન્ટ્રલ એજન્સી ઇન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ (ઇડી)માં ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતા હોવાનું તેણે ઝરણાંબહેનને કહ્યું બીજા દિવસે ઝરણાંબહેને ફોન કરીને દિવ્યાંગભાઇ અને ઓમવીરસિંહને મકાન જાેવા માટે આંબલી-બોપલ બોલાવ્યા હતા. બંને જણા મકાન જાેવા માટે આવતાં તેમને મકાન પસંદ આવ્યું હતું. ઓમવીરસિંહે ભાડા કરાર કરાવી લીધો હતો અને બે લાખ રૂપિયા એડ્વાન્સ ભાડા પેટે આપી દીધા હતા. મકાન ભાડે રાખ્યાના પંદર દિવસ બાદ ઓમવીરસિંહે નવગ્રહ મંડળ મારફતે ઘરમાં સેવા પૂજા કરાવી હતી. ઓમવીરસિંહે નવગ્રહ મંડળના માલિક ડો.રવિ રાવને જણાવ્યું હતું કે મારી ખૂબ મોટી મોટી ઓળખાણો છે. જેથી કાંઇ પણ કામકાજ હોય તો મને કહેજાે. રવિ રાવે તેમના ક્લાયન્ટ પ્રદીપ ઝાનાં કોઇ કામકાજના ટેન્ડરનું કામ કરાવી આપવાની વાત તેને કરી હતી. ઓમવીરસિંહે ટેન્ડરનું કામ ગેરેંટી સાથે કરી આપવાની વાત કરતાં દોઢ કરોડ રૂપિયા આપવાની વાત કરી હતી.
રવિ રાવને વિશ્વાસ આવી જતાં બ્રિજેશ ઝાએ દોઢ કરોડ રૂપિયા ઓમવીરસિંહને આપ્યા હતા. ઓમવીરસિંહને આપેલા તમામ રૂપિયાની જવાબદારી રવિ રાવે લીધી હતી. બ્રિજેશ ઝાને ટેન્ડર નહીં મળતા અંતે તેણે રવિ રાવ પર દબાણ કર્યું હતું. રવિ રાવે ઓમવીરસિંહને દબાણ કરતાં તે ખોટા ખોટા વાયદા કરતો હતો. ઓમવીરસિંહે ચીટિંગ કર્યું હોવાનું સામે આવતાં અંતે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ઝરણાંબહેન પોલીસ ફરિયાદ કરી છે. પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે. રવિ રાવ સતત ફોન કરીને ઓમવીરસિંહ પાસે રૂપિયાની ઉઘરાણી કરતા હતા તથા તેમણે તેમના કર્મચારીને આંબલી-બોપલ રોડ ખાતે આવેલા મકાનમાં તપાસ કરવા માટે મોકલ્યા હતા. જ્યારે કર્મચારીઓ તપાસ કરવા માટે ગયા ત્યારે તેમને ખબર પડી કે ઓમવીરસિંહ મકાન ખાલી કરીને નાસી ગયો છે. રવિ રાવે સતત તેને વોટ્સએપ પર કોલ કર્યા હતા પરંતુ તેણે કોઇ જવાબ ન આપતાં અંતે ઝરણાંબહેન પોલીસ ફરિયાદ કરી છે.