માત્ર ગુજરાતમાં જ લૂંટેરી દુલ્હન લોકોને શિકાર બનાવી રહી નથી. હવે જમ્મુ-કાશ્મીરમાંથી પણ આવો જ એક લૂંટેરી દુલ્હનનો રસપ્રદ કિસ્સો સામે આવ્યો છે. ૨૭ કરતા પણ વધુ પુરુષોએ અલગ અલગ સમયે એક જ મહિલા સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ આ લૂંટેરી દુલ્હન થોડો સમય ઘરમાં રહી અને પછી લૂંટ ચલાવીને ફરાર થઈ ગઈ હતી. જ્યારે પીડિત પતિઓએ આ મામલે પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ કરી તો ખુદ પોલીસ પણ ચોંકી ગઈ હતી. કેમ કે તમામ પીડિતોએ પોલીસને જે ફોટો આપ્યો હતો એ એક જ મહિલાનો હતો. આ કાંડ ખૂલ્યા બાદ પોલીસની પણ આંખો ફાટીને પહોળી થઈ ગઈ હતી.
આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી કે કેટલાંક પીડિત પતિઓ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા. આ પીડિત પતિઓએ પોતાની પત્ની ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ તમામ પીડિત પતિઓ પાસેથી પત્નીના ફોટા લીધા હતા. જેથી કરીને તેને શોધવામાં સરળતા રહે. પરંતુ જ્યારે આ તમામ ફોટા જાેયા તો તે એક જ મહિલાના હતા. આ મામલે ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પણ ટિ્વટ કર્યુ હતુ.
બડગામમાં રહેતા ખાન સાહીબે જણાવ્યું કે, તેઓ આ મહિલાના સંપર્કમાં આવ્યા હતા અને પછી લૂંટાયા હતા. તેમનો દીકરો લગ્ન કરવા માગતો હોવાથી એક દલાલે મહિલાનો ફોટો બતાવ્યો હતો. તે રાજાેરીની વતની હોવાનું કહેવામાં આવ્યું હતું.
તો અબ્દુલ અહેમદ મીરે જણાવ્યું કે, મારા દીકરાને કેટલીક શારીરિક તકલીફ છે. જેથી દલાલે કહ્યું હતું કે તે તેમના દીકરાના લગ્ન કરી આપશે અને એના માટે બે લાખ રુપિયાનો ખર્ચ આપવો પડશે. આ દરમિયાન બધા લોકો લગ્નની તૈયારીઓ કરી રહ્યા હતા ત્યારે દલાલે કહ્યું કે, થોડા સમય પહેલાં જ મહિલાને અકસ્માત નડ્યો હતો. તેણે બીજી મહિલાના અકસ્માતના ફોટા પણ બતાવ્યા અને રુપિયા માગ્યા હતા. અબ્દુલ અહેમદ મીરે જણાવ્યું કે, એ પછી પણ તેઓએ લગ્નની તૈયારી દર્શાવી હતી.
લગ્નના થોડા દિવસો પછી મહિલાએ તેના પતિને હોસ્પિટલ લઈ જવા માટે કહ્યું હતું. જ્યારે તેઓ હોસ્પિટલ પહોંચ્યા તો મહિલા ત્યાંથી રફુચક્કર થઈ ગઈ હતી. તો એક પીડિતના પિતાએ જણાવ્યું કે, અમે લગ્ન માટે મહિલાને રુપિયા ૩,૮૦,૦૦ અને પાંચ લાખના સોનાના દાગીના આપ્યા હતા. તો બીજા પીડિત પતિએ પણ આ મહિલાના ફોટા બતાવ્યા હતા. લગ્ન બાદ તે માત્ર ૧૦ જ દિવસ સુધી ઘરમાં રહી હતી અને પછી હોસ્પિટલમાંથી ભાગી ગઈ હતી.