સીમ કાર્ડ યુઝર્સ સાવધાન! રિચાર્જ વગર કેટલા દિવસમાં બંધ થઈ શકે છે તમારો નંબર?
ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) અને વિવિધ કંપનીઓના નિયમો મુજબ, જો તમે સતત 90 દિવસ સુધી તમારા નંબર પરથી કોઈને કોલ નથી કરતા, એસએમએસ નથી મોકલતા અથવા કોઈ પણ પ્રકારનું રિચાર્જ નથી કરાવતા, તો કંપની તે નંબરને ઇન-એક્ટિવ કેટેગરીમાં મૂકી દે છે. આ પ્રક્રિયામાં સૌથી પહેલા તમારી આઉટગોઈંગ સેવાઓ બંધ કરવામાં આવે છે અને ત્યારબાદ ધીમે ધીમે ઇનકમિંગ સુવિધા પર પણ રોક લગાવી દેવામાં આવે છે.
જિયો (Jio) નો ખાસ નિયમ
જિયોની સત્તાવાર વેબસાઇટ પર આપેલી માહિતી મુજબ, જો તમારું સીમ 90 દિવસથી ઇન-એક્ટિવ હોય પરંતુ તમારા મેઈન એકાઉન્ટમાં ₹20 થી વધુનું બેલેન્સ હોય, તો કંપની તેમાંથી પૈસા કાપીને તમારા નંબરની વેલિડિટી વધુ 30 દિવસ માટે લંબાવી દે છે. જ્યાં સુધી તમારા ખાતામાં પૂરતું બેલેન્સ હશે ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલુ રહેશે. પરંતુ જેવું બેલેન્સ ખતમ થશે, તમારો નંબર ડી-એક્ટિવેટ કરવાની પ્રક્રિયા શરૂ થઈ જશે.
જો બેલેન્સ ન હોય તો શું થાય?
જો તમારા એકાઉન્ટમાં પૈસા નથી અને 90 દિવસ પૂરા થઈ ગયા છે, તો કંપની તમને વધારાના 15 દિવસનો ‘ગ્રેસ પીરિયડ’ આપે છે. આ સમયગાળા દરમિયાન તમે રિચાર્જ કરાવીને અથવા રી-એક્ટિવેશન ચાર્જ ભરીને તમારો નંબર ફરીથી ચાલુ કરાવી શકો છો. જો આ 15 દિવસમાં પણ કોઈ હિલચાલ ન થાય, તો તમારો નંબર કાયમ માટે બંધ કરી દેવામાં આવે છે. એકવાર નંબર બંધ થઈ ગયા પછી, કંપની તે જ નંબર બજારમાં નવા ગ્રાહકને ફાળવવા માટે ઉપલબ્ધ કરાવી શકે છે.
આથી, જો તમે તમારો મહત્વનો નંબર ચાલુ રાખવા માંગતા હોવ, તો ભલે તેમાં મોટો પ્લાન ન કરાવો, પણ દર થોડા મહિને નાનું રિચાર્જ કરાવતા રહેવું જોઈએ અથવા તેમાં પૂરતું મેઈન બેલેન્સ રાખવું જોઈએ.
