સની દેઓલ સ્ટારર ફિલ્મ ‘ગદર 2’ ફરી એકવાર મોટા પડદા પર આવી છે. ‘ગદર 2’ અનિલ શર્મા દ્વારા દિગ્દર્શિત અને નિર્મિત અને શક્તિમાન તલવાર દ્વારા લખાયેલી એક એક્શન ડ્રામા ફિલ્મ છે. સની દેઓલના તારા સિંહ અવતારની વાપસીએ ફરી એકવાર થિયેટરોમાં કમાણીના શ્રેષ્ઠ દિવસો બતાવવાનું શરૂ કર્યું છે. ગદર-2 સાથે 22 વર્ષ પછી મોટા પડદે પરત ફરેલા સની દેઓલે પહેલા દિવસથી જ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી હતી. 2001માં રિલીઝ થયેલી ‘ગદર’ની સિક્વલ 22 વર્ષ પછી આવી છે. લોકોને ‘ગદર 2’થી મજબૂત કમાણી થવાની આશા છે.
11 ઓગસ્ટ, શુક્રવારના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થયેલી ‘ગદર 2’ને જનતા ઘણો પ્રેમ આપી રહી છે. પંજાબમાં ફિલ્મ જોવા માટે થિયેટરોની બહાર લાંબી કતારો જોવા મળી હતી. દિલ્હી-મુંબઈ જેવા શહેરોમાં મલ્ટીપ્લેક્સ ભરેલા છે. વીકેન્ડ હોવાથી ગદર-2ને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ટ્રેડ રિપોર્ટ્સ સૂચવે છે કે ‘ગદર 2’ એ પ્રથમ દિવસે જ આ વર્ષનું બીજું સૌથી વધુ ઓપનિંગ કલેક્શન કર્યું છે. આંકડાઓની વાત કરીએ તો, પ્રથમ દિવસે ‘ગદર 2’નું એડવાન્સ બુકિંગ માત્ર નેશનલ ચેઈન્સમાં 2 લાખ 80 હજારથી વધુ હતું અને ‘ગદર 2’ થિયેટરોમાં કુલ 7 લાખથી વધુ એડવાન્સ ટિકિટો બહાર પાડવામાં આવી હતી. રિપોર્ટ્સ અનુસાર, ‘ગદર 2’ એ પહેલા દિવસે 38 થી 40 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે.