લોકો સામાન્યતઃ લગ્ન કે નવી વસ્તુ ખરીદવા માટે જ્યોતિષથી શુભ મુહૂર્ત કઢાવતા હોય છે. પરંતુ મહારાષ્ટ્રના બારામતીમાં એક ચોંકાવનારી બાબત પ્રકાશમાં આવી છે, જ્યાં ચોરોએ ૧ કરોડ રૂપિયાની લૂંટ કરવા માટે જ્યોતિષીથી શુભ સમય કઢાવ્યો હતો. પછી શુભ મુહૂર્ત પ્રમાણે લૂંટ કરી અને લૂંટમાં પણ સફળતા મળી હતી. પરંતુ ૪ મહિના બાદ લૂંટનો પર્દાફાશ થયો હતો અને લૂંટારુઓ પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા.એક કરોડની લૂંટના કેસમાં પોલીસે જ્યોતિષી સાથે પાંચ લોકોની ધરપકડ કરી હતી. મળતી માહિતી મુજબ ચાર મહિના પહેલા બારમતી તાલુકા પોલીસ સ્ટેશન હેઠળના દેવકાટેનગરમાં રહેતા એક વ્યક્તિના ઘરે રાત્રે આઠ વાગ્યે લૂંટારુઓએ તેની પત્નીના હાથ અને પગ બાંધીને રૂપિયા, મોબાઈલ સહિત કુલ એક કરોડ સાત રૂપિયાની ચોરી કરી હતી.
આ વ્યક્તિ રિયલ એસ્ટેટમાં કામ કરતો હતો. આટલી મોટી ચોરીની ગંભીરતા જાેઈને સ્પેશિયલ ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીલે ખુદ આ ચોરીની તપાસ પર ધ્યાન આપ્યું હતું. પોલીસ અધિક્ષકે લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમો નિયુક્ત કરી હતી. ટેક્નિકલ એનાલિસિસ અને ઇન્ટેલિજન્સ ઇનપુટ્સના આધારે આખરે ચાર મહિના પછી લૂંટારૂઓની ધરપકડ કરવામાં આવી હતી.રિયલ એસ્ટેટમાં કામ કરતા વ્યક્તિની પત્નીને બંધક બનાવી લૂંટારુઓએ તેનું મોઢું બંધ કરી દીધું હતું. તેમને ધાકધમકી આપીને લૂંટારુઓ ઘરમાં રાખેલી તમામ રોકડ અને દાગીના લઈને ફરાર થઈ ગયા હતા. લૂંટારુઓએ પોલીસને જણાવ્યું હતું કે જ્યોતિષીએ લૂંટનો શુભ સમય કાઢવા માટે ખુબ મોટી રકમ લીધી હતી. પોલીસ અધિકારીએ કહ્યું કે અમે આ ગુનામાં ભૂમિકા બદલ જ્યોતિષીની ધરપકડ કરી છે. અમે ૭૬ લાખ રૂપિયા પણ રિકવર કર્યા છે. હાલ આ મામલે તપાસ ચાલી રહી છે.