અમદાવાદ શહેરમાં ઇસ્કોન બ્રિજ પર અકસ્માતની હૈયું હચમચાવી નાખતી ઘટના સામે આવી હતી. જેમાં કાળ બનીને ચિત્તાઝડપે આવેલી કારે કચડી નાખતા ૯ લોકોના કમકમાટીભર્યા મોત નિપજયા હતા. જેમાં બોટાદ શહેરના પણ ત્રણ યુવાનોના અમદાવાદ ખાતે અકસ્માતમાં મોત થતા પરિવારજનોમાં કાળો કલ્પાંત ફેલાયો છે.
આ ગંભીર ઘટનાને લઈને બોટાદમાં યુવાનોના પરિવારજનોએ અન્ય સમાજના આગેવાનોને સાથે રાખી કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં આરોપીને ફાંસીની સજા આપવામાં આવે તેમજ આરોપીની મિલકત જપ્ત કરી મૃતકના પરિવાજનોને સહાય આપવામાં આવે તેવી સૂત્રોચ્ચાર કરી માંગ કરવામાં આવી હતી. સાથે સાથે જાે મૃતક પરીવારોને ન્યાય નહિ મળે તો રસ્તા ઉપર ઉતરી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
અમદાવાદ ખાતે ગત ૧૯ જુલાઈના રોજ થયેલ અકસ્માતમાં ૯ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા જેમાં બોટાદ શહેરના કૃણાલ,અક્ષર,અને રોનક પટેલ નામના ત્રણ પાટીદાર યુવાનોના કમકમાટીભર્યા મોત થયા હતા. જે મોત મામલે સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચી જવા પામ્યો હતો અને સરકાર દ્વારા મૃતક પરિવાર તેમજ ઇજાગ્રસ્તોને સહાય આપવાની જાહેરાત કરી હતી ત્યારે આજે બોટાદ શહેર ખાતે ત્રણેય મૃતક યુવાનોના પરિવારજનોએ અન્ય સમાજના લોકોને સાથે રાખી મોટી સંખ્યામાં મહિલાઓ અને આગેવાનો કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને સૂત્રોચ્ચાર કરી ઉગ્ર રોષ ઠાલવ્યો હતો. સાથે જ તથ્ય પટેલ નામના આરોપી અને તેના પિતા વિરૂદ્ધ કડક કાર્યવાહી કરી ફાંસીની સજા આપવામાં તેવી માંગ પણ કરવામાં આવી હતી.