આયર્લેન્ડ શ્રેણી માટે રવાના થઈ રહેલી ભારતીય ક્રિકેટ ટીમ ૧૫ ઓગસ્ટે મુંબઈથી ડબલિન માટે જશે. આ ટીમનું નેતૃત્વ જસપ્રીત બુમરાહ કરશે, જે એક વર્ષના લાંબા સમયગાળા પછી કમબેક કરી રહ્યો છે. ટીમ સાથે કોઈ મુખ્ય કોચ નહીં હોય. અગાઉ એવું કહેવામાં આવી રહ્યું હતું કે રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમીના હેડ, મુખ્ય કોચ રાહુલ દ્રવિડની ગેરહાજરીમાં વીવીએસલક્ષ્મણ ટી૨૦માટે ટીમની સાથે આયર્લેન્ડ જશે. પરંતુ આમ થયું નહીં. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે જણાવાયું છે કે લક્ષ્મણ ટીમ સાથે પ્રવાસ કરી રહ્યો નથી.
આઠ વર્ષમાં આ પ્રથમ વખત છે જ્યારે ભારતીય ટીમ મુખ્ય કોચ વિના શ્રેણી રમી રહી છે. ૨૦૧૫મા ડાંકા ફ્લેચરની વિદાય પછી, ભારત મુખ્ય કોચ વિના રમ્યું, ૨૦૧૭મા અનિલ કુંબલેની નિમણૂક સુધી ટીમ ડિરેક્ટર તરીકે રવિ શાસ્ત્રી સાથે ટીમ હતી. આ પહેલા પણ ૨૦૦૭મા ગ્રેગ ચેપલની વિદાય બાદ ભારતીય ટીમ મુખ્ય કોચ વિના રમી હતી.
તે સમયે ટીમ ઈન્ડિયામાં મેનેજર તરીકે લાલચંદ રાજપૂત અને બોલિંગ કોચ તરીકે વેંકટેશ પ્રસાદ અને ફિલ્ડિંગ કોચ તરીકે રોબિન સિંહ હતા. દ્રવિડ એન્ડ કંપની વેસ્ટ ઈન્ડિઝમાં છે. આથી એવું માનવામાં આવતું હતું કે લક્ષ્મણ આયર્લેન્ડ જનારી ટીમ સાથે હશે. તેણે અગાઉ ઝિમ્બાબ્વે અને ન્યૂઝીલેન્ડના પ્રવાસમાં પણ ચાર્જ સંભાળ્યો હતો. પરંતુ આ વખતે ટીમમાં કોચ સિતાંશુ કોટક અને સહાયક સ્ટાફ તરીકે સાઈરાજ બહુતુલે હશે.
ભારત ૧૮,૨૦ અને ૨૩ ઓગસ્ટના રોજ આયર્લેન્ડના પ્રવાસ પર માત્ર ૩ મેચની ટી૨૦ શ્રેણી રમવાનું છે. તમામ મેચ ડબલિનમાં રમાશે. તિલક વર્મા, યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન, રવિ બિશ્નોઈ, મુકેશ કુમાર, અર્શદીપ સિંહ અને આવેશ ખાન જેવા ખેલાડીઓ વેસ્ટ ઈન્ડિઝ સામેની ટી૨૦ ઈન્ટરનેશનલ મેચ પૂરી થતાની સાથે જ મિયામીથી ડબલિન જશે. ભારત પ્રવાસના યુએસએ લેગમાં ૧૨ અને ૧૩ ઓગસ્ટે વેસ્ટ ઈન્ડિઝ સામે બે બેક-ટુ-બેક ટી૨૦ મેચ રમશે. દ્રવિડ આયર્લેન્ડ જશે કે નહીં તેની પુષ્ટિ થવાની બાકી છે. જાે રિપોર્ટ્સનું માનીએ તો દ્રવિડ ભારતના વ્યસ્ત શેડ્યૂલને કારણે બ્રેક પણ લઈ શકે છે.